Jan 15, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-396

 

અધ્યાય-૧૦૨-કાલેય દૈત્યોનાં કાળાં કર્મ-તથા વિષ્ણુની સ્તુતિ 


II लोमश उवाच II समुद्रं ते समाश्रित्य वरुणं निधिर्ममस: I कालेयाः संप्रवर्तते त्रैलोक्यस्य विनाशने II १ II

લોમશ બોલ્યા-'જલનિધિ સાગરમાં ભરાઈને તે કાલેયો ત્રણે લોકનો વિનાશ કરવા લાગ્યા.અત્યંત કોપેલ તે દૈત્યો આશ્રમો ને પુણ્યધામોમાં જે જે મુનિઓ હતા તેમને રાતે ખાઈ જતા હતા.વસિષ્ઠના આશ્રમના એકસો સત્તાણું,ચ્યવનના આશ્રમના સો ને ભરદ્વાજ આદિના આશ્રમમાંથી અનેક બ્રાહ્મણોને તેઓ ખાઈ ગયા હતા.

આ રીતે પોતાના બાહુબળથી મસ્ત થયેલા તે કાલેય દાનવો રાત્રે સર્વ આશ્રમવાસીઓને દુઃખ દેતા ને અનેક બ્રાહ્મણોને મારી નાખતા હતા.તે દૈત્યોને કોઈ માનવી ઓળખી શકતો નહોતો.કેમકે સવાર થતા સુધી તો તેઓ સમુદ્રમાં જઈ સંતાઈ જતા હતા.કાલેયોના ભયથી પીડાયેલા આ જગતમાં વેદાધ્યયન ન રહ્યું,વષટ્કાર ન રહ્યો,યજ્ઞોત્સવની ક્રિયા ના રહી ને ઉત્સાહ પણ ન રહ્યો.ભયભીત થઈને માનવો જુદીજુદી દિશાઓમાં દોડીને 

સંતાવા લાગ્યા.કેટલાક ધનુર્ધારીઓએ તે દૈત્યોને ખોળવાનો ખુબ પ્રયત્ન કર્યો પણ થાકીને તેઓ પાછા વળ્યા.

આમ જગતનો નાશ થવા બેઠો ને યજ્ઞો તથા ઉત્સવોની ક્રિયા બંધ થઈ એટલે દેવો અત્યંત સુખ પામ્યા અને ભયભીત થઈને ઇન્દ્ર સાથે મંત્રણા કરીને તેઓ શરણદાતા સર્વેશ્વર અને અજન્મા એવા નારાયણદેવ પાસે ગયા.ને તેમને પ્રણામ કરી સ્તુતિ કરવા લાગ્યા કે-'હે પ્રભો,તમે અમારા ને જગતના સર્જનહાર છો,પાલનહાર છો ને નાશ કરનારા છો.આ જે સ્થાવર જંગમ વિશ્વ છે તે આપે જ સર્જ્યું છે.


પૂર્વે સમુદ્રમાં નાશ પામેલી પૃથ્વીને આપે વારાહરૂપ ધારણ કરીને જગતના કલ્યાણ માટે પાછી કાઢી હતી.નૃસિંહ રૂપ લઈને આપે હિરણ્યકશિપુને માર્યો હતો.વામનરૂપ લઈને આપે બલિને ભ્રષ્ટ કર્યો હતો.યજ્ઞોના નાશ કરનાર જંભ અસુરને આપે માર્યો હતો.આવાં જે અસંખ્ય કર્મો કર્યા છે એવા તમે જ આમ દેવોના આધાર છો.

તેથી હે દેવાધિદેવ,અમે લોકહિતાર્થે આપને પ્રાર્થના કરીએ છીએ કે 

તમે લોકોને,દેવોને ને ઇન્દ્રને આ  મહાભયમાંથી બચાવો (26)

અધ્યાય-૧૦૨-સમાપ્ત