અધ્યાય-૧૦૪-વિંધ્યને અગસ્ત્યે વધતો રોક્યો
II युधिष्ठिर उवाच II किमर्थ सहसा विन्ध्यः प्रपुद्वः क्रोधमुर्छित: I एतदिच्छाम्यहं श्रोतुं विस्तरेण महामुने II १ II
યુધિષ્ઠિર બોલ્યા-'હે મુનિ,શા માટે વિંધ્યાચલ પર્વત ક્રોધી બનીને એકદમ વધી રહ્યો હતો? તે સાંભળવા ઈચ્છું છું'
લોમશ બોલ્યા-'સૂર્ય,ઉદય ને અસ્ત સમયે પર્વતોના રાજા એવા સુવર્ણમય મેરુપર્વતની પ્રદિક્ષણા કરતા હતા,એ જોઈને વિંધ્યાચલે સૂર્યને કહ્યું કે-'હે ભાસ્કર,તમે જેમ મેરુની પ્રદિક્ષણા કરો છો તેમ મારી પણ પ્રદિક્ષણા કરો'
સૂર્યે જવાબ આપ્યો કે-'હું કોઈ મારી ઈચ્છાથી એ મહાગિરીની પ્રદિક્ષણા કરતો નથી,જેમણે આ જગત બનાવ્યું છે તેમણે જ મને આ માર્ગ બતાવ્યો છે' સૂર્યના જવાબથી વિંધ્યને ક્રોધ ચઢી આવ્યો અને એકદમ વધીને સૂર્યનો માર્ગ રોકવાની ઈચ્છા કરવા લાગ્યો.ત્યારે સર્વ દેવો એકઠા થઈને વિંધ્ય પાસે ગયા,પણ તેણે તેમનું વચન ગણકાર્યું નહિ.
એટલે દેવો અગસ્ત્ય પાસે ગયા ને બોલ્યા કે-'હે દ્વિજોત્તમ,વિંધ્ય ક્રોધને વશ થઈને સૂર્યની ગતિ રોકવા ઈચ્છે છે,
તેને અટકાવવા તમારા સિવાય કોઈ સમર્થ નથી તો હે મહાભાગ,તમે એને રોકો'
દેવોનાં વચન સાંભળીને અગસ્ત્ય પત્ની સાથે વિંધ્યાચલ પાસે ગયા ને સેવામાં ઉભેલા તે વિંધ્યને કહ્યું કે-
'હે પર્વતશ્રેષ્ઠ,હું કંઈક કામે દક્ષિણ દિશાએ જાઉં છું.આથી તું મને માર્ગ આપ અને હું અહીં પાછો આવું ત્યાં સુધી મારી વાટ જોજે.હું અહીં આવી રહું પછી તું ફાવે તેમ વધજે' (14) આ પ્રમાણે ઠરાવ કરીને તેઓ દક્ષિણ દિશામાં ગયા અને હજુ પણ તેઓ ત્યાંથી પાછા આવ્યા નથી.ને આમ અગસ્ત્યના પ્રભાવથી ને તેમની રાહ જોઈને વિંધ્ય વધતો નથી.
હે રાજન,હવે તે દેવોએ વરદાન માગીને કાલેય દૈત્યોને જે રીતે મારી નાખ્યા હતા તે વિષે કહું છું તે સાંભળો.દેવોનાં
વચન સાંભળીને,મિત્રાવરુણના પુત્ર અગસ્ત્યે પૂછ્યું કે-'તમે અહીં શા માટે આવ્યા છો? મારી
પાસે થી તમે શું વરદાન ઈચ્છો છો?' ત્યારે દેવો બોલ્યા કે-'હે મહત્તમ,તમે સમુદ્રનું પાન કરો એમ અમે ઇચ્છીએ છીએ,
પછી અમે દેવોના દ્વેષી કાલેય નામના દૈત્યોને સહકુટુંબ મારી નાખીશું' અગત્સ્ય બોલ્યા-'ભલે તેમ કરીશ'
આમ કહી તેઓ દેવતાઓ સાથે સરિતાના પતિ સાગર પાસે ગયા.(24)
અધ્યાય-૧૦૪-સમાપ્ત