અધ્યાય-૧૨૧-ગયરાજાના યજ્ઞનું વર્ણન
II लोमश उवाच II नृगेण यजमानेन सोमेनेह पुरन्दरः I तर्पितः श्रयते राजन्स तृप्तो मुदमम्ययात II १ II
લોમશ બોલ્યા-હે રાજન,સાંભળ્યું છે કે યજ્ઞ કરતા નૃગે આ સ્થળે ઇન્દ્રને સોમપાનથી તૃપ્ત કર્યો હતો,કે જેથી તે આનંદ પામ્યો હતો.વળી,આ સ્થળે ઇન્દ્ર સહિત સર્વ દેવોએ ને પ્રજાપતિઓએ અનેકવિધ યજ્ઞો કર્યા હતા.
અહીં જ અમૂર્તરયસ ના પુત્ર ગયરાજાએ,સાત અશ્વમેઘ યજ્ઞોમાં સોમપાનથી ઇન્દ્રને તૃપ્ત કર્યા હતા.
તે સાતે ય યજ્ઞોમાં બધી સામગ્રીઓ સુવર્ણની હતી.ચષાલ (યજ્ઞસ્થંભને વીંટવાનું કડું) યૂપ (પશુને બાંધવાનો થાંભલો) ચમસ (સોમપાન કરવાનું પાત્ર)સ્થાલી (તપેલી)પાત્રી (હોમ પદાર્થો મુકવાનાં પાત્રો)સ્રુક (હોમદ્રવ્ય અગ્નિમાં હોમવાનું એક પાત્ર) અને સ્રુવા (આહુતિ માટે હવિ) એ સાત પ્રયોગો તેના તે જ યજ્ઞોમાં હતા.
એક એક યજ્ઞસ્થંભ પર સાત સાત ચપાલો હતા એમ કહેવાય છે.(5)
જેમ,પૃથ્વી પરના રેતીકણો,કે આકાશના તારા ગણી શકાય તેમ નથી,તેમ,ગયરાજાએ આ સાત યજ્ઞોમાં જે ધન આપ્યું હતું તે ગણ્યું ગણાય તેવું નહોતું.ચારે દિશામાંથી આવેલા બ્રાહ્મણોને તેણે વિશ્વકર્માએ નિર્મેલી સુવર્ણગાયોથી તૃપ્ત કર્યા હતા.આ યજ્ઞકર્મથી તે ગયને ઇંદ્રલોકની પ્રાપ્તિ થઇ હતી.જે મનુષ્ય આ પયોષ્ણી નદીમાં સ્નાન કરે છે તેને તે ગયરાજા જેવી ગતિ મળે છે,માટે તમે પણ અહીં સ્નાન કરી પાપમુક્ત થાઓ.(15)
પછી,તે યુધિષ્ઠિરે ભાઈઓ સાથે પયોષ્ણીમાં સ્નાન કર્યું ને ત્યાંથી વૈડૂર્ય પર્વતે તથા મહાનદી નર્મદાએ ગયા.
લોમશ ઋષિએ તે તીર્થનું માહાત્મ્ય બતાવીને કહ્યું કે-'હે કૌંતેય,વૈડૂર્ય પર્વત કે જે દ્વાપર ને ત્રેતાની સંધિમાં પ્રગટ થયેલો છે તેનાં દર્શન કરવાથી ને નર્મદામાં ઉતરવાથી મનુષ્યને દેવોના લોકની ગતિ પ્રાપ્ત થાય છે
આ શર્યાતિ રાજાના યજ્ઞનો દેશ છે,જ્યાં કૌશિકે સાક્ષાત અશ્વિનીકુમારો સાથે સોમપાન કર્યું હતું.
અહીં જ સમર્થ અને મહાતપસ્વી ચ્યવન ભાર્ગવ,ઇન્દ્ર પર રોષે ભરાયા હતા,ને તેને થંભાવી દીધો હતો.
ને અહીં જ તે ઋષિ,રાજપુત્રી સુકન્યાને પત્ની તરીકે પામ્યા હતા (22)
યુધિષ્ઠિર બોલ્યા-'હે મુનિ,ભૃગુપુત્ર ચ્યવને ઇન્દ્રને કેવી રીતે થંભાવ્યો હતો ને તેના પર કેમ ક્રોધિત થયા હતા?
વળી અશ્વિનીકુમારોને તેમણે કેવી રીતે સોમપાનના અધિકારી બનાવ્યા હતા?તે વિષે કહો (24)
અધ્યાય-૧૨૧-સમાપ્ત