અધ્યાય-૧૦૭-સગરના સાઠ હજાર પુત્રો બળી ગયા
II लोमश उवाच II एतच्छ्रुत्वांतरिक्षाय स राजा राजसत्तमः I यथोक्तं तद्यकाराय श्रदवय भरतर्षभ II १ II
લોમશ બોલ્યા-'હે ભરતસિંહ,રાજશ્રેષ્ઠ તે રાજાએ આ અંતરિક્ષવાણી સાંભળીને,તે વિષે શ્રદ્ધા રાખી,તેના કહ્યા પ્રમાણે કર્યું.પુત્રરક્ષણ માટે તત્પર રહેલા એણે તે દરેક માટે એકએક ધાવ રાખી.ને રુદ્રની કૃપાથી લાંબા સમયે તેને સાઠ હજાર પુત્રો થયા.તે પુત્રો ભયંકર,ક્રૂરકર્મી અને આકાશમાં દોડનારા હતા,ને અનેક હોવાથી તેઓ દેવો સહિત સર્વ લોકોની અવજ્ઞા કરતા હતા.મંદબુદ્ધિવાળા તે સગરપુત્રોથી પીડાઈ રહેલા સર્વ દેવો બ્રહ્માને શરણે ગયા.
ત્યારે બ્રહ્માએ તેમને કહ્યું કે-'તમે સર્વ લોકો પોતપોતાના ધામે જાઓ.ટૂંક સમયમાં જ પોતાના કર્મોથી જ આ સગરપુત્રોનો અતિ ભયંકર મહાનાશ થશે' બ્રહ્માના આમ કહેવાથી સર્વ દેવો પોતપોતાના સ્થાને ગયા.
અનેક દિવસો વીતી ગયા પછી સગરરાજાએ અશ્વમેઘયજ્ઞની દીક્ષા લીધી.પુત્રોથી રક્ષાયેલો તે અશ્વ,પૃથ્વી પર ફરતો ફરતો ભયંકર દેખાવવાળા નિર્જળ સમુદ્ર ઉપર આવી પહોંચ્યો,ને ત્યાં જ અદ્રશ્ય થઇ ગયો.સગરપુત્રોએ તે અશ્વને હરાઈ ગયેલો માનીને,પાછા ફરીને પિતાને વાત કરી,ત્યારે સાગરે કહ્યું કે-'તમે સર્વ દિશામાં તેની શોધ કરો'
સગરપુત્રોએ સર્વ ભૂતલ પર તેની ખોજ કરી પણ તે મળ્યો નહિ.એટલે ફરી તે પિતા પાસે પાછા આવ્યા.
ત્યારે રાજાએ ક્રોધ કરીને કહ્યું કે-'પાછા આવ્યા વિના,તમે તે અશ્વને ફરીથી શોધો ને તે ન મળે ત્યાં સુધી પાછા આવશો નહિ' પિતાની આજ્ઞા સ્વીકારી તે સગરપુત્રોએ ફરીથી સમગ્ર પૃથ્વી પર ખોજ કરવા માંડી.
એક વખતે તેમણે તે સુકાયેલા સાગરની પૃથ્વીમાં તિરાડ પડેલી જોઈ એટલે તેમણે ત્યાં પ્રયત્નપૂર્વક ખોદવા માંડ્યું.
સમુદ્રને ખોદતાં ખોદતાં તેમને ઘણો સમય થયો ને ઈશાન ખૂણામાં પાતાળ સુધી તેમણે ખોદી નાખ્યું.
પછી,એક સમયે તેમણે તે ભૂતળ પર અશ્વને ફરતો જોયો,ને ત્યાં અગ્નિની જેમ તેજથી દીપી રહેલા મહાત્મા કપિલને જોયા.અશ્વને જોઈને રોમાંચિત થયેલા,ને કાળથી પ્રેરાયેલા,તેઓ કપિલનો અનાદર કરીને તે ઘોડાને પકડવા દોડ્યા.મુનિશ્રેષ્ઠ કપિલ કે જેને વાસુદેવ પણ કહે છે તેમને ક્રોધ ચડ્યો ને પોતાની આંખ ફેરવીને તેમના પર
પોતાનું તેજ છોડ્યું,ને તેથી તે સગરપુત્રોને ત્યાં જ બળીને ભસ્મ થઇ ગયા.(32)
તેમને આ રીતે ભસ્મ થઇ ગયેલા જોઈને નારદ મુનિ સગર રાજા પાસે આવીને તેમને સર્વ વાત કહી.ત્યારે રાજા ઘડીભર શૂન્ય મનવાળો થઇ ગયો ને શંકરનાં વચનને વિચારવા લાગ્યો.ને પછી,પોતાના પુત્ર અસમંજસના
પુત્ર (પૌત્ર) અંશુમાનને બોલાવી તેને કહ્યું કે-હે પૌત્ર,નગરજનોનું હિત કરવાની ઈચ્છાથી મેં તારા પિતાનો ત્યાગ કર્યો હતો.ને આજે મારા બીજા સો પુત્રો પણ મારે ખાતર કપિલના તેજથી બળી ગયા છે.અશ્વમેઘ યજ્ઞમાં આવેલા આ વિઘ્નથી હું મૂંઝાઈ ગયો છું,તો તે અશ્વને લાવીને તું મને નરકમાંથી તાર'
યુધિષ્ઠિર બોલ્યા-'રાજા સગરે,પોતાના પુત્રનો ત્યાગ કેમ કર્યો હતો? તે વિષે મને કહો'
લોમશ બોલ્યા-'સગરની શૈબ્યા નામની બીજી રાણીનો જે અસમંજસ નામનો પુત્ર હતો તે ક્રૂર હતો.તે નગરજનોનાં દુર્બળ છોકરાંઓની ગળચી પકડીને તેમને નદીમાં ફેંકી દેતો હતો.નગરજનોએ રાજાને આ ત્રાસ વિશે કહ્યું.
ત્યારે રાજા સગર ઉદાસ થયો ને પ્રધાનોને બોલાવી તેમને કહ્યું કે-'અસમંજસને નગર બહાર કાઢી મુકો'
પ્રધાનોએ તરત જ રાજાના કહેવા મુજબ કર્યું.આમ નગરજનોના હિતની ઈચ્છાથી સગરે પોતાના પુત્રને દેશવટો આપી ને તેનો ત્યાગ કર્યો હતો.એટલે જ તેના પુત્ર અંશુમાન પાસે તેણે અશ્વ મેળવવા મદદ માગી હતી.
અંશુમાન તરત જ કપિલના સ્થાને ગયો ને શિર નમાવી પોતાના આવવાનું કારણ જણાવ્યું.ત્યારે કપિલે પ્રસન્ન થઈને વરદાન માંગવા કહ્યું.ત્યારે,અંશુમાને અશ્વમેઘ યજ્ઞ માટે તે અશ્વ માગ્યો ને પિતૃઓને પાવન કરવાની ઈચ્છા દર્શાવી.એટલે કપિલે વરદાન આપતાં કહ્યું કે-'હે અપાપ,તું જે માંગે છે તે હું તને આપું છું,તારું કલ્યાણ થાઓ,
તારામાં ક્ષમા,ધર્મ ને સત્ય છે,તારા વડે સાગર કૃતાર્થ થયો છે.તારા પ્રભાવથી જ સગરપુત્રો સ્વર્ગે જશે.તારો પૌત્ર મહાદેવને પ્રસન્ન કરીને ગંગાને સ્વર્ગમાંથી લાવશે ને સગરપુત્રોનો ઉદ્ધાર કરશે.તું આ અશ્વને લઇ જા
અને સગરે આરંભેલો અશ્વમેઘ યજ્ઞ તું પૂર્ણ કર તારું મંગલ થાઓ'
પછી,અશ્વને લઈને અંશુમાન,પાછો આવીને દાદા સાગરને મળ્યો ને સર્વ હકીકત જણાવી.સગરે પુત્રનાશનું દુઃખ ત્યજીને,અંશુમાનને સન્માન આપીને અશ્વમેઘ યજ્ઞની સમાપ્તિ કરી.ને પૌત્રને રાજ્યભાર સોંપીને તે સ્વર્ગે ગયો.
ધર્માત્મા અંશુમાનને દિલીપ નામે પુત્ર થયો,કે જેને રાજ્ય આપીને તે અવસાન પામ્યો.
પછી,દિલીપ પોતાના પિતૃઓની સદગતિનો વિચાર કરવા લાગ્યો.ને તેણે ગંગાને નીચે ઉતારવાનો યથાશક્તિ પ્રયત્ન કર્યો પણ તે ગંગાને પૃથ્વી પર ઉતારી શક્યો નહિ.દિલીપને ભગીરથ નામનો ધર્મપરાયણ પુત્ર થયો કે જેને રાજ્ય સોંપીને તે વનમાં ગયો ને તપ કરીને સ્વર્ગે ગયો (70)
અધ્યાય-૧૦૭-સમાપ્ત