અધ્યાય-૧૦૧-વૃત્રવધ
II लोमश उवाच II ततः स वज्रौ बलिभिर्दैवतैरभिरक्षिता: I आससाद ततो वृत्रं स्थितमावृत्य रोदसी II १ II
લોમશ બોલ્યા-'પછી બળવાન દેવોથી ચોતરફ રક્ષાયેલો ઇન્દ્ર,ત્યાં પૃથ્વી ને આકાશને ઘેરી ઉભેલા વૃત્ર પાસે આવ્યો.તે વખતે તે વૃત્ર મહાભયંકર કાલકેયોથી ચારે તરફથી સુરક્ષિત હતો.પછી બે ઘડી સુધી દેવો ને દાનવો વચ્ચે મહાયુદ્ધ થયું.પરિઘ નામના હથિયારો લઈને અને સુવર્ણનાં કવચ સજીને કાલેયો,દેવો પર ધસવા લાગ્યા.
અભિમાનપૂર્વક દોડી રહેલા તે વેગવાનોના વેગને દેવો જીરવી શક્યા નહિ અને ભયભીત થઇ નાસવા લાગ્યા.
એ જોઈને ઇન્દ્ર ભયભીત થયી ગયો ને તરત જ નારાયણ પ્રભુને શરણે ગયો (7)
ઇન્દ્રને આમ શોક્ગ્રસ્ત થયેલો જોઈને,વિષ્ણુએ એનું બળ વધારવા પોતાનું તેજ તેનામાં મૂક્યું.આ જોઈને
બીજા દેવો ને મહર્ષિઓએ પણ પોતપોતાનું તેજ ઇન્દ્રને આપ્યું કે જેથી ઇન્દ્ર મહાબળવાન બન્યો.
ઇન્દ્રને જોઈને,તે વૃત્ર મહા ગર્જનાઓ કરતો તેની સામે દોડી ગયો.તેની ગર્જનાઓથી ત્રણે લોક ધ્રુજી ઉઠ્યાં.
ઇન્દ્રને પણ ભય થયો,એટલે તેણે તરત જ તેને મારવા મહાન વજ્ર છોડ્યું.કે જે વજ્ર લાગતા જ તે મહાઅસુર વૃત્ર
ઘરણી પર ઢળી પડ્યો.ત્યારે સર્વ દેવો ને મહર્ષિઓ આનંદિત થયા ને તેમણે ઇન્દ્રની સ્તુતિ કરી.
પછી,વૃત્રના વધથી સંતાપ પામેલા સર્વ દૈત્યોને દેવોએ એકઠા થઈને મારવા લાગ્યા.ત્યારે દેવો વડે ત્રાસેલા તે દૈત્યો
ભયના માર્યા સમુદ્રમાં પેસી ગયા.ને ત્યાં સર્વ દૈત્યો એક થઈને ત્રણે લોકના વિનાશ માટે મંત્રણા કરવા લાગ્યા.
પછી તેઓએ પોતાની બુદ્ધિથી એવો નિર્ણય કર્યો કે જેઓ વિદ્યા અને તપથી સંપન્ન હોય તેમનો પ્રથમ વિનાશ કરવો,કારણ કે સર્વે લોકો તપને આધારે જ રહે છે.વળી,પૃથ્વીમાં જે કોઈ તપસ્વીઓ,ધર્મવેત્તાઓ ને તત્વવેત્તાઓ છે
તેમનો પણ એકદમ વધ કરવો કેમ કે તેમનો નાશ થતા જગતનો નાશ થશે.
આમ,જગતના વિનાશનો પાકો ઠરાવ કરીને સમુદ્ર રૂપી કિલ્લાનો આશ્રય કરીને તેઓ ત્યાં રહ્યા.(23)
અધ્યાય-૧૦૧-સમાપ્ત