Jan 29, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-410

 

અધ્યાય-૧૧૬-પરશુરામ ચરિત્ર અને જમદગ્નિનો વધ 


II अकृतव्रण उवाच II स वेदाध्ययने युक्तो जम्दग्निर्महातप: I तपस्तेपे ततो वेदान्नियमाद्वशमानयत II १ II

અકૃતવ્રણ બોલ્યા-'વેદના અધ્યયનમાં પરાયણ અને મહાતપસ્વી એવા તે જમદગ્નિએ તપ કર્યું ને નિયમપૂર્વક વેદોને વશ કર્યા.પછી,તેણે પ્રસેનજીત રાજા પાસે જઈને તેની દીકરી રેણુકાની માગણી કરી,એટલે તે રાજાએ તેમને પોતાની દીકરી પરણાવી.રેણુકાને પત્ની તરીકે પામીને તે ભાર્ગવનંદન આશ્રમવાસી થઇ પત્ની સાથે તપ કરવા લાગ્યા.તે રેણુકાને પાંચ પુત્રો જન્મ્યા.એ સૌ પુત્રોમાં પરશુરામ સહુથી નાના હતા પણ ગુણમાં સહુથી શ્રેષ્ઠ હતા(4)

(નોંધ-આગળ કહ્યા મુજબ,સત્યવતીના આ પૌત્ર,ભૃગુઋષિના વચન મુજબ ક્ષત્રિયવૃત્તિના થયા હતા !!)

હવે એકવાર,આ સર્વ પુત્રો ફળ લાવવા ગયા હતા ત્યારે વ્રતધારિણી રેણુકા સ્નાન કરવા ગઈ હતી.તે વખતે,એકાએક તેણે માર્તિકાવતના રાજા ચિત્રરથને જોયો.કમળપુષ્પની માળા ધારણ કરેલ તે ઐશ્વર્યવાન રાજાને તેની પત્ની સાથે જળમાં ક્રીડા કરતો જોઈને રેણુકાને તેની ઈચ્છા થઇ.અને વ્યભિચારી ભાવને લીધે તે પાણીમાં જ સ્ખલિત થઈ.ભાન ભૂલેલી એવી તે ભયભીત થઇ અને આશ્રમમાં પછી આવી ત્યારે તેના સ્વામી જમદગ્નિ તેની આ દશાને જાણી ગયા ને તેને વૈર્યથી ભ્રષ્ટ થયેલી જોઈને તેને ધિક્કારી તેનો તિરસ્કાર કર્યો.(9)


એવામાં,જમદગ્નિના ચાર પુત્રો રૂમણવાન,સુષેણ,વસુ ને વિશ્વાવસુ ત્યાં આવ્યા.ત્યારે જમદગ્નિએ તે સૌને અનુક્રમે માતાનો વધ કરવાની આજ્ઞા કરી,પણ માતા પરના સ્નેહને લીધે તેઓ ગાભરા બની કશું કર્યા વિના ઉભા રહ્યા.

પોતાની આજ્ઞાનું પાલન નહિ કરનાર તે ઋષિએ ક્રોધમાં આવી તેમને શાપ આપ્યો એટલે તેઓ જડ થઇ ગયા.

પછી,પરશુરામ આશ્રમે આવ્યા ત્યારે જમદગ્નિએ તેને કહ્યું કે-'હે પુત્ર તું તારી આ માતાને હણી નાખ'

એટલે તરત જ પિતાની આજ્ઞા માથે ચડાવી,પરશુરામે પરશુ લઈને માતાનું મસ્તક ઉડાવી દીધું.(14)


ત્યારે,એકાએક જમદગ્નિનો ક્રોધ ઉતરી ગયો ને તેમણે તરત જ પ્રસન્ન થઈને પરશુરામને કહ્યું કે-

'હે બેટા,મારી આજ્ઞાથી તેં આવું દુષ્કર કાર્ય કર્યું છે તો હે ધર્મજ્ઞ,તારા હૃદયમાં જેટલી ઈચ્છા હોય તે તું માગી લે'

એટલે પરશુરામે માગ્યું કે-'મારી માતા ફરી સજીવન થાય,મેં કરેલા તેના વધની તેને સ્મૃતિ ન રહે.અને મને આ પાપનો

સ્પર્શ ન લાગે.વળી,મારા ભાઈઓ ફરીથી સજીવ થાય અને યુદ્ધમાં મારા સમાન કોઈ થાય નહિ,

તથા હું દીર્ઘાયુ થાઉં' ત્યારે જમદગ્નિએ તેની સર્વ ઈચ્છાઓ પુરી કરી (18)


હવે,એક વખત તે જમદગ્નિ પુત્રો બહાર ગયા હતા ત્યારે અનૂપદેશનો રાજા કાર્તવીર્ય (સહસ્ત્રાર્જુન) આશ્રમે આવ્યો.

ત્યારે ઋષિ અને ઋષિપત્નીએ તેનો સત્કાર કર્યો,પણ યુદ્ધના મદમાં છકી ગયેલા તેણે એ સત્કારને સ્વીકાર્યો નહિ.

ને જોરજુલમ કરી,બરાડતી કામધેનુની પરવા ન કરતાં,તેના વાછરડાનું હરણ કર્યું.ને મોટાં ઝાડોને પાડી નાખ્યાં.

પરશુરામ પાછા આવ્યા ત્યારે પિતાએ તેમને બધી વાત કહી.કામધેનુ ગાયને આરડતી જોઈને પરશુરામને ક્રોધ ચડી આવ્યો,ને તે પોતાનું ધનુષ્ય લઈને કાર્તવીર્યની પાછળ દોડ્યા.ને તેની સાથે યુદ્ધ કરીને તે સહસ્ત્રાર્જુનના હજાર હાથોને

છેદી નાખીને છેવટે તેને મારી નાખ્યો.એથી પરશુરામ પર ક્રોધે ભરાયેલા સહસ્ત્રાર્જુનના પુત્રો,

પરશુરામ વિનાના આશ્રમમાં દોડી જઈને જમદગ્નિ પર તૂટી પડ્યા ને યુદ્ધ ના કરનારા એવા તે 

જમદગ્નિને બાણોથી વીંધીને મારી નાખીને ત્યાંથી તેઓ ભાગી ગયા.પરશુરામ જયારે આશ્રમે પાછા આવ્યા

ત્યારે પોતાના પિતાને અયોગ્ય રીતે મૃત્યુવશ થયેલા જોઈને દુઃખમાં આવી વિલાપ કરવા લાગ્યા (29)

અધ્યાય-૧૧૬-સમાપ્ત