અધ્યાય-૧૦૮-ભગીરથનો પ્રયત્ન
II लोमश उवाच II स तु राजा महेष्वासश्चक्रवर्ती महारथः I बभूव सर्वलोकस्य मनोनयननंदनः II १ II
લોમશ બોલ્યા-મહાચાપધારી,ચક્રવર્તી અને મહારથી એવો તે ભગીરથ રાજા,સર્વલોકોનાં મન અને નયનને આનંદકારી થયો.તે મહાબાહુએ સાંભળ્યું કે પોતાના પિતૃઓ કપિલના ક્રોધ વડે ઘોર મૃત્યુ પામ્યા છે અને તેમને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઇ નથી ત્યારે તેના હૃદયને દુઃખ થયું અને તે મંત્રીઓને રાજ્ય સોંપીને હિમાલયની પાડોશમાં તપ કરવા ગયો.તપથી પાપમુક્ત થયેલા અને ગંગાની આરાધના કરવા ઇચ્છતા તે રાજાએ હિમાલયને જોયો.(4)
જે હિમાલય,અનેકવિધ આકારોવાળા ધાતુમય શિખરોથી સુશોભિત હતો.નદીઓ,કુંજો,ગુફાઓથી તે શોભી રહ્યો હતો.સિંહો,વાંધો,અનેક જાતના પક્ષીઓનો તેમાં વાસ હતો.તે પર્વતના શિલાતલોને કિન્નરો,વિદ્યાધરો ને અપ્સરાઓ સેવતા હતા.ક્યાંક તે સુવર્ણના ઢગ જેવો,ક્યાંક ચાંદી જેવો તો ક્યાંક તે અંજનના સમૂહ જેવો હતો.
આવા હિમાલય પર તે ભગીરથ ગયો,ને ત્યાં ફળ,મૂળ અને જળનો આહાર રાખી તેણે સહસ્ત્ર વર્ષો સુધી ઘોર તપશ્ચર્યા કરી.ત્યારે મહાનદી ગંગાએ પોતે મૂર્તિમાન થઈને તેને દર્શન આપ્યાં.(14)
ગંગા બોલ્યાં-'હે મહારાજ તું મારી પાસેથી શું ઈચ્છે છે? તે તું કહે,હું તારા વચન પ્રમાણે કરીશ'
ભગીરથ બોલ્યો-'હે વરદા,મારા પિતામહો અશ્વમેઘ યજ્ઞના અશ્વને શોધી રહ્યા હતા ત્યારે કપિલે તેમને યમસદને પહોંચાડ્યા છે તેમનો સ્વર્ગમાં વાસ થયો નથી.તમે જ્યાં સુધી તે સગરપુત્રોને તમારા જળથી નવરાવશો નહિ,ત્યાં સુધી તેમની સદ્ ગતિ થશે નહિ.હે મહાનદી,હું તેમને માટે,તમારી પાસે યાચના કરું છું' (20)
ત્યારે ગંગાએ પ્રસન્ન થઈને કહ્યું કે-'હે મહારાજ,હું તમારા વચન મુજબ કરીશ તેના વિશે શંકા નથી.પણ હું ગગનમાંથી પૃથ્વી પર પડતી હોઈશ ત્યારે મારા અસહ્ય વેગને ઝીલવા નીલકંઠ મહેશ્વર સિવાય કોઈ સમર્થ નથી.
માટે તેમને તું પ્રસન્ન કર કેમ કે તે હું પડું ત્યારે તે પોતાના મસ્તક પર મને ધારણ કરી રાખશે ને તારા પિતૃઓના હિતની તારી ઈચ્છા પૂર્ણ કરશે' ગંગાના આમ કહેવાથી ભગીરથે કૈલાસ પર્વત પર જઈને તીવ્ર તપ કરીને શંકરને પ્રસન્ન કર્યા.ને તેમની પાસેથી ગંગાના પૃથ્વી પર અવતરણનું વરદાન માગ્યું, (27)
અધ્યાય-૧૦૮-સમાપ્ત