અધ્યાય-૧૧૫-પરશુરામ ચરિત્રનો આરંભ
II वैशंपायन उवाच II स तत्र तमुपित्वकां रजनीं पृथिवीपतिः I तापसानां परम् चक्रे सत्कारं भ्रातृभिः सः II १ II
વૈશંપાયન બોલ્યા-'તે પૃથ્વીપતિ યુધિષ્ઠિરે ભાઈઓ સાથે ત્યાં મહેન્દ્રાચળ પર્વત પર મુકામ કરીને ત્યાંના તપસ્વીઓનો પરમ સત્કાર કર્યો.ત્યાં લોમશે યુધિષ્ઠિરને ભૃગુ,અંગિરા,વસિષ્ઠ અને કશ્યપના તે સર્વ તપસ્વીઓ વિષે કહ્યું.એટલે રાજર્ષિએ તેમની પાસે જઈને તેમને પ્રણામપૂર્વક અભિનંદન કર્યાં અને પરશુરામના અનુચર વીર અકૃતવ્રણને પૂછ્યું કે-'ભગવાન પરશુરામ ક્યારે દર્શન આપશે? હું તે ભાર્ગવનાં દર્શન કરવા ઈચ્છું છું' (4)
અકૃતવ્રણ બોલ્યા-'આત્મજ્ઞાની પરશુરામને તમે આવો છો તેની જાણ છે જ.તેમને તમારા પર પ્રેમ છે.તે તમને સત્વરે દર્શન આપશે.તપસ્વીઓ ચૌદસ અને આઠમે પરશુરામના દર્શન પામે છે.આવતી કાલે ચૌદશ થશે'
યુધિષ્ઠિર બોલ્યા-'તમે જમદગ્નિપુત્ર પરશુરામના અનુચર છો ને તેમણે પૂર્વે કરેલા સર્વ કર્મોને પ્રત્યક્ષ જોયા છે.તો આજે તમે કહો કે પરશુરામે સર્વ ક્ષત્રિયોને યુદ્ધમાં કેવી રીતે ને કયા હેતુથી હરાવ્યા હતા?'(8)
અકૃતવ્રણ બોલ્યા-'હે રાજન,પરશુરામ અને હૈહયાધિપતિ કાર્તવીર્યનાં ચરિત્રો દેવોના જેવાં છે.પરશુરામે સહસ્ત્રાર્જુન નામના જે હૈહયનાથને હણ્યો હતો,તેને હજાર હાથ હતા.દત્તાત્રયની કૃપાથી તેને સોનાનું વિમાન મળ્યું હતું ને પૃથ્વીમાં સર્વ પ્રાણીઓ ઉપર પ્રભુત્વ પ્રાપ્ત થયું હતું.વરદાન પામેલો એ વીર્યવાન સદૈવ દેવો,યક્ષો અને ઋષિઓને ચોતરફથી પજવતો હતો.ને સર્વ પ્રાણીઓને પીડા આપતો હતો એટલે દેવો ને ઋષિઓ ભેગા મળી વિષ્ણુ પાસે ગયા ને બોલ્યા-'હે પ્રભુ,તમે ભૂતમાત્રના રક્ષણ માટે આ સહસ્ત્રાર્જુનને મારો.દિવ્ય વિમાનના આશ્રયથી તે સમર્થ સહસ્ત્રાર્જુને,ઈન્દ્રાણી સાથે ક્રીડા કરતા ઇન્દ્રને ય પડકાર્યો છે' પછી,વિષ્ણુએ ઇન્દ્રની સાથે તે કાર્તવીર્યના વિનાશ માટે મંત્રણા કરી.ઇન્દ્રની વાતો માન્ય રાખીને પછી વિષ્ણુ પોતાના રમણીય બદ્રિકાશ્રમે ગયા.(18)
હવે,એ જ વખતે,પૃથ્વી પર કાન્યકુબ્જમાં,એક મહાન અને અતિબળવાન 'ગાધિ' નામે રાજા હતો.તેને એક
'સત્યવતી' નામની અતિ સ્વરૂપવાન પુત્રી હતી.ભૃગુના પુત્ર 'ઋચીક' ભાર્ગવે એ કન્યાની માગણી કરી.
ત્યારે ગાધિ બોલ્યો કે-'અમારા કુળની રીત મુજબ,જે આ કન્યાના બદલામાં ઉપરથી કાળા ને અંદરથી રાતા કાનવાળા,શરીરે ધોળા રંગના ને વેગવાન એવા હજાત ઘોડાઓ શુલ્ક (કન્યાનું મૂલ્ય કે દહેજ)માં લેવાના છે.
છતાં,હે ભાર્ગવ,તમને તો આ આપો-એમ તો ન કહેવાય.મારી પુત્રી તમારા જેવા મહાત્માને જ આપવાની છે'
ઋચિક બોલ્યા-'હું એવા હજાર ઘોડાઓ આપીશ,તમારી પુત્રી મારી પત્ની થાઓ' (25)
અકૃતવ્રણ બોલ્યા-પછી,ઋચીકે,વરુણ પાસે આવા હજાર ઘોડાઓ માગ્યા એટલે વરુણે તેમને તે આપ્યા.
કાન્યકુબ્જ દેશમાં જે સ્થળે આ ઘોડાઓ આવ્યા હતા તે અશ્વતીર્થ નામે પ્રખ્યાત થયું હતું.
આમ,હજાર ઘોડાઓ મેળવીને ગાધિએ પોતાની પુત્રી સત્યવતીને ઋચિક સાથે પરણાવી હતી.
હે રાજન વિવાહ થઇ ગયા પછી ભૃગુઋષિ પોતાના પુત્ર ઋચિક અને તેની પત્નીને જોવા આવ્યા.
પતિ-પત્નીએ તેમનું પૂજન કર્યું ને હાથ જોડી સેવામાં ઉભા રહ્યાં
ત્યારે ભૃગુએ પોતાની પુત્રવધૂને કહ્યું કે-'હે સુભગે,તું તારી ઇચ્છામાં આવે તે વરદાન માગી લે'
ત્યારે તેણે પોતાને અને પોતાની માતાને પુત્ર થાય તેવું વરદાન માગ્યું.(34)
ભૃગુ બોલ્યા-'તને અને તારી માતાને ઋતુસ્નાન થાય ત્યારે પુત્રપ્રાપ્તિ માટે,તેણે પીપળાને અને તારે ઉમરડાને આલિંગન આપવું.તે તમને એક ચરુ ભોજન આપશે તે તમે લેજો' એમાં કહી ભૃગુ ત્યાંથી ગયા.
હવે,સત્યવતી અને તેની માટે આલિંગન લેવામાં અને ચરુ ભોજનમાં અદલાબદલી કરી નાખી.
જેની માહિતી પોતાના દિવ્ય જ્ઞાનથી ભૃગુને પડી,એટલે તે સત્વરે પાસે આવીને બોલ્યા કે-
'હે ભદ્રા,તને તારી માતાએ છેતરી છે.આ ફેરબદલીની લીધે તારો પુત્ર બ્રાહ્મણ હશે પણ ક્ષત્રિયવૃત્તિવાળો થશે.
જયારે તારી માતાનો પુત્ર ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણના આચારવાળો ને સાધુજનોને માર્ગે ચાલનાર થશે.
ત્યારે સત્યવતીએ પોતાના સસરાને પ્રસન્ન કરીને કહ્યું કે-'મારો પુત્ર એવો ન થાઓ,ભલે મારો પૌત્ર એવો થાઓ'
ત્યારે ભૃગુએ કહ્યું કે-'ભલે તેમ થાઓ' એમ કહીને સત્યવતીને પ્રસન્ન કરી.
પછી યોગ્ય સમય આવ્યે,સત્યવતીએ 'જમદગ્નિ' નામે પુત્રને જન્મ આપ્યો.કે જે વયમાં વધતાં,
એ તેજસ્વીએ વેદના અધ્યયનથી અનેક ઋષિઓને પાછળ પાડી દીધા હતા.
ને તેને સમગ્ર ધનુર્વેદ તથા ચારે પ્રકારનાં અસ્ત્રો સિદ્ધ થયાં હતાં. (45)
અધ્યાય-૧૧૫-સમાપ્ત