Jan 19, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-400

 

અધ્યાય-૧૦૬-સગરની સંતતિનું કથન 


II लोमश उवाच II तानुवाच समेतांस्तु ब्रह्मा लोकपितामहः I गच्छध्वं विवुधा सर्वे यथाकामं यथेप्सितम् II १ II

લોમશ બોલ્યા-લોકના પિતામહ બ્રહ્માએ એકઠા થયેલા દેવોને કહ્યું કે-'હે દેવો,તમે તમારી ઈચ્છા પ્રમાણે તમારા સ્થાને જાઓ.લાંબા કાળયોગે અને જાતિને નિમિત્તરૂપ કરીને મહારાજા ભગીરથથી એ સમુદ્ર પોતાની અસલ સ્થિતિને પામશે' બ્રહ્માનાં વચન સાંભળી,સર્વ દેવો સમયની રાહ જોતા જોતા પોતાના સ્થાને પાછા ફર્યા.(3)

યુધિષ્ઠિર બોલ્યા-હે મુનિ,આ વિષયમાં ભગીરથના પૂર્વજો કેવી રીતે કારણરૂપ થયા હતા? 

ભગીરથના આશ્રયથી સમુદ્ર કેવી રીતે પૂર્ણ થયો? એ સર્વ હું વિસ્તારપૂર્વક સાંભળવા ઈચ્છું છું'

લોમશ બોલ્યા-'ઇક્ષ્વાકુ વંશમાં સગર નામે રાજા થયો હતો.તે બળવાન ને પ્રતાપવાન હતો પણ અપુત્ર હતો.

હૈહયોને અને તાલજંઘોને મારીને તથા બીજા રાજાઓને વશ કરીનેતે રાજ્યનું પાલન કરતો હતો.તેને વૈદર્ભી અને શૈબ્યા નામે બે પત્નીઓ હતી.પુત્રની ઈચ્છાવાળા તે રાજાએ પત્નીઓ સાથે કૈલાશ પર્વત પર રહીને મહાન તપ કરવા માંડ્યું હતું.ને તપના પ્રતાપે તેને શંકરનાં દર્શન થયાં ત્યારે તેમની પાસે તેણે પુત્રની યાચના કરી.(12)


પ્રસન્ન થયેલા મહાદેવે કહ્યું કે-'હે નૃપતિ,અહીં જે મુહૂર્તમાં તેં મારી પાસે વરદાન માગ્યું છે,ત પરથી કહું છું કે તારી એક રાણીથી મહાઅભિમાની અને શૂરવીર એવા સાઠ હજાર પુત્રો થશે.પણ તે સૌ એકસામટા વિનાશ પામશે.

ને તારી બીજી પત્નીથી તને એક શૂરવીર ને વંશધર પુત્ર થશે' આમ કહી મહાદેવ ત્યાંથી અંતર્ધાન થયા.


પછી,તે સગર રાજા મનમાં અત્યંત પ્રસન્નતા પામીને પત્નીઓ સાથે પોતાના સ્થાને ગયો.સમય આવ્યે તે બંને પત્નીઓ ગર્ભવતી થઇ.ને નિર્ધારિત સમયે વૈદર્ભીએ એક તૂમડાને જન્મ આપ્યો,ને શૈબ્યાને દેવકુમાર જેવા રૂપવાળો એક પુત્ર જન્મ્યો.પછી તે રાજાએ તૂમડાને ફેંકી દેવાનો મનમાં વિચાર કર્યો ત્યારે અંતરિક્ષમાંથી ગંભીર વાણી સાંભળવામાં આવી કે-'હે રાજન તું આ સાહસ કરીશ નહિ,તું પુત્રીને છોડી દે તે યોગ્ય નથી,તું એ તૂમડામાંથી બીજ કાઢી લે અને તેમને અનુક્રમે ઘીથી ભરેલા હૂંફાળા ઘડાઓમાં મૂકીને તેને યત્નપૂર્વક જાળવ.

જેથી તને સાઠ હજાર પુત્રો થશે.મહાદેવે તને જે વરદાન આપ્યું છે તે આ ક્રમયોગથી જ છે.

આથી તું અવળો વિચાર કરીશ નહિ (23)

અધ્યાય-૧૦૬-સમાપ્ત