અધ્યાય-૧૧૯-બલરામનાં વચનો
II जनमेजय उवाच II प्रभासतीर्थमासाद्य पांडवा युष्ण्यस्तथा I किं कुर्वन्कथाश्चैषां कास्तत्रासंस्तपोधन II १ II
જન્મેજય બોલ્યા-'હે તપોધન,પાંડવો ને યાદવોએ પ્રભાસતીર્થમાં શું કર્યું?એમની વચ્ચે શી વાતો થઇ?
કારણકે યાદવો અને પાંડવો,સર્વ શાસ્ત્રોમાં કુશળ,વીર અને પરસ્પર મિત્રતા ધરાવે છે.
વૈશંપાયન બોલ્યા-'મહાસાગરના કિનારે,પ્રભાસમાં આવીને યાદવો,પાંડવોને વીંટાઇને બેઠા હતા
ત્યારે ઉજ્જવળ કાંતિવાળા,હળધર બલરામ,શ્રીકૃષ્ણને કહેવા લાગ્યા કે-
'હે કૃષ્ણ,મને લાગે છે કે-ધર્મ આચરવાથી પ્રાણીને ઉન્નતિ પ્રાપ્ત થતી નથી,તેમ,અધર્મથી અવનતિ થતી નથી.
કેમ કે ધર્મરાજ યુધિષ્ઠિર વનવાસમાં રહી,જટાધારી બનીને અને વલ્કલ પહેરી દુઃખ ભોગવી રહ્યા છે,તો અધર્મી એવો દુર્યોધન પૃથ્વી પર રાજ્ય કરે છે.ધરતી એને માર્ગ પણ આપતી નથી! અને આથી જ અલ્પબુદ્ધિવાળો મનુષ્ય તો ધર્મ કરતાં અધર્મ આચરવો સારો એમ માની લે છે.આથી,સાચું શું? ને ખોટું શું? તે વિષે મનુષ્યોમાં શંકા ઉભી થઇ છે.ભીષ્મ,કૃપાચાર્ય,દ્રોણાચાર્ય અને ધૃતરાષ્ટ્ર,પાંડવોને દેશપાર કરી કેવી રીતે સુખ ભોગવશે?તેમને ધિક્કાર હો.
પાપરહિત પાંડુપુત્રોને રાજ્યપાર ધકેલી દઈને એ પાપી ધૃતરાષ્ટ્ર પરલોકમાં પિતૃઓને મળીને શું એમ કહી શકશે કે 'મેં પુત્રો તરફ યથાયોગ્ય વર્તન રાખ્યું છે' એ ધૃતરાષ્ટ્રને બુદ્ધિથી એવું સૂઝતું પણ નથી કે 'પૃથ્વીના સર્વ રાજાઓમાં હું આવો આંધળો કયા પાપે જન્મ્યો છું? કે યુધિષ્ઠિરને દેશપાર કરી મારી શી દુર્દશા થશે?' ભીષ્મ વગેરેને પૂછીને તે ધૃતરાષ્ટ્ર સાચે જ તેમનો નાશ કરે છે,કેમ કે તેણે શંકા લાવીને આ યુધિષ્ઠિર અને તેના ભાઈઓને વનમાં કાઢ્યા છે.
આ જે મહાબાહુ વૃકોદર,આયુધ વિનાનો હોય તો પણ મોટી સેનાનો ઘાણ કાઢી નાખે તેવો છે,તે આજે ભૂખ ને તરસને વેઠી રહ્યો છે.તે આ વનવાસને યાદ રાખીને કૌરવો પર જયારે ચડાઈ કરશે ત્યારે તેમને જીવતા રહેવા દેશે નહિ.એમ મને નિશ્ચિત લાગે છે.પૃથ્વીમાં તેના સમાન કોઈ બળવાન છે નહિ.અરે,જે એકલો રથમાં બેસીને પૂર્વ દિશાઓના રાજાઓને જીતી લાયો હતો તે આજે વલ્કલધારી થઈને વનમાં દુઃખ વેઠી રહ્યો છે.
જેણે દક્ષિણ દિશાના રાજાઓને જીતી લીધા હતા,તે સહદેવને આજે તમે તપસ્વીના વેશમાં જુઓ છો.
ને જેણે પશ્ચિમ દિશાના રાજાઓને જીત્યા હતા તે નકુલ આજે જટા વધારીને કંદમૂળથી જીવન જીવી રહ્યો છે.
દ્રુપદના સમૃદ્ધ યજ્ઞમાંથી ઉત્પન્ન થયેલી ને સુખ ભોગવાને યોગ્ય આ દ્રૌપદી વનવાસનું આવું દારુણ દુઃખ કેમ કરીને સહન કરતી હશે?ધર્મદેવ,વાયુદેવ,ઇન્દ્ર અને અશ્વિનીકુમારના આ સુખને યોગ્ય એવા પુત્રો કેવી રીતે સુખરહિત થઈને વનમાં ફરતા હશે? જયારે આ સર્વને વનવાસ કાઢીને દુર્યોધન ઉન્નતિ પામી રહ્યો છે
ત્યારે પૃથ્વી પર્વતોની સાથે કેમ ફાટી પડતી નથી? (22)
અધ્યાય-૧૧૯-સમાપ્ત