Feb 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-413

 

અધ્યાય-૧૨૦-સાત્યકિનું ભાષણ 


II सात्यकिउवाच II 

न राम कालः परिदेवनाय यदुत्तरंत्वश्व तदेव सर्वे I समाचरामो ह्वनितकालं युधिष्ठिरो यद्यपि नः किंचित् II १ II

સાત્યકિ બોલ્યો-'હે રામ,આ વખત શોક કરવાનો નથી.આ યુધિષ્ઠિર તો કશું કહેતા નથી,છતાં હવે પછી જે કરવા યોગ્ય છે તે આપણે સૌએ વખત ગુમાવ્યા વગર કરી નાખવું જોઈએ.જેઓ આ લોકમાં પાલનહાર છે તેઓ પોતે કાર્યનો આરંભ કરતા નથી.જેમ,શિબિ રાજાએ યયાતિનાં કાર્યો કર્યાં હતાં,તેમ તે પાલનકર્તાઓ જ તેમનાં કાર્યો કરી દે છે.વળી,આ લોકમાં પાલનકર્તાઓ સ્વમતથી જેમનાં કાર્યો કરે છે,તે સનાથ પુરુષવીરો અનાથની જેમ કષ્ટ ભોગવતા નથી.આપણે સર્વ હોવા છતાં,યુધિષ્ઠિરે શા માટે વનવાસ કરવો પડે છે?(4)

હે રામ,તમે આજેજ સમગ્ર યાદવસેનાને યુદ્ધ માટે બહાર કાઢો.યાદવસેનાથી દુર્યોધન તેના ભાઈઓ સાથે નાશ પામો.ભલે સારંગપાણિ શ્રીકૃષ્ણ બેસી રહે,પણ તમે તો આ પૃથ્વીને કોપથી વીંધવા સમર્થ છો.તો તમે તે દુર્યોધનને ભાઈઓ સમેત હણી નાખો.જે પૃથાપુત્ર અર્જુન,જનાર્દનનો આત્મસ્વરૂપ છે તે ભલે બેસી રહે પણ 

હું પોતે જ દુર્યોધનની અસ્ત્રવૃષ્ટિને ઉત્તમ અસ્ત્રોથી હણી નાખી તે સૌને પરાજય આપીશ.

કૃપાચાર્ય,દ્રોણાચાર્ય,વિકર્ણ ને કર્ણ,પ્રદ્યુમ્ને છોડેલાં બાણોને સહન કરવા સમર્થ નથી.વળી,અભિમન્યુના પરાક્રમને હું જાણું છું.રણક્ષેત્રમાં તો તે જાણે બીજો પ્રદ્યુમ્ન હોય તેવો બને છે.સાંબ,દુઃશાસનને તેના પુત્ર તથા રથ સહિત રોળી નાખશે.કેમ કે યુદ્ધમાં તેને કોઈ પહોંચી શકે તેમ નથી.બાળક અવસ્થામાં જ એણે શંબર દૈત્યના સૈન્યને એકદમ કચરી નાખ્યું હતું.તેના સપાટામાં આવેલો માનવી જીવતો પાછો જઈ શકતો નથી (15)


શ્રીકૃષ્ણ,પોતાના બાણોથી ઉત્પન્ન થયેલા અગ્નિસમૂહથી ભીષ્મ,દ્રોણ ને પુત્રોથી ઘેરાયેલા સોમદત્તને તેમજ સર્વ સૈન્યને બાળી નાખશે.યુદ્ધમાં ચક્રરૂપી આયુધને ધારણ કરી રહેલા એવા અજોડ કૃષ્ણ અજેય છે.

અનિરુદ્ધ,ભાનભૂલ્યા તે ધૃતરાષ્ટ્રપુત્રોને હણીને,તેમનાં માથાંથી આ પૃથ્વીને ઢાંકી દેશે.યાદવો,ભોજો,અને અંધકોની શૂરવીર સેનાઓ એ ધૃતરાષ્ટ્ર પુત્રોને રણમાં રોળી આ લોકમાં પોતાની કીર્તિ વિસ્તારશે.આમ,યુધિષ્ઠિર દ્યુતમાં કહ્યા મુજબ પોતાનું વ્રત પુરુ કરે ત્યાં સુધી અભિમન્યુ,આ ભૂમિ પર રાજ્ય કરે.આ જ આપણે માટે યશદાયી કાર્ય છે.'


શ્રીકૃષ્ણ બોલ્યા-'હે સાત્યકિ.નિઃસંશય આ સાચું જ છે.તારાં વચન અમે સ્વીકારીએ છીએ પણ,પોતાના હાથથી ન જીતેલી ભૂમિને આ ધર્મરાજ,કોઈ પણ રીતે ઇચ્છશે જ નહિ.કામ,ભય કે લોભથી કોઈ પણ રીતે આ પાંડવો ને દ્રૌપદી પોતાના સ્વધર્મને છોડશે નહિ.ભીમ ને અર્જુન આ બંને રણક્ષેત્રમાં અજોડ છે,તો પછી યુધિષ્ઠિર આ પૃથ્વી પર શા માટે રાજ્ય ન કરે?જયારે આપણે સર્વ ભેગા થઈને યુદ્ધ કરીશું ત્યારે તે સર્વ કૌરવોનો નાશ નક્કી છે'


યુધિષ્ઠિર બોલ્યા-'હે સાત્યકિ,તમે કહો છો તેમાં કંઈ આશ્ચર્ય નથી.પણ મારે સત્યનું જ રક્ષણ કરવાનું છે.નહિ કે રાજ્યનું.શ્રીકૃષ્ણ મને બરોબર જાણે છે,ને હું પણ તેમને બરોબર જાણું છું.શ્રીકૃષ્ણને જયારે બરોબર સમય આવ્યો 

જણાશે ત્યારે તમે ને કેશવ તે દુર્યોધનને રણમાં જીતશો જ.એટલે આજે તમે પાછા વાળો.

ત્યારે તે યદુવીરો એકબીજાની રજા લઈને પોતાના ઘેર પાછા ગયા.શ્રીકૃષ્ણને વિદાઈ આપીને,યજ્ઞના સોમરસથી

જેનાં જળ મિશ્ર થયા હતાં,તેવી પયોષ્ણી નદીના તીરે જઈ જળપ્રાશન કરી વ્રત રાખ્યું.(32)

અધ્યાય-૧૨૦-સમાપ્ત