અધ્યાય-૧૨૫-અશ્વિનીકુમારોને સોમપ્રાપ્તિ
II लोमश उवाच II ते द्रष्टा घोरवदनं मदं देवः शतक्रतुः I आयांतं भक्षयिष्यंतं व्याताननमिवांतकम् II १ II
લોમશ બોલ્યા-કાળની જેમ ખાવાને ધસી આવતા એ ભયંકર મોં વાળા રાક્ષસને જોઈને સ્થિર થયેલા હાથવાળો ઇન્દ્ર ભયથી વારંવાર પોતાનાં ગલોફાં ચાટવા લાગ્યો ને પછી ભયથી પીડાયેલા એ (શતક્રતુ)દેવરાજે ચ્યવનને કહ્યું કે-'હે ભાર્ગવ,આ મારુ સત્ય વચન છે કે આજથી આ અશ્વિનીકુમારો સોમપાનના અધિકારી ગણાશે,તમે મારા પર પ્રસન્ન થાઓ.તમે કૃપા કરો અને ઇચ્છામાં આવે તે કરો' ત્યારે તે ચ્યવનનો કોપ એકદમ ઓસરી ગયો અને તેમણે ઇન્દ્રને એકદમ મુક્ત કર્યો.અને મદ રાક્ષસને,મદ્યપાન,સ્ત્રી,જુગાર ને મૃગયામાં વહેંચીને તેનો નિકાલ કર્યો.
પછી,તે ઋષિએ ઇન્દ્ર અને અશ્વિનીકુમાર સાથે સર્વ દેવોને સોમપાનથી તૃપ્ત કર્યા.આ પ્રમાણે તેમણે શર્યાતિ રાજાને યજ્ઞ કરાવીને સર્વ લોકમાં પોતાના પરાક્રમથી પ્રખ્યાતિ કરી,પત્ની સુકન્યા સાથે આ અરણ્યમાં વિહાર કર્યો.
હે રાજન,પક્ષીઓથી ગાજી રહેલું તેમનું આ સરોવર શોભે છે,તેમાં સ્નાન કરી દેવો ને પિતૃઓને તર્પણ કરો.
પછી સિકતાક્ષ તીર્થ જઈ,ત્યાંથી સૈન્ધવારણ્ય જઈ નાની નાની નદીઓનાં દર્શન કરો.સર્વ પુષ્કરોમા જળસ્પર્શ કરજો.ત્યાં મહાદેવનો મંત્ર જપવાથી તમને સિદ્ધિ પ્રાપ્ત થશે.
અહીં,દ્વાપર અને ત્રેતા એ બેની સંધિ જેવો સર્વ પાપોના નાશનો સમય છે.અહીં સ્નાન કરો.ત્યાં આર્ચીક પર્વત છે ને તે જ્ઞાનીઓનો નિવાસ છે,દેવોનાં અનેક મંદિરો છે.અહીં ત્રણ શૃંગો ને ત્રણ પ્રવાહો છે,તે સૌની પ્રદિક્ષણા કરીને તેમાં ઈચ્છો એટલી વાર સ્નાન કરો.શાંતનુ,શુનક,નર અને નારાયણ એ અહીં સનાતન સ્થાનને પામ્યા છે.
અહીં,ઋષિઓએ ચરૂઓનું ભોજન કર્યું હતું ને અહીં અખંડ વહેતી યમુના છે,જ્યાં શ્રીકૃષ્ણ તપમાં બેઠા હતા.
હે રાજન,મહર્ષિઓના સમુહોથી સેવાયેલી આ યમુના છે અહીં અનેક યજ્ઞો થયા છે.
અહીં,માંધાતા રાજાએ પૌત્ર તથા સહદેવના દાનવીર પુત્ર સોમકે યજ્ઞો કર્યા હતા (26)
અધ્યાય-૧૨૫-સમાપ્ત