Jan 27, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-408

 

અધ્યાય-૧૧૪-વૈતરણી ને વેદીનું માહાત્મ્ય 


II वैशंपायन उवाच II ततः प्रयातः कौशिक्याः पांडवो जनमेजय I आनुपुच्येण सर्वाणि जगाप्रायातनान्यथ II १ II

વૈશંપાયન બોલ્યા-હે જન્મેજય,પછી પાંડવો કૌશીકીથી નીકળીને અનુક્રમે સર્વ તીર્થોએ ગયા.

તે ગંગાસાગરના સંગમે આવ્યા ને ત્યાં તેમણે પાંચસો નદીઓની મધ્યમાં સ્નાન કર્યું,

ને ત્યાંથી યુધિષ્ઠિર પોતાના ભાઈઓ સાથે સમુદ્રના કિનારે કિનારે કલિંગ તરફ ગયા. 

લોમશ બોલ્યા-હે કૌંતેય,આ કલિંગદેશ છે અને એમાં વૈતરણી નદી છે.અહીં ધર્મે પણ દેવોની શરણે જઈને યજ્ઞ કર્યો હતો.ઋષિઓથી ભરેલો ને પર્વતોથી શોભતો આ તેને ઉત્તર કાંઠો છે.સ્વર્ગમાં જવા ઇચ્છનારાઓ માટે એ સ્વર્ગના માર્ગ સમાન છે.પૂર્વે અનેક બીજા ઋષિઓએ અહીં યજ્ઞો કર્યા હતા.હે રાજેન્દ્ર,અહીં જ રુદ્ર યજ્ઞના પશુને હરી લઈને બોલ્યા જતા કે-'આ મારો ભાગ છે' ત્યારે દેવોએ તેમને કહ્યું કે-'તમે પારકો માલ પચાવો નહિ,તમે સૌના ધર્મભાગનો નાશ ના કરો' એટલે રુદ્ર તે પશુને મૂકીને દૈવી વિમાનમાં ચાલી ગયા.આ સંબંધી અહીં રુદ્રનું જે કીર્તન ચાલે છે તે તમે સાંભળો.જે મનુષ્ય અહીં જળસ્પર્શ કરે છે તે સ્વર્ગના માર્ગને આંખો વડે પ્રત્યક્ષ જોઈ શકે છે.(12)


પછી,સર્વ પાંડવો અને દ્રૌપદીએ વૈતરણી નદીમાં ઉતરીને પિતૃઓનું તર્પણ કર્યું.

યુધિષ્ઠિર બોલ્યા-'હે લોમશમુનિ,અહીં આ નદીમાં સ્નાન કરીને હું માનુષી વિષયોમાંથી મુક્ત થયો છું.

તમારી કૃપાથી હું સર્વ લોકોને જોઈ રહ્યો છું.જપ જપતા વૈખાનસોના શબ્દ અહીં સંભળાય છે'

લોમશ બોલ્યા-'હે યુધિષ્ઠિર તમે જે ધ્વનિ સાંભળો છો,તે તો અહીંથી ત્રણ લાખ જોજન દૂર સ્થાનમાંથી આવે છે,

માટે તમે મૌન થઈને તેને સાંભળો.આ બ્રહ્માના વનમાં વિશ્વકર્માએ યજ્ઞ કર્યો હતો,ને એ યજ્ઞમાં બ્રહ્માએ કશ્યપને પર્વતો સાથેની પૃથ્વી દક્ષિણમાં આપી હતી.ત્યારે પૃથ્વી ક્રોધે ભરાઈને બોલી હતી કે-'હે ભગવન,તમે મને એક મર્ત્ય માનવીને આપો તે યોગ્ય નથી,તમારું આ દાન વ્યર્થ છે.હું રસાતળે જઈશ'


પૃથ્વીને આમ ખેદ કરતી જોઈને કશ્યપે તેને તપથી પ્રસન્ન કરી એટલે એ પૃથ્વી ફરી જળમાંથી ઉપર આવી અને વેદીરૂપ સ્થિર થઈને રહી.આ વેદી સાગરના તીરનો આશ્રય લઈને રહી છે.હે રાજન,તમારું મંગલ થાઓ,તમે આ વેદી પર ચડીને સાગરને તરી જાઓ.હકીકતમાં તો જો કોઈ માનવી આ વેદીનો સ્પર્શ કરે તો તે તરત જ સમુદ્રમાં ચાલી જાય છે.પણ તમે તેના પર ચડી શકો તે માટે હું તમારું સ્વસ્તિવાચન કરીશ.


'અગ્નિ તમારું ઉત્પત્તિ સ્થાન છે,વિષ્ણુના વીર્યરૂપ જીવને ધારણ કરનારો યજ્ઞ તમારો દેહ છે અને તમે અમૃત-મોક્ષનું સાધન છો' એ સત્ય વાક્યનો જપ કરતા રહીને એ સરિતાના પતિ સમુદ્રમાં ઉતરવું.

આ પ્રમાણે બોલ્યા વિના દેવોના સ્થાનરૂપ મહાસાગરને દર્ભની અણીથી એ ન અડવું'

પછી,સ્વસ્તિવાચન કરાવી યુધિષ્ઠિર સાગર તરફ ગયા.ને ત્યાંથી મહેન્દ્રપર્વત પર જઈ રાતવાસો રહ્યા.(30)

અધ્યાય-૧૧૪-સમાપ્ત