Jan 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-404

 

અધ્યાય-૧૧૦-ઋષ્યશૃંગનું આખ્યાન 


II वैशंपायन उवाच II ततः प्रयातः कौन्तेयः क्रमेण भरतर्षम I नंदामपरनंदां च नद्यो पापमयापहे II १ II

 વૈશંપાયન બોલ્યા-'હે ભરતશ્રેષ્ઠ,પછી,કુંતીનંદન યુધિષ્ઠિર,પાપ ને ભયને દૂર કરનાર નંદા ને અપરાનંદા એ બે નદીઓ તરફ અનુક્રમે ગયા.ત્યાં ઉપદ્રવરહિત હેમકુટ પર્વત પાસે પહોંચીને,તેમને અનેક અચિંત્ય ને અદભુત પદાર્થો જોયા.ત્યાં વાયુ વડે બંધાયેલા હજારો મેઘો પથ્થર જેવા થઇ ગયા હતા.ને મનુષ્યો તેના પર ચડી શકતા નહોતા.

ત્યાં નિત્ય પવન વાતો હતો ને નિરંતર વરસાદ વરસતો હતો.ત્યાં સ્વાધ્યાયનો ઘોષ સંભળાતો હતો,પણ સ્વાધ્યાય કરનાર દેખાતો નહોતો.ત્યાં સવાર-સાંજ અગ્નિનાં દર્શન થતાં હતાં ને તપમાં વિઘ્ન કરનારી માખીઓ ડંખો દેતી હતી.ત્યાં મનુષ્યને ગ્લાનિ થતી હતી ને તેમને પોતાના ઘરબાર સાંભરતાં હતાં,યુધિષ્ઠિરે આવા અનેક અદભુત ભાવો જોયા એટલે તે આશ્ચર્યોના સંબંધમાં તેમણે લોમશ ઋષિને પૂછ્યું.(6)

લોમશ બોલ્યા-'હે રાજન આ સંબંધમાં મેં જે પૂર્વે સાંભળ્યું છે તે હું તમને કહું છું.આ ઋષભકૂટ ઉપર ઋષભ નામનો એક તપસ્વી હતો કે જેનું આયુષ્ય સેંકડો વર્ષોનું હતું ને તે ભયંકર ક્રોધી હતો.કે વખત તેને કોઈએ અવાજ કરીને બોલાવ્યો ત્યારે તે ક્રોધે ભરાયો ને તેણે પર્વતને કહ્યું કે-'જો કોઈ અહીં બોલે તો તેના પર તારે પથ્થરો ફેંકવા'

વળી,તે તપસ્વીએ વાયુને બોલાવીને કહ્યું કે -'જે કોઈ પુરુષ અહીં બોલે તો તેને મેઘની ગર્જનાથી રોકવો'

હે રાજન,તે તપસ્વીએ આવાં અને અનેક બીજાં કામો કર્યાં હતાં ને કેટલાંકનો નિષેધ કર્યો હતો.


પૂર્વે,દેવો નંદા નદીએ આવ્યા હતા ત્યારે મનુષ્યો તેમના દર્શન માટે એકાએક આવી પહોંચ્યા.દેવો તેમને દર્શન આપવા ઇચ્છતા નહોતા,એટલે તેમણે આ ભાગને વિકટ બનાવ્યો ને પર્વતને આડ-વિઘ્ન રૂપે ઉભો કર્યો.

ત્યારથી મનુષ્યો આ પર્વતને જોઈ શકતા નથી તો તેના પર ચડવાનું તો ક્યાંથી બને? જેણે તપ કર્યા નથી તે આ મહાગીરીને જોઈ શકતો નથી ને તેના પર ચડી શકતો નથી.તે વખતે સર્વ દેવોએ આ સ્થળે ઉત્તમ યજ્ઞો કર્યા હતા,

કે જેનાં ચિહ્નો હજુ પણ જણાય છે.આ દુર્વા,દર્ભનાં આકારની જણાય છે,આ ભૂમિ બિછાના જેવી જણાય છે અને અનેક વૃક્ષો યજ્ઞસ્થંભ જેવા જણાય છે,દેવો ને ઋષિઓ આજે પણ અહીં રહે છે અને સવાર-સાંજ તેમનો અગ્નિ દેખાય છે.અહીં જે સ્નાન કરે છે તેમનાં પાપો તરત જ નાશ પામે છે.માટે તમે પણ અહીં,ભાઈઓ સાથે સ્નાન કરો,

પછી કૌશિકી નદી તરફ જઈશું કે જ્યાં વિશ્વામિત્ર ઉગ્ર ને ઉત્તમ તપ કર્યું હતું.(20)


પછી,કૌશિકી નદીએ જઈને સ્નાન કરીને લોમશ બોલ્યા-આ પવિત્ર દેવનદી કૌશિકી છે,ને આ વિશ્વામિત્રનો આશ્રમ છે.વળી આ મહાત્મા કાશ્યપ (વિભાંડક)ઋષિનો આશ્રમ છે.તેમને ઋષ્યશૃંગ નામનો એક પુત્ર હતો.

તેણે તપના પ્રભાવથી ઇન્દ્ર પાસે વૃષ્ટિ કરાવી હતી.કાશ્યપનો તે પુત્ર મૃગલીના પેટે જન્મ્યો હતો.

લોમપદના રાજ્યમાં તેણે વૃષ્ટિ વરસાવીને મહા અદભુત કાર્ય કર્યું હતું.

તેથી લોમપાદ રાજાએ પોતાની પુત્રી શાંતા તેને આપી હતી 


યુધિષ્ઠિર બોલ્યા-કાશ્યપપુત્ર ઋષ્યશૃંગ મૃગલીના પેટે કેવી રીતે જન્મ્યા? વિરુદ્ધ યોનિસંબંધ છતાં તે કેવી રીતે તપસ્વી થયો? ઇન્દ્રે તેના ભયથી કેમ વરસાદ વરસાવ્યો? શાંતા કેવી રૂપવતી હતી કે તેણે ઋષ્યશૃંગનું મન લોભાવ્યું?લોમપાદ તો ધાર્મિક હતા,એવું સંભળાય છે,તો તેમના રાજ્યમાં ઇન્દ્રે કેમ વૃષ્ટિ કરી નહોતી?

હે ભગવન.આ સર્વ વિષે અમને કહો.હું ઋષ્યશૃંગનું ચરિત્ર સાંભળવા ઈચ્છું છું (31)


લોમશ બોલ્યા-દેવ જેવા કાશ્યપ પાણીના મોટા ધરા પાસે બેસીને તપ કરતા હતા.એક વાર તે સ્નાન કરતા હતા ત્યારે ઉર્વશી નામની અપ્સરાને જોઈને તેમનું વીર્ય સ્ખલિત થઇ ગયું.તે જ વખતે એક તરસી મૃગલી તેને પાણી સાથે પી ગઈ અને તેથી તે ગર્ભવતી થઇ.મૃગલી થયેલી એ પૂર્વજન્મની દેવકન્યાને બ્રહ્માએ પૂર્વે કહ્યું હતું કે-

'તું મૃગલી થા અને એક મુનિપુત્રને જન્મ આપીને તું મૃગયોનિમાંથી છૂટીશ.' બ્રહ્માના વચનથી ને દૈવની અકળ કળાથી તે મૃગલીને પેટે ઋષ્યશ્રુંગ જન્મ્યો હતો.એના માથામાં એક (ઋષ્ય મૃગનું)શિંગડું હતું તેથી તે ઋષ્યશૃંગ નામે પ્રસિદ્ધ થયા હતા.જન્મથી જ તે વનમાં પિતાની સાથે રહેતો હતો ને પિતા સિવાય તેણે બીજા કોઈને જોયા નહોતા.તે તપોમય જીવન ગાળતો હતો ને તેનું મન નિત્ય બ્રહ્મચર્યમાં રહ્યું હતું. 


તે જ સમયમાં લોમપાદ કે જે અંગ દેશનો રાજા હતો,તેણે એક બ્રાહ્મણને કંઈ આપવાનું કહીને જાણીબૂઝીને આપ્યું નહિ.તેથી બ્રાહ્મણોએ તેનો ત્યાગ કર્યો.તે રાજાએ પુરોહિત પર મિથ્યા દોષ ચડાવ્યા એટલે ઇન્દ્રે તેના રાજ્યમાં વૃષ્ટિ કરી નહોતી.પ્રજા પીડાવા લાગી એટલે તેણે પંડિતોને વરસાદ વરસાવવાના ઉપાય પૂછ્યા.એક પંડિતે કહ્યું કે-

'હે રાજા બ્રાહ્મણો તમારા પર કોપ્યા છે તો તમે પ્રાયશ્ચિત કરો.સ્ત્રીઓથી અપરિચિત એવા ને સરળ સ્વભાવવાળા ઋષ્યશૃંગને અહીં બોલાવો.તે જો રાજ્યમાં પધારે તો તરત જ વરસાદ થશે,એમાં મને સંશય નથી'


આ સાંભળી,રાજાએ પ્રાયશ્ચિત કર્યું અને પછી ઋષ્યશૃંગને રાજ્યમાં બોલાવવા માટે મંત્રીઓ સાથે ચર્ચા કરી.

પછી સર્વેના કહેવાથી એ રાજાએ વારાંગનાઓને બોલાવી તેમને કહ્યું કે-તમે તે ઋષ્યશૃંગને લોભાવીને રાજ્યમાં તેડી લાવો' રાજાના ભયથી ને મુનિના શાપના ડરથી તે વારાંગનાઓ ગભરાઈ ગઈ.પણ તેમાંની એક ઘરડી સ્ત્રીએ કહ્યું કે-'હું તે તપોધન ઋષિને લાવવાનો પ્રયત્ન કરીશ પણ તમારે મને જોઈતી સર્વ સામગ્રીઓ આપવી પડશે'

ત્યારે રાજાએ તે વારાંગનાઓને તેમને  જોઈતી સર્વ સામગ્રીઓ ને પુષ્કળ ધન ને રત્નો આપ્યા,

એટલે તે ઘરડી સ્ત્રી,યુવાન ને રૂપવતી વારાંગનાઓ સાથે તરત જ વનમાં ગઈ (58)

અધ્યાય-૧૧૦-સમાપ્ત