Jan 26, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-407

અધ્યાય-૧૧૩-વેશ્યાઓ સાથે ઋષ્યશૃંગનું પ્રયાણ 


II विभांडक उवाच II 

रक्षांसि चैतानि चरितं पुत्र रूपेण तेनाद्भुतदर्शनेन I अतुल्यविर्याण्यभि रूपवती विघ्नं सदा तपसश्वितयन्ति II १ II

વિભાંડક (કાશ્યપ)બોલ્યા-બેટા,રાક્ષસો આવાં અદભુત દર્શનવાળું રૂપ લઈને ઘૂમે છે.અતુલ પરાક્રમવાળા અને રૂપવાન એવા તે રાક્ષસો હંમેશાં તપમાં વિઘ્ન નાખવાનું કાર્ય કરે છે.તેઓ મુનિઓને વિવિધ ઉપાયોથી લોભાવી ને ઉત્તમલોકથી ભ્રષ્ટ કરે છે.માટે ઉત્તમલોકની ઈચ્છા રાખનારા સ્થિર મન વાળા મુનિએ ક્યારે ય એ રાક્ષસોની સેવા કરવી નહિ કે તેમની સામે જોવું પણ નહિ.હે પુત્ર,જે પીણાં તેં પીધાં છે,તે તો સજ્જનોએ નહિ પીવા યોગ્ય મદ્યો છે.વળી આ જે સુગંધથી મહેકતી ફુલમાળાઓ છે તે મુનિજનો માટે શાસ્ત્ર વિરુદ્ધ છે.તેઓ તો રાક્ષસો છે.

આ પ્રમાણે કાશ્યપે પોતાના પુત્રને વાર્યો ને પછી તેઓ તે સ્ત્રીને ખોળવા નીકળ્યા.પણ તેનો પત્તો લાગ્યો નહિ.

પછી,એક વખત ફરીથી જયારે કાશ્યપ,બહાર ગયા હતા ત્યારે ફરીથી તે વેશ્યા સુંદર વેષ સજીને ઋષ્યશ્રુંગ પાસે ગઈ.તેને જોતાં જ ઋષ્યશૃંગ આનંદમાં આવી ગયા અને તેની પાસે દોડી જઈને તેને કહેવા લાગ્યા કે-

'મારા પિતા આવી પહોંચે તે પહેલાં આપણે બંને તારા આશ્રમે ચાલ્યા જઈએ'


આમ,તે વેશ્યાએ કાશ્યપના એકના એક પુત્રને યુક્તિપૂર્વક નાવ પર લઇ જઈને,તેને વિવિધ ઉપાયોથી આનંદ આપીને છેવટે તેને અંતઃપુરમાં પ્રવેશ કરાવ્યો.જેથી લોમપાદનો મનોરથ સિદ્ધ થયો અને તેણે પોતાની પુત્રી શાંતાને,ઋષ્યશૃંગને આપી.ઋષિ કાશ્યપના ક્રોધને સમાવવા તે રાજાએ તે ઋષિના આવવાના માર્ગ પર ગાયો,ખેતરો અને અનેક પશુઓ રાખ્યા ને ગોવાળોને આજ્ઞા આપી કે-'પુત્રને શોધતા કાશ્યપ તમને પૂછે,ત્યારે તમારે પ્રણામપૂર્વક તેમને કહેવું કે આ બધાં પશુઓ અને ખેતરો તમારા પુત્રનાં છે,અમે તમારું શું પ્રિય કરીએ?'


હવે,પ્રચંડ કોપવાળા મુનિપુત્રને શોધતા ત્યાં આવ્યા એટલે ગોવાળોએ રાજાની આજ્ઞા પ્રમાણે જ તેમની પૂજા કરીને કહ્યું કે અમે તમારા દાસ છીએ' ત્યારે મુનિનો ઘણોખરો ક્રોધ શાંત થઇ ગયો.ને તેઓ અંગરાજ પાસે પહોંચ્યા.ત્યાં તેમણે,વૈભવ અને ઐશ્વર્યવાન પોતાના પુત્ર અને પુત્રવધૂને જોયા.એટલે તેમનો કોપ બિલકુલ શાંત થઇ ગયો ને પોતાના પુત્રને ત્યાં જ રાખીને કહ્યું કે-'તને એક પુત્ર થાય એટલે આ રાજાના સર્વ પ્રિય કાર્યો કરીને તું વનમાં જ આવીને રહેજે' ને આમ કહી તે ત્યાંથી પોતાના આશ્રમે ચાલ્યા ગયા.


પછી,શાંતા પણ પોતાના પતિની પ્રીતિપૂર્વક સેવા કરતી રહી,સમય વીત્યે પિતાની આજ્ઞા મુજબ ઋષ્યશ્રુંગ તેમના આ આશ્રમે પાછા આવ્યા હતા,હે રાજન,અહીં,સ્નાન કરીને કૃતાર્થ થઈને તમે અન્ય તીર્થો તરફ ચાલો (25)

અધ્યાય-૧૧૩-સમાપ્ત