અધ્યાય-૧૩૨-અષ્ટાવક્રનું આખ્યાન
II लोमश उवाच II
यः कथ्यते मन्त्रविदग्धबुध्धिरौदालकि: श्वेतकेतुः प्रुथिव्याम् I तस्याश्रमं पश्य नरेन्द्र पुण्यं सदा कलैरुपपन्नं महीजैः II १ II
લોમશ બોલ્યા-'હે નરેન્દ્ર,પૃથ્વીમાં મંત્રવિદ્યામાં કુશળ બુદ્ધિવાળા જે ઉદ્દાલકપુત્ર શ્વેતકેતુનો,આ વૃક્ષો ને ફળોથી સદા ભરૂપુર એવો આશ્રમ જુઓ.અહીં,શ્વેતકેતુએ સાક્ષાત સરસ્વતીનાં દર્શન કર્યા હતાં.એ સરસ્વતી પાસે શ્વેતકેતુએ વરદાન માગ્યું હતું 'મને સર્વ શાસ્ત્રોનું જ્ઞાન થાઓ' ત્યારે સરસ્વતીએ તે વરદાન આપ્યું હતું.
આ શ્વેતકેતુ અને કહોડપુત્ર અષ્ટાવક્ર,એ બે આ યુગમાં સર્વશ્રેષ્ઠ બ્રહ્મવેત્તા મુનિઓ હતા ને તેઓ મામા-ભાણેજ
થતા હતા.આ બંને વિદેહરાજ જનકના યજ્ઞમંડપમાં ગયા હતા,ત્યાં તેમને વાદવિવાદ કરીને તેના બંદીને હરાવ્યો હતો.હે કૌંતેય,તમે ઉદ્દાલક મુનિના આ આશ્રમમાં પ્રવેશ કરોને એમની ઉપાસના કરો.
અષ્ટાવક્ર એ ઉદાલક મુનિના દોહિત્ર (પુત્રીના પુત્ર) કહેવાયા છે.એ ઉત્તમ બ્રાહ્મણ અષ્ટાવક્રે બાળવયમાં જ
જનકના યજ્ઞમાં વાદવિવાદ કરીને તેને બંદીને હરાવીને પાણીમાં ડુબાડી દીધો હતો (6)
યુધિષ્ઠિર બોલ્યા-'હે બ્રહ્મન,તે અષ્ટાવક્ર બ્રાહ્મણ કેવા પ્રભાવશાળી હતા?
તેઓ આઠ અંગે વાંકા કેમ થયા હતા? તે બધું આશ્ચર્ય મને યથાર્થ રીતે કહો.
લોમશ બોલ્યા-'ઉદાલકને કહોડ નામે એક વિખ્યાત શિષ્ય હતો.તેણે ગુરુની સેવા કરીને અત્યંત લાંબા સમય સુધી વેદાધ્યયન કર્યું હતું.ગુરુએ તેને સર્વ વિદ્યા આપી અને પોતાની પુત્રી સુજાતાને તેની સાથે પરણાવી.તે સુજાતાને અગ્નિ જેવો તેજસ્વી ગર્ભ રહ્યો,તે ગર્ભે અધ્યયન કરતા પોતાના પિતાને કહ્યું કે-'હે પિતા,તમે જે આખી રાત અધ્યયન કરો છે તે બરોબર થતું નથી' આમ,તે મહર્ષિને શિષ્યો વચ્ચે તે ગર્ભે મહેણું માર્યું એટલે તે ઉદરમાં રહેલા ગર્ભને ઋષિએ શાપ આપ્યો કે-;તું પેટમાં રહ્યો રહ્યો આવું વાંકુ બોલે છે તેથી તું આઠ ઠેકાણે વાંકો થઈશ'(11)
આમ તે (ગર્ભના) મહર્ષિ આઠ ઠેકાણેથી વાંકા જન્મ્યા ને અષ્ટાવક્ર તરીકે પ્રખ્યાત થયા.શ્વેતકેતુ તેનો મામો હતો ને તે વયમાં તેની બરાબર હતો.એ બાળક (અષ્ટાવક્ર) ગર્ભમાં જયારે વધી રહ્યો હતો,ત્યારે પીડા પામતી એ સુજાતાએ ધનની ઈચ્છાથી પોતાના ધનહીન પતિને એકાંતમાં પ્રસન્ન કરીને કહ્યું કે-'મને આ દશમો મહિનો ચાલે છે બાળકના પાલનપોષણ માટે આપણી પાસે ધન નથી તો તેના માટે તમારે કોઈ ઉપાય ખોળવો રહ્યો.
પત્નીએ આમ કહ્યું એટલે તે કહોડઋષિ ધનને માટે જનકરાજા પાસે ગયા,
પણ,હે રાજન,ત્યાં બંદીએ તેમને વાદવિવાદમાં હરાવ્યા અને પાણીમાં ફેંકી દીધા હતા .(15)
કહોડ ઋષિના આ સમાચાર ઉદ્દાલકે સાંભળ્યા ત્યારે તેણે પોતાની પુત્રી સુજાતાને કહ્યું કે-'આ વાત તું પુત્રથી છાની રાખજે' એટલે તે સુજાતાએ એ વાત ગુપ્ત રાખી હતી,તેથી અષ્ટાવક્રે જન્મ્યા પછી પણ એ વાત સાંભળી નહોતી.
અષ્ટાવક્ર ઉદાલકને પિતાની જેમ ને શ્વેતકેતુને ભાઈની જેમ માનતો હતો.એ પછી,બારમે વર્ષે અષ્ટાવક્ર,પિતા સમાન ઉદાલકના ખોળામાં બેઠો હતો ત્યારે શ્વેતકેતુએ ત્યાં આવીને તેને બે હાથ પકડીને ઉઠાડી મૂકીને કહ્યું કે-
'આ કંઈ તારા પિતાનો ખોળો નથી' અષ્ટાવક્રને દુઃખ થયું ને ઘેર જઈને માતાને પૂછ્યું કે-'મારા પિતા ક્યાં છે?'
ત્યારે માતા સુજાતા અત્યંત ગભરાઈ ગઈ ને તેણે સર્વ હકીકત કહી દીધી.અષ્ટાવક્રે આ રહસ્ય જાણી લીધા પછી,
શ્વેતકેતુને કહ્યું કે-'આપણે બંને જનકરાજાના આશ્ચર્યજનક યજ્ઞમાં જઈએ ને ત્યાં બ્રાહ્મણોનો વાદવિવાદ ને કલ્યાણકારી વેદઘોષ સાંભળીશું કે જેથી આપણામાં કુશળતા આવશે.
આમ તે મામા-ભાણેજ જનકરાજાના યજ્ઞમાં ગયા,ત્યાં માર્ગમાં જ જનકરાજા મળ્યા અને તેના સિપાહીઓ અષ્ટાવક્રને દૂર ખસવા કહેવા લાગ્યા ત્યારે અષ્ટાવક્રે રાજાને કહ્યું કે- (23)
અધ્યાય-૧૩૨-સમાપ્ત