Jan 23, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-403

અધ્યાય-૧૦૯-ગંગાનું પૃથ્વી પર અવતરવું 


II लोमश उवाच II भगिरथवचः श्रुत्वा प्रियार्थ च दिवौकसाम् I एवमस्तित्व्ति राजानं भगवानप्रस्त्यमापत II १ II

લોમશ બોલ્યા-'ભગીરથનાં વચન સાંભળીને ભગવાન શંકરે કહ્યું કે-'ભલે તેમ થાઓ.ગગનમાંથી ઉતરેલી 

ગંગાને હું તારે માટે ધારણ કરીશ.તું હિમાચલની પુત્રી એવી ગંગાનદીને અવતરવાની પ્રાર્થના કર'

ત્યારે રાજાએ સ્વસ્થ થી,વિનમ્ર બની ગંગાનું ચિંતન કર્યું,ત્યારે ગંગાજી ભગવાન શંકરને ત્યાં બેઠેલા જોઈ,

સ્વર્ગમાંથી એકદમ નીચે પડવા લાગી.આ જોઈને દેવો,મહર્ષિઓ,ગંધર્વો,યક્ષો આદિ તેનાં દર્શન કરવાને ભેગા થયા.

ગગનની મેખલા જેવી અને શંકરના લલાટ પર પડતી તે ગંગાને શંકરે મોતીની માળાની જેમ ધારણ કરી.

ત્યાંથી તે ગંગા પૃથ્વી પર પડી અને ત્રણ માર્ગે વહીને સમુદ્રને મળી.ક્યાંક તે વમળોથી વાંકી વહેતી,કોઈ સ્થળે અથડાતી વહેતી,ને કોઈ સ્થળે તે ફીણરૂપી વસ્ત્રમાં ઢંકાયેલી મત્ત પ્રમદાની જેમ વહેતી અતિ,ને ક્યાંક તે ઉત્તમ જળનાદો કરતી હતી.આમ ગંગા જમીન પર ઉતારીને ભગીરથને કહેવા લાગી કે-'હે મહારાજ,હું તારે માટે પૃથ્વી પર ઉતરી છું હવે કહો કે હું કયે માર્ગે જાઉં?' (15)


ગંગાના વચન સાંભળીને,ભગીરથ રાજા તેને જ્યાં સગરપુત્રોની રાખ હતી,તેને સ્નાન કરાવવા નીકળ્યો.

ગંગામાં મળીને સગરપુત્રોનો ઉદ્ધાર કરીને,રાજા ગંગાને સમુદ્ર સુધી લઇ ગયો,ને સમુદ્રને જલપૂર્ણ કર્યો.

રાજાએ ગંગાને પોતાની પુત્રીરૂપે માની,ને પિતૃઓને જલદાન કર્યું.

હે યુધિષ્ઠિર,આ રીતે તમારા પૂછવાથી મેં અગસ્ત્ય ને ગંગાની વાત તમને કહ્યું (21)

અધ્યાય-૧૦૯-સમાપ્ત