અધ્યાય-૧૨૮-સોમકને સો પુત્રોની પ્રાપ્તિ ને પાપનું ફળ
II सोमक उवाच II ब्रह्मन्यद्यद्ययाकार्य तत्कुरुष्व तथा तथा I पुत्रकामतया सर्व करिष्यामि वचस्तव II १ II
સોમક બોલ્યો-'હે બ્રહ્મન,જે જે કર્મ જેમ કરવાનું હોય તે કર્મ તે પ્રમાણે કરો.
પુત્રની ઈચ્છાથી હું તમારું સઘળું કહેલું કરીશ.
લોમશ બોલ્યા-'પછી,તે ઋત્વિજે સોમકને તે (પુત્ર) જંતુથી યજ્ઞ કરાવવા માંડ્યો.પુત્ર પ્રત્યે દયાથી ભરાયેલી માતાઓ પોતાના તે પુત્રને બળપૂર્વક ખેંચી રાખવા લાગી ને કરણ સ્વરે કલ્પાંત કરવા લાગી.તે ચીસો પાડતી માતાઓ પાસેથી તે ઋત્વિજે,જંતુને ખેંચી,તેને કાપી નાખીને તેની ચરબીનો હોમ કરવા લાગ્યો.ત્યારે તેના વ્યાપેલા ધુમાડાની ગંધથી સર્વ માતાઓ વ્યાકુળ થઈને ધરતી પર ઢળી પડી.ને તે ધૂમાડાથી તેમને ગર્ભ રહ્યા.
દશમે મહિને તે સર્વ સો રાણીઓને પૂરા સો પુત્રો અવતર્યા.જંતુ તેની એ જ માતાથી સૌથી પહેલો જન્મ્યો.ને સર્વ માતાઓમાં તે સહુથી વહાલો બન્યો હતો.એને ડાબે પડખે સોનેરી લખું હતું ને ગુણોમાં સહુથી શ્રેષ્ઠ હતો.
પછી,સોમકને તે ગુરુ (ઋત્વિજ)પરલોકમાં ગયો.સમય જતાં સોમક પણ પરલોક પહોંચ્યો.ત્યારે તેણે પોતાના તે ગુરુને ઘોર નરકમાં રંધાતો જોયો.એટલે તેણે તેને પૂછ્યું કે-'હે દ્વિજ.તમે કેમ નરકમાં સબડો છો?'
ત્યારે તેણે કહ્યું કે-'હે રાજન મેં તમને યજ્ઞ કરાવ્યો તેના કર્મનું આ ફળ છે'(12)
આ સાંભળી.તે રાજર્ષિએ ધર્મરાજને કહ્યું કે-હું આ નરકમાં પ્રવેશ કરીશ,તમે મારા આ ગુરુને છોડી દો.
સ્વર્ગ કે નરક એ બંનેમાં હું તેમની સાથે જ રહેવા ઈચ્છું છું,હે દેવ,અમને પુણ્ય અને પાપનું આ ફળ સમાન જ મળવું જોઈએ.હું આ બ્રહ્મવાદીને છોડીને પુણ્યલોકને ઈચ્છતો નથી' ત્યારે ધર્મરાજ બોલ્યા કે-'કર્તાનું કર્મફળ બીજો ક્યારેય ભોગવતો નથી.પણ જો તારી આવી જ ઈચ્છા છે તો આનું ફળ સાથે ભોગવ.પછી યોગ્ય વખતે તું એની સાથે સદ્દગતિ પામશે' એટલે તે રાજાએ એ મુજબ કરીને પાપમુક્ત થઈને ગુરુની સાથે નરકમાંથી મુક્ત થયો.
આ જે અહીં એ રાજાનો પવિત્ર આશ્રમ છે.તેમાં જે મનુષ્ય ક્ષમાશીલ રહી છ રાત રહે છે તે સદ્દગતિને પામે છે.
હે રાજેન્દ્ર,આપણે પણ અહીં છ રાત રહીશું.તમે તે માટે તૈયાર થાઓ.(21)
અધ્યાય-૧૨૮-સમાપ્ત