અધ્યાય-૧૦૩-અગસ્ત્યનું માહાત્મ્ય
II देवा उचु II तव प्रसादाद्वयते प्रजाः सर्वाश्चतुर्विधाः I त भविता भावयन्ति हव्यकव्यैर्दिवोकस II १ II
દેવો બોલ્યા-'તમારી કૃપાથી ચારે પ્રકારની સર્વ પ્રજાઓ વધે છે.વૃદ્ધિ પામેલી તે પ્રજાઓ હવ્યો ને દ્રવ્યોથી દેવોની
વૃદ્ધિ કરે છે.આમ તમારી કૃપાથી જ રક્ષાયેલા લોકો એકબીજાને આશરે રહીને વૃદ્ધિ પામે છે.પણ અત્યારે લોકોને
ભારે ભય આવી પડ્યો છે.અમારાથી સમજાતું નથી કે આ બ્રાહ્મણોને રાતે કોણ મારી નાખે છે?
બ્રાહ્મણોનો નાશ થતાં પૃથ્વી લય પામશે,ને પૃથ્વી ક્ષીણ થતાં સ્વર્ગ પણ લય પામશે.માટે
હે મહાબાહુ,હે જગત્પતિ,તમે સર્વ લોકોનું રક્ષણ કરો,તમારી કૃપાથી જ તેઓ વિનાશ પામશે નહિ (5)
વિષ્ણુ બોલ્યા-હે દેવો,પ્રજાઓના નાશનું સર્વ કારણ હું જાણું છું.કાલેય નામના મહાભયંકર દાનવો,વૃત્રના મરણ પછી સમુદ્રમાં પેઠા છે ને ત્યાં છુપાઈ રહીને રાતે તેઓ ઋષિ બ્રાહ્મણીને મારી નાખે છે.સમુદ્રનો આશ્રય લઈને બેઠેલા આ દાનવોનો નાશ કરી શકાય તેમ નથી,આથી સમુદ્રનો લય થાય તેવો તમારે વિચાર કરવો જોઈએ.
અગસ્ત્ય વિના કોણ સાગરને પી જવાને સમર્થ છે? સમુદ્રના લય વિના આ દાનવો મરે તેમ નથી'
ત્યારે વિષ્ણુના કહેવા મુજબ,તેમની આજ્ઞા લઈને દેવો અગસ્ત્યના આશ્રમે ગયા.ને તેમની સ્તુતિ કરવા લાગ્યા.કે-
'પૂર્વે નહુષપુત્રથી ત્રાસી બેઠેલા લોકોના તમે જ શરણરૃપ હતા.
એ લોકકંટકને તમે જ ઇન્દ્રના ઐશ્વર્યથી તથા સ્વર્ગલોકમાંથી નીચે પાડ્યો હતો.
સૂર્ય પર ક્રોધ કરીને વિંધ્યાચલ એકદમ ઊંચો વધતો હતો,ત્યારે આપની આજ્ઞાને ન ઉથાપીને હવે તે
વધુ વધતો નથી.જયારે લોકો અંધકારમાં ઘેરાયેલા છે ને પ્રજાઓ મૃત્યુથી પીડાઈ છે,
ત્યારે તમને જ નાથરૂપે પામીને તેઓ પરમ શાંતિ પામે છે.
હે ભગવન,અમારા માટે તમે નિરંતર આધારરૂપ છો.
એટલે દુઃખથી પીડાઈ રહેલા અમે તમારી પાસે વરદાન માગીએ છીએ (18)
અધ્યાય-૧૦૩-સમાપ્ત