અધ્યાય-૧૦૫-અગસ્ત્યે સમુદ્રપાન કર્યું
II लोमश उवाच II समुद्रं स समासाद्य वारुणिर्भगवान नृपिः I उवाच सहितान्देवानृपाश्रैव समामतान् II १ II
લોમશ બોલ્યા-'સમુદ્ર પર આવીને તે વારુણિ ઋષિએ ત્યાં એકઠા થયેલા દેવો ને ઋષિઓને કહ્યું કે-
'લોકહિતાર્થે આ જલનિધિનું હું પાન કરું છું તેથી (પછી) તમારે જે કરવા યોગ્ય હોય તે તરત જ કરો' આમ કહીને અગસ્ત્યે સૌ લોકોના દેખાતા સમુદ્રને પીવા માંડ્યો.તે જોઈને દેવો આશ્ચર્ય પામ્યા ને તેમને સ્તુતિઓથી પૂજવા લાગ્યા 'હે લોકપાલક,તમે અમારા રક્ષણ કરનાર છો અને તમારી કૃપાથી જ દેવો સાથેનું આ જગત ઉચ્છેદ પામતું નથી'
ત્યારે દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થવા લાગી અને અગસ્ત્યે તે મહાસાગરને જળ વિનાનો કર્યો.(6)
સઘળા દેવો અત્યંત હર્ષ પામ્યા ને ઉત્તમ પ્રકારના આયુધો લઈને તે દાનવોને મારવા લાગ્યા.દાનવોએ પણ પરમશક્તિથી લડવાનો પ્રયત્ન કર્યો,પણ દેવોએ તેમનો વિનાશ કર્યો.ત્યાંથી ભાગીને મરતાં બચી ગયેલા કેટલાક દાનવો ધરતીને ભેદીને પાતાળલોકમાં પેસી ગયા.દાનવોનો નાશ કરીને દેવોએ અગસ્ત્યની સ્તુતિ કરી-
'હે ભગવન,તમારી કૃપાથી લોકોને મહાસુખ મળ્યું છે,ને કાલેયો નાશ પામ્યા છે,એટલે હવે આ સમુદ્રને ફરીથી જલપૂર્ણ કરો.તમે જે જળ પી ગયા છો તે ફરીથી આ સમુદ્રમાં પાછું કાઢી નાખો' (15)
અગત્સ્ય બોલ્યા-'હું તો તે જળને પચાવી ગયો છું,એટલે સમુદ્રને પૂરવા તમે બીજો કોઈ ઉપાય કરો'
અગસ્ત્યનું વચન સાંભળોને દેવો આશ્ચર્ય પામ્યા ને ખેદ પણ પામ્યા.પછી,એકબીજાની રજા લઈને અગસ્ત્યને પ્રણામ કરીને સર્વ દેવો વિષ્ણુની સાથે બ્રહ્મા પાસે ગયા.ને સમુદ્રને ફરીથી જળથી પૂરવા સંબંધી કહ્યું (20)
અધ્યાય-૧૦૫-સમાપ્ત