Feb 8, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-420

 

અધ્યાય-૧૨૭-જંતુનું આખ્યાન 


II युधिष्ठिर उवाच II कथं वीर्यः राजाSभुत्सोमको वदतां वर I कर्माण्यस्य प्रभावं च श्रोतुमिच्छामि तत्वतः II १ II

યુધિષ્ઠિર બોલ્યા-'તે સોમક રાજા કેવો પરાક્રમી હતો?હું એનાં કાર્યો તથા એના પ્રભાવને યથાર્થ સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'ત્યારે સોમક નામે એક ધાર્મિક રાજા હતો,તેને એકસરખી સો પત્નીઓ હતી.તેને લાંબા સમય સુધી તે સ્ત્રીઓથી એકે પુત્ર થયો નહોતો.પણ તે વૃદ્ધ થયો ત્યારે યત્ન કરતાં તેને  જંતુ નામે એક પુત્ર જન્મ્યો હતો,

.તેથી તે સર્વ માતાઓ સર્વ કામ છોડીને તે જંતુને વીંટાઇને બેસી રહેતી હતી.

હવે એકવાર તે જંતુને કીડીએ કેડમાં ચટકો ભર્યો એટલે તે રોવા લાગ્યો,તેથી તે માતાઓ પણ મોટેથી રોકકળ કરવા લાગી.મંત્રીસભામાં બેઠેલા રાજાએ રોવાના અવાજો સાંભળીને તેની તપાસ કરવા માણસને મોકલ્યો.

માણસે આવીને સર્વ વૃતાન્ત કહ્યો એટલે રાજા સભામાંથી ઉઠીને અંતઃપુરમાં જઈને પુત્રને આશ્વાસન આપીને સભામાં પાછો આવ્યો.ને સભાના બેઠેલા ઋત્વિજને કહેવા લાગ્યો કે-


'ધિક્કાર હો આ લોકમાં એક જ પુત્ર હોવાપણાને.એના કરતાં તો અપુત્ર જ રહેવું સારું છે.એક પુત્ર પ્રાણીઓને નિત્ય પીડા કરાવે છે હે બ્રહ્મન,પુત્રની ઈચ્છાથી હું આ એકસરખી સો ભાર્યાઓને પરણ્યો હતો પણ તેમને કંઈ પ્રજા જ થતી નહોતી.આ એક પુત્ર જંતુ જ જેમતેમ અવતર્યો છે,આથી બીજું શું દુઃખ હોય? મારી ને મારી પત્નીઓની ઉંમર વીતી ગઈ છે.ને માત્ર આ એક પુત્ર પર અમારા પ્રાણ ટકી રહ્યા છે.તો એવું નાનું કે મોટું,

સહેલું કે અઘરું કોઈ કર્મ છે ખરું કે જે કર્યાથી મારે સો પુત્રો થાય? (16)


ઋત્વિજ બોલ્યો-'હા,એવું એક કર્મ છે કે જે જો તમે તે કરી શકતા હો તો તે વિશે હું તમને કહું'

સોમક બોલ્યો-'જે કરવાથી મને સો પુત્રો થાય એમ હોય,તો તે કર્મ ભલે કરવા યોગ્ય હોય કે ન કરવા 

યોગ્ય હોય,તો પણ એ કર્મ મેં કર્યું જ છે,એમ જાણીને આપ મને એ કર્મ વિષે કહો.

ઋત્વિજ બોલ્યો-'મેં ચાલુ કરેલા યજ્ઞમાં તમારા પુત્ર જંતુનો હોમ કરો,જંતુની ચરબી જયારે હોમવામાં આવે તે વખતે માતાઓ તેના ધુમાડાને સુંઘશે,એટલે તેઓ મહાવીર્યવાન પુત્રોનો જન્મ આપશે.અને તે રાણીમાં આ જંતુ જ ફરીથી પુત્રરૂપે અવતરશે,કે જેને ડાબે પડખે એક સોનેરી લાખું હશે.(21)

અધ્યાય-૧૨૭-સમાપ્ત