Feb 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-417

 

અધ્યાય-૧૨૪-શર્યાતિનો યજ્ઞ 


II लोमश उवाच II ततः शुश्राव शर्यातिर्वयस्यं च्यवनं कृतं I सुद्रष्टः सेनया सार्धमुपायाद्भर्गवाश्रमम् II १ II

લોમશ બોલ્યા-'હવે,શર્યાતિ રાજાએ સાંભળ્યું કે-ચ્યવનને ફરીથી યૌવન મળ્યું છે એટલે તે હર્ષ પામ્યો ને સેના સાથે

એ ભાર્ગવના આશ્રમે આવ્યો.ચ્યવન ને સુકન્યાને જોઈને શર્યાતિ ને તેની પત્નીને અતિ આનંદ થયો.

ચ્યવન ભાર્ગવે રાજાને કહ્યું કે-'હે મહારાજ,હું તમને યજ્ઞ કરાવીશ,તમે સામગ્રીઓ એકઠી કરો' શર્યાતિએ,ચ્યવનના

વચનને માન આપીને એમની પાસે યજ્ઞ કરાવ્યો.તે યજ્ઞ વખતે આશ્ચર્યકારક બનાવો બન્યા હતા,તે સાંભળો.

તે યજ્ઞમાં ચ્યવને અશ્વિનીકુમારોને સોમરસ ધરાવીને તે દેવોને સોમરસ લેવડાવતા હતા,ત્યારે ઇન્દ્રે તેમને વારીને કહ્યું કે-'આ બે અશ્વિનીકુમારો તો સ્વર્ગના દેવોના વૈદ્યો છે ને તેઓ સોમપાનના અધિકારી નથી'

ચ્યવન બોલ્યા-'હે ઇન્દ્ર,આમને મને દેવોના જેવો અજરઅમર બનાવ્યો છે.વળી,તમારા ને બીજા દેવો સિવાય 

એ બેઉને પણ કેમ સોમપાન ન કરાવાય? આ અશ્વિનીકુમારો પણ દેવો જ છે' (11)


ઇન્દ્ર બોલ્યો-'એ બંને વૈદ્યો છે ને અમારાં કામ કરનાર છે.તેઓ ધાર્યું રૂપ લેનારા છે ને મર્ત્યલોકમાં ફરે છે,તો તેઓ કેમ કરીને સોમપાનને લાયક ગણાય?' ઇન્દ્રે જયારે માં વારંવાર કહેવા માંડ્યું,ત્યારે ચ્યવને તેનો અનાદર કરીને અશ્વિનીકુમારોને આપવાનો સોમભાગ લેવા મંડ્યા.તે જોઈને બલ રાક્ષસને મારનાર ઇન્દ્રે તેમને કહ્યું કે-'તમે જો પોતે જ એ બંનેને માટે સોમરસ લેશો તો હું તમને ભયંકર રૂપવાળું અનુપમ વજ્ર મારીશ'


ઇન્દ્રના આમ કહેવા છતાં,ચ્યવને જરાક હસીને અશ્વિનીકુમારો માટેનો સોમભાગ લીધો.એટલે ઇન્દ્ર તેમની સામે વજ્ર ફેંકવા તૈયાર થયો ત્યારે ચ્યવને ઇન્દ્રના હાથને થંભાવીને જડ કરી નાખ્યો ને ઇન્દ્રને મારી નાખવા સજ્જ થયા.

તેમણે કૃત્યા ઉત્પન્ન કરવા અગ્નિમાં મંત્રપૂર્વક હોમ કર્યો.ને ઋષિના તપોબળથી કૃત્યા પેદા થઇ કે જે મદ નામના મહાકાય,મહાસુરરૂપે હતી.દેવો ને દાનવો પણ તે અસુરના શરીરને માપવા અસમર્થ હતા.તીક્ષ્ણ અણીવાળા દાંતોવાળું તેનું મોં ભયંકર હતું,તેનો એક ઓઠ પૃથ્વી પર હતો તો બીજો આકાશને અડતો હતો.વીજળીની જેમ લપલપ થતી જીભથી તે તેનું મોં ચાટ્યા કરતો હતો.મહાભયંકર ગર્જનાથી તે સર્વ લોકને ગજવી રહ્યો અને 

ઇન્દ્રને ખાઈ જવાની ઈચ્છાથી તેના તરફ દોડ્યો (25)

અધ્યાય-૧૨૪-સમાપ્ત