અધ્યાય-૧૨૩-ચ્યવન મુનિને નવયૌવન
II लोमश उवाच II कस्यचित्वथ कालस्य त्रिदशावश्विनौ नृप I कृताभिषेकां विचुतां सुकन्यां तामपश्यताम् II १ II
લોમશ બોલ્યા-'હે રાજા,એક વખત,કોઈ સંજોગોવશાત અશ્વિનીકુમાર દેવોએ,નાહીને ખુલ્લે અંગે ઉભેલી તે સુકન્યાને જોઈ.કે જેને જોઈને તેઓ એકદમ તેની પાસે દોડ્યા ને કહેવા લાગ્યા કે-'હે સુંદરી,તું કોની છે?
ને આ વનમાં તું શું કરે છે? તે મેં જાણવા ઇચ્છીએ છીએ' ત્યારે સુકન્યાએ શરમાઈને કહ્યું કે-
'હે દેવવરો,હું શર્યાતિ રાજાની પુત્રી અને ચ્યવનની પત્ની છું' (4)
અશ્વિનીકુમારો બોલ્યા-'હે કલ્યાણી,તારા બાપે તને આ ઘરડી ઉંમરના બુઢ્ઢા સાથે શા માટે પરણાવી?
તું અતિ સુંદર છે તેં ઉત્તમ વસ્ત્રો ત્યજ્યાં છે ને ઉત્તમ શણગાર કર્યા નથી છતાં આ વનમાં વધુ શોભે છે.
છતાં,તું ઘડપણથી ખવાઈ ગયેલા અને કામભોગથી વંચિત થયેલા પતિને કેમ કરી ઉપાસી રહી છે?
તારું રક્ષણ ને પોષણ કરવામાં અસમર્થ એવા તે ચ્યવનને મૂકી તું અમારા બે માંથી એકને વર.
બુઢ્ઢા પતિને ખાતર તું તારું સુંદર યૌવન નકામું ન કર'
સુકન્યા બોલી-'હું મારા પતિ ચ્યવન પર અત્યંત પ્રેમ રાખું છું,તમે તે વિશે શંકા ન કરો'
અશ્વિનીકુમાર બોલ્યા-'અમે બંને દેવોના વૈદ્યો છીએ.અમે તારા પતિને ફરીથી યુવાન કરીશું.પછી તે
અને અમે બંને,એ ત્રણમાંથી તું ગમે તે એકને તારો પતિ કરજે.આ શરતથી તારા પતિને તું લઇ આવ'
પછી,સુકન્યાએ ચ્યવન પાસે જઈને બધી વાત કરી,એટલે ચ્યવન ઋષિ તેમ કરવા તૈયાર થયા.
અશ્વિનીકુમારોએ ચ્યવનને જળમાં પ્રવેશ કરાવ્યો ને પછી પોતે પણ જળમાં પેઠા.બે ઘડી પછી
જયારે ત્રણે બહાર આવ્યા ત્યારે તેઓ સમાન વેશવાળા સુંદર યુવાનો બનીને બહાર આવ્યા.
સૌએ એકસાથે કહ્યું કે-'હે કલ્યાણી,હવે તને જેના પર પ્રેમ હોય તેને તું પસંદ કર'
ત્યારે સુકન્યાએ મન અને બુદ્ધિથી નિશ્ચય કરીને પોતાના પતિ ચ્યવનને જ પસંદ કર્યા.
ચ્યવન અતિ હર્ષ પામીને અશ્વિનીકુમારોને કહેવા લાગ્યા કે-'તમે બંનેએ મને રૂપવાન ને તરુણ કર્યો છે,
તેથી હું પ્રીતિપૂર્વક ઇન્દ્રના દેખતાં તમને બંનેને સોમપાન કરાવીશ,આ હું તમને સત્ય કહું છું'
આ સાંભળી તે અશ્વિનીકુમારો મનમાં હર્ષ પામ્યા ને સ્વર્ગલોકમાં પાછા ગયા.(24)
અધ્યાય-૧૨૩-સમાપ્ત