Feb 10, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-422

 

અધ્યાય-૧૨૯-પવિત્ર સ્થાનોનું વર્ણન 


II लोमश उवाच II अस्मिन्किल स्वयं राजन्निष्टवान वै प्रजापतिः I सत्रमिष्टिकृतं नाम पुरा वर्षसहस्त्रकम् II १ II

લોમશ બોલ્યા-'હે રાજન,આ જ સ્થળે.પૂર્વે પ્રજાપતિએ પોતે એક હજાર વર્ષ ચાલે એવો ઇષ્ટિકૃત નામનો એક યજ્ઞ કર્યો હતો.વળી,નાભાગના પુત્ર અંબરીષે પણ અહીં યજ્ઞ કર્યો હતો ને દશ હજાર ગાયોનું દાન કરીને તે પરમસિદ્ધિને પામ્યો હતો.અમાપ તેજવાળા ને ઇન્દ્રની સાથે સ્પર્ધા કરનારા નહુષપુત્ર યયાતિનો આ દેશ છે.ને આ તેની યજ્ઞભૂમિ છે.અનેક પ્રકારના આકારવાળી અને અગ્નિવેદીઓથી ભરાઈ ગયેલી આ ભૂમિ જુઓ.

આ એક પાંદડાવાળી સમીની-ખીજડીની ડાળ છે.આ ઉત્તમ મદ્યપાત્ર છે.આ તળાવો,ને આ નારાયણ આશ્રમને જુઓ.યોગબળથી પૃથ્વી પર વિચરનારા રૂચિકપુત્રનો આશ્રમ અહીં રૌપ્યા નદીના કિનારે આવેલો છે.

આ તીર્થ સંબંધમાં પરંપરાથી ચાલી આવતા શ્લોકો હું તમને કહું છું તે તમે સાંભળો.ખાંડણીયા જેવા કાનના અલંકારો પહેરેલી એક પિશાચીએ,એક બ્રાહ્મણીને તે કહ્યા હતા.


'યુગંધરમાં દહીં ખાઈને,અચ્યુત સ્થળમાં વાસ કરીને,તેમ જ ભૂતલયમાં સ્નાન કરીને તું પુત્ર સાથે અહીં રહેવા ઈચ્છે છે તો ભલે રહે પણ એક રાત રહયા પછી બીજે દિવસે અહીં રહીશ તો તું વસ્ત્ર-આદિ ખોઈ બેસીશ.ને જો બે રાત રહીશ તો તું પ્રાણ ખોઈ બેસીશ' આથી હે ભરતશ્રેષ્ઠ,અહીં આપણે એક રાત ગાળીશું 

(એટલે કે માત્ર સ્વધર્મ નિષ્ઠાવાન મનુષ્ય જ આ તીર્થને સેવવા યોગ્ય છે ને તે અહીં એક રાત ગાળી શકે છે)


હે રાજન,આ કુરુક્ષેત્રનું દ્વાર છે.યયાતિએ પુષ્કળ રત્નો વાપરીને અહીં યજ્ઞો કર્યા હતા,તેથી ઇન્દ્ર તેના પર પ્રસન્ન થયો હતો.પ્લક્ષાવતરણ નામનું આ ઉત્તમ યમુનાતીર્થ છે,પંડિતો તેને સ્વર્ગનું દ્વાર કહે છે.અહીં,ઋષિઓએ સારસ્વત યજ્ઞોથી યજન કર્યું હતું.અહીં,ભરતરાજાએ યજ્ઞો કર્યા હતા ને અશ્વમેઘ યજ્ઞ માટે પવિત્ર ને કાળા કાનવાળો ઘોડો વારંવાર છૂટો મુક્યો હતો.મરૂત રાજાએ પણ અહીં યજ્ઞ કર્યો હતો,અહીં જળસ્પર્શ કરવાથી મનુષ્ય પાપકર્મોથી છૂટે છે અને સર્વ લોકોનાં પ્રત્યક્ષ દર્શન પામે છે.માટે તમે પણ અહીં સ્નાન કરો.(17)


યુધિષ્ઠિરે,ભાઈઓ સાથે સ્નાન કરીને લોમશને કહ્યું કે-'હે બ્રહ્મન,સ્નાન કરીને હું સર્વ લોકોને પ્રત્યક્ષ જોઉં છું.

ને અહીં રહ્યો રહ્યો હું શ્વેત વાહનવાળા અર્જુનને પણ નિહાળી રહ્યો છું' લોમશ બોલ્યા-'હે મહાબાહુ,હવે આ પુણ્યાશ્રમોથી ઘેરાયેલી પવિત્ર સરસ્વતી નદીને જુઓ.ત્યાં સ્નાન કરવાથી તમે પાપમુક્ત થશો.અહીં ઋષિઓ,રાજર્ષિઓ ને દેવર્ષિઓએ સારસ્વત યજ્ઞોથી યજન કર્યું હતું,ચોતરફ પાંચ જોજનના વિસ્તારવાળી આ પ્રજાપતિની વેદી છે,વળી,યજ્ઞશીલ મહાત્મા કુરુનું આ ક્ષેત્ર છે (22)

અધ્યાય-૧૨૯-સમાપ્ત