અધ્યાય-૧૧૭-પરશુરામે કરેલો ક્ષત્રિયોનો સંહાર
II राम उवाच II ममापराद्यातैः क्षुद्रैर्हतस्त्वं तात बालिशैः I कार्तवीर्यस्य दायादैर्वने मृग इवेपुभिः II १ II
રામ બોલ્યા-'હે પિતા,જેમ,વનમાં પારધીઓ મૃગને મારે છે તેમ તે કાર્તવીર્યના નીચ ને મૂર્ખ પુત્રોએ તમને મારા અપરાધને લીધે મારી નાખ્યા છે.હે પિતા,સન્માર્ગે વર્તનારા અને પ્રાણીમાત્ર તરફ નિર્દોષ વર્તન રાખનારા તમને ધર્મવેત્તાને આવું મોત ક્યાંથી યોગ્ય હોઈ શકે? તપમાં રહેલા ને સામે ન લડતા એવા વૃદ્ધને સેંકડો બાણોથી જેને હણ્યા છે તેણે શું પાપ નથી કર્યું?' આ પ્રમાણે અનેક રીતે કરુણ વિલાપ કરીને,તેમણે પોતાના પિતાને અગ્નિદાહ આપી ને પિતાનાં સર્વ પ્રેતકાર્યો કર્યાં.પછી સર્વ ક્ષત્રિયોનો વધ કરવાની પ્રતિજ્ઞા લીધી (6)
પછી,અત્યંત ક્રોધે ભરાયેલ,અતિબળવાન એવા તે રામે યુદ્ધમાં શસ્ત્ર લીધું ને એકલે હાથે કાર્તવીર્યના પુત્રો અને તેમની મદદે આવેલા સર્વને મારી નાખ્યા.સમર્થ પરશુરામે પૃથ્વીને એકવીસ વાર નક્ષત્રી કરી અને સમંતપંચકમાં લોહીના પાંચ ધરા ભરી દીધા.એ ભૃગુકુલધુરંધરે એ ધરાઓમાં પોતાના ભૃગુવંશી પિતૃઓનું તર્પણ કર્યું ત્યારે તેમને ઋચીકનાં સાક્ષાત દર્શન થયાં,કે જેમણે પરશુરામને ક્ષત્રિયોનો નાશ કરતા વાર્યા (10)
ત્યાર બાદ,પરશુરામે,મહાન યજ્ઞ કરીને ઇન્દ્રને તૃપ્ત કર્યો ને ઋત્વિજોને પૃથ્વીનું દાન કર્યું.તેમણે કશ્યપને દશ વામ લાંબી ને નવ વામ ઊંચી એવી સોનાની વેદી કરીને આપી.કશ્યપની અનુમતિથી બ્રાહ્મણોએ એ વેદીના ટુકડા કરીને વહેંચી લીધા,ત્યારથી તે બ્રાહ્મણો 'ખાંડવાયન' તરીકે પ્રખ્યાત થયા છે.મહાત્મા કશ્યપને પૃથ્વી આપી દીધા પછી તે અમાપ પરાક્રમી પરશુરામ આ મહેન્દ્ર પર્વત પર વસે છે.(15)
વૈશંપાયન બોલ્યા-'હે રાજન,પછી,નિયમ અનુસાર,ચૌદસના દિવસે,વિપ્રો ને પાંડવોને,પરશુરામે દર્શન આપ્યા.
ત્યારે પાંડવોએ એ જમદગ્નિપુત્ર પરશુરામનું પૂજન કર્યું ને તેમના આદેશથી તેઓ મહેન્દ્ર પર્વત પર એક રાત્રિ રહ્યા અને પછી તે પાંડવોએ દક્ષિણ દિશા તરફ પ્રયાણ કર્યું. (18)
અધ્યાય-૧૧૭-સમાપ્ત
અધ્યાય-૧૧૮-પ્રભાસમાં બલરામ તથા કૃષ્ણનો મેળાપ
II वैशंपायन उवाच II गच्छन्स तीर्थानि महानुभावः पुण्यानि रम्याणि ददर्श राजा I
सर्वाणि विप्रैरुपशोभितानि कचित्क्रवचिद्भारत सागरस्यII १ II
વૈશંપાયન બોલ્યા-'હે ભારત,આગળ જતાં તે મહાનુભાવ યુધિષ્ઠિરરાજે સાગરતટ ઉપરનાં સર્વ પુણ્ય ને રમણીય તીર્થોમાં જઈને તેમાં સ્નાન કર્યું.પછી,તે સમુદ્રમાં જતી પ્રશસ્તા નદીએ જઈ ત્યાં સ્નાન કર્યું ને તર્પણ આપ્યું.
પછી,ગોદાવરી નદીમાં નાહીને પાપરહિત થઈને તેઓ સમુદ્ર પર પહોંચ્યા.ને ત્યાં તેમણે અગસ્ત્યતીર્થ અને
નારીતીર્થોના દર્શન ને સ્નાન કર્યાં,ત્યાં તે પાંડુપુત્ર અર્જુનના,માણસોથી ન થઇ શકે એવાં કર્મો સાંભળ્યાં.
પછી,તે સાગરતીર્થોમાં સહસ્ત્ર ગાયોનાં દાન કરી,તે સાગરકાંઠાના બીજાં અનેક તીર્થોએ અનુક્રમે ગયા.(8)
પછી,સમુદ્રતટ પરના થોડાક ભાગને વટાવી તે જગપ્રસિદ્ધ તે વનમાં પહોંચ્યા કે જ્યાં દેવોએ પૂર્વે તપ કર્યું હતું અને રાજાઓએ યજ્ઞો કર્યા હતા.ત્યાં તેમણે રૂચિકપુત્રની,તપસ્વીઓથી ઘેરાયેલી ને પૂજનીય એવી વેદી જોઈ.
પછી તે યુધિષ્ઠિરે,આદિત્ય,કુબેર,ઇન્દ્ર,વિષ્ણુ,સવિતા,વિભુ,મહાદેવ,ચંદ્ર,વરુણ,સાધ્યગણો,ધાતા,પિતૃઓ,રુદ્ર,
સરસ્વતી,સિદ્ધગણો,અને બીજા પવિત્ર દેવોનાં સુમનોહર પુણ્યધામો જોયાં.તે સર્વમાં દાન ને સ્નાન કરીને તે શૂર્પારકમાં આવી ને ત્યાંથી પાછાં વળતા તેઓ પ્રભાસ નામના તીર્થમાં આવી સ્નાન-તર્પણ કર્યું.
ત્યાં,યુધિષ્ઠિરે બાર દિવસ સુધી જળ ને વાયુનો આહાર રાખી,ચારે બાજુ અગ્નિ પ્રગટાવી તપવા માંડ્યું.
આમ,યુધિષ્ઠિરને ઉગ્ર તપ આચરતા સાંભળીને બલરામ ને શ્રીકૃષ્ણ તેમની પાસે આવ્યા.
પાંડુપુત્રો ને દ્રૌપદીને ભૂમિપર સુતેલા ને મહાદુઃખ ભોગવતા જોઈને વૃષ્ણીઓ દુઃખી થયા ને રોવા લાગ્યા.
પછી,એ યુધિષ્ઠિરે,બલરામ,શ્રીકૃષ્ણ,પ્રદ્યુમ્ન,સાત્યકિ ને બીજા સર્વ વૃષ્ણીઓ પાસે જઈને તેમને સત્કાર આપ્યો.
તે સર્વ વૃષ્ણીઓ યુધિષ્ઠિરને વીંટાઈને બેઠા ત્યારે યુધિષ્ઠિરે,અર્જુનની ને પોતાની તીર્થયાત્રાની સર્વ વાત કરી(23)
અધ્યાય-૧૧૮-સમાપ્ત