અધ્યાય-૯૯-પરશુરામના તેજની હાનિ
II लोमश उवाच II इल्वलस्तान्विदित्वा तु महर्षिसहितानृपान I उपस्थितान्सहामात्यो विपयांते हृपूजयत II १ II
લોમશ બોલ્યા-મહર્ષિ સાથે રાજાઓને આવેલા જાણીને ઇલ્વલ,પોતાના અમાત્ય સાથે દેશની સીમા ગયો ને
મહેલમાં લાવી તેમની પૂજા કરી,પોતાના ભાઈ વાતાપિના બકરા સ્વરૂપને કાપી,રાંધીને તે વડે તેમનું આતિથ્ય કર્યું.
બકરારૂપ વાતાપિને રંધાયેલો જોઈને રાજર્ષિઓ ખિન્ન થયા ત્યારે અગસ્ત્યે સર્વને કહ્યું કે-'ખેદ ન કરો,તે અસુરને હું આખો ને આખો ખાઈ જઈશ' એમ કહી તે વાતાપિને ખાઈ ગયા.તે જમી રહ્યા એટલે ઇલ્વલ અસુરે વાતાપિને
બૂમ મારી,ત્યારે,તે મહાત્માના શરીરમાંથી મેઘની જેમ ગર્જતો અપાનવાયુ છૂટ્યો.(7)
ઇલ્વલ વારંવાર બોલી રહ્યો કે 'હે વાતાપિ બહાર આવ' ત્યારે મુનિ અગસ્ત્યે કહ્યું કે-તે ક્યાંથી બહાર આવી શકે?તેને તો હું હજમ કરી ગયો છું' એટલે ઇલ્વલ ખિન્ન થયો ને બે હાથ જોડીને બોલ્યો કે-'તમે શા અર્થે અહીં આવ્યો છો?બોલો હું તમારું શું કામ કરું?' ત્યારે અગસ્ત્યે હસતાં હસતાં કહ્યું કે-'હે અસુર અમે તને ધનવાન માનીએ છીએ.આ રાજાઓ અતિધનવાન નથી અને મારે ધનનું કામ છે.તો બીજાને પીડા ન થાય એ રીતે
તું અમને ધનનો ભાગ આપ' એટલે ઇલ્વલે ઋષિને અભિનંદન કરીને કહ્યું કે-'મારા મનમાં
તમને શું આપવાની ધારણા છે તે જો તમે કહો તો હું તમને ધન આપીશ'(13)
અગસ્ત્ય બોલ્યા-હે અસુર,તેં એક એક રાજાને દશ હજાર ગાય અને તેટલું જ સુવર્ણ આપવાનું ધાર્યું છે
અને મને તેમનાથી બમણી ગાયો,બમણું સુવર્ણ,સુવર્ણ રથ ને બે મનોવેગી ઘોડાઓ આપવા ધાર્યા છે'
આ સાંભળી તે દૈત્યે સર્વને અધિક ધન આપ્યું ને તે સુવર્ણરથને વિરાવ ને સુરાવ નામના ઘોડાઓ જોડ્યા.
પછી રાજાઓ અગસ્ત્યને તેમના આશ્રમે છોડીને પોતપોતાના રાજ્યમાં ગયા.ને આમ,અગસ્ત્યે લોપામુદ્રાની
ઈચ્છા મુજબ કર્યું એટલે તે લોપામુદ્રા બોલી કે-'હે ભગવન તમે મારામાં એક પ્રભાવશાળી પુત્ર ઉત્પન્ન કરો'
અગત્સ્ય બોલ્યા-'હે કલ્યાણી,હું તારા ચરિત્રથી પ્રસન્ન છું.તારે સહસ્ત્ર પુત્રો જોઈ છે,કે દશ સમાન સો પુત્રો,કે
સો સમાન દશ પુત્રો કે સહસ્ત્રને જીતે તેવો એક પુત્ર જોઈએ છે?' ત્યારે લોપામુદ્રા બોલી લે-'હજાર પુત્રના જેવો
મને એક જ પુત્ર થાઓ,કેમ કે અનેક દુષ્ટ પુત્રો કરતા એક વિદ્વાન અને સંસ્કારી પુત્ર વધુ સારો છે
પછી,યથાસમયે અગસ્ત્યે,લોપામુદ્રા સાથે સમાગમ કર્યો ને ગર્ભાધાન કરીને વનમાં ચાલ્યા ગયા.
તે ગર્ભ સાત વર્ષ સુધી વધતો રહ્યો ને પછી તેજસ્વી મહાકવિ દૃઢસ્યુ નામના પુત્રનો જન્મ થયો.
આમ તે અગસ્ત્ય મુનિને તેજસ્વી મહાબ્રહ્મ પુત્ર થયો.તે બાળક હતો ત્યારથી જ પોતાના પિતાને ઘેર
ઈધ્મ (ઈંધણાં)નો ભારો વહી લાવતો હતો તેથી તેનું નામ ઈધ્મવાહ પડ્યું હતું.અગસ્ત્યે ઉત્તમ પુત્ર ઉત્પન્ન કર્યો
તેથી તેમના પિતૃઓ યથેચ્છિત લોકોંને પામ્યા,ને ત્યાર પછી આ અગસ્ત્યાશ્રમ પૃથ્વીમાં પ્રસિદ્ધ છે.
શિવજીની જટામાંથી નીકળેલી ભાગીરથી નદી અહીં વિરાજેલી છે તેમાં સ્નાન કરો.મહર્ષિઓના સમૂહે સેવેલું આ પ્રસિદ્ધ ભૃગુતીર્થ છે તેમ તમે જાણો,કે જ્યાં સ્નાન કરીને પરશુરામે,જેમ,પોતાનું હરાયેલું તેજ પાછું મેળવ્યું હતું તેમ,તમે પણ દુર્યોધને હરી લીધેલા તમારા તેજને ફરી મેળવવા યોગ્ય છો'(36)
યુધિષ્ઠિરે ત્યાં ભાઈઓ ને કૃષ્ણા સાથે સ્નાન કરી પિતૃઓનું તર્પણ કર્યું એટલે તેમનું રૂપ અધિકાધિક પ્રકાશવા લાગ્યું હતું.ને તે શત્રુઓથી અજેય થયા.પછી,યુધિષ્ઠિરે લોમશને પૂછ્યું કે-હે ભગવન,પરશુરામનું તેજ કેમ હરાયું હતું?ને કેવી રીતે પાછું મળ્યું હતું? તે વિષે અમને કહો'(39)
લોમશ બોલ્યા-'હે રાજેન્દ્ર,શ્રીરામચંદ્ર ને પરશુરામ ભાર્ગવની કથા સાંભળો.દશરથરાજાને રામ નામે પુત્ર થયો હતો.રાવણના વધ માટે વિષ્ણુ પોતે જ રામ રૂપે અવતર્યા હતા.એ દશરથ પુત્રને અમે અયોધ્યામાં જન્મેલા જોયા હતા.વળી,ભૃગુકુળમાં (રુચિકના વંશમાં) જમદગ્નિ ને રેણુકાથી પરશુરામ ઉત્પન્ન થયા હતા.
રામનાં ઉત્તમ કર્મ સાંભળી,પરશુરામ આશ્ચર્ય પામ્યા હતા ને તેમનું પારખું લેવાની ઈચ્છાથી,ક્ષત્રિયોનો સંહાર કરનારું દિવ્ય ધનુષ્ય લઈને તે અયોધ્યા ગયા.પરશુરામને રાજ્યની સીમા પર આવેલા સાંભળીને દશરથે રામને
સામેં મોકલ્યા.ઉગામેલાં અસ્ત્રો સાથે આવેલા ને સામે ઉભેલા રામને જોઈ પરશુરામે હસતાં હસતાં કહ્યું કે-
'આ ધનુષ્યથી મેં કાળ જેવા ક્ષત્રિયોનો સંહાર કર્યો છે,તમારાથી બને તો તમે યત્નપૂર્વક તેને ચડાવો'
રામચંદ્રે જવાબ આપ્યો કે-હે ભગવન,આમ તિરસ્કાર કરવો તમને ઘટતો નથી કેમ કે ક્ષત્રિયોના ધર્મ સંબંધમાં
હું કંઈ અધમ નથી,ઇક્ષ્વાકુવંશી ક્ષત્રિયો તો વિશેષ કરીને ભૂજબળથી જ ગૌરવ લે છે (48)
પરશુરામ બોલ્યા-'હે રાઘવ,બહુ થયો આ લવારો.ધનુષ્ય ચડાવને..'
ત્યારે રામચંદ્રે તે શનુષ્ય રોષપૂર્વક પરશુરામના હાથમાંથી ઝડપી લીધું ને જાણે રમત રમતા હોય તેમ
તે ધનુષ્યને ચડાવીને તેનો ટંકાર કર્યો ને બોલ્યા-'હે બ્રહ્મન,હવે તમારું શું બીજું કામ કરું?'
ત્યારે પરશુરામે એક દિવ્ય બાણ આપીને કહ્યું કે-'આને ચડાવી કાન સુધી ખેંચ' (53)
આ સાંભળીને રામચંદ્ર ક્રોધથી પ્રદીપ્ત થઇ બોલ્યા-'હે ભાર્ગવ,સંભળાય છે કે તમે અભિમાનથી ભરેલા છો,છતાં ક્ષમાવાન છો.બ્રહ્માની કૃપાથી તમે ક્ષત્રિયોનું વિશેષ તેજ મેળવ્યું છે,ચોક્કસ તેથી જ તમે મારા પર આક્ષેપ કરો છો,પણ હવે તમે મને મારા સ્વરૂપમાં જુઓ,હું તમને દિવ્ય દ્રષ્ટિ આપું છું.'
ત્યારે પરશુરામે શ્રીરામમાં આદિત્યો,વસુઓ આદિ ને સર્વ જગત તેમનામાં જોયાં.
પછી,રામે તે બાણ છોડ્યું ત્યારે ભૂતલ મોટો મેઘવૃષ્ટીથી ભરાઈ ગયું,પૃથ્વી કંપવા લાગી અને કડાકા સાથે
ભયંકર ઘડઘડાટો થવા લાગ્યા.પરશુરામને વિહવળ કરીને તેમના તેજને હરીને તે બાણ પાછું ફર્યું.(63)
પરશુરામ થોડીવારે શુદ્ધિમાં આવ્યા ને વિષ્ણુના તેજરૂપ રામને નમન કર્યા.ને તેમની અનુજ્ઞા લઈને ફરી મહેન્દ્ર પર્વત પર ગયા.પછી,એક વર્ષે વીત્યે,ગભરાયેલા,નિસ્તેજ થયેલા,મદરહિત બનેલા અને દુઃખી ચિત્તે બેઠેલા પરશુરામને તેમના પિતૃઓ કહેવા લાગ્યા કે-'હે પુત્ર,વિષ્ણુ પાસે જઈને તેં સારું કામ કર્યું નથી.તે તો ત્રણે લોકમાં પૂજ્ય ને માન્ય છે.હવે તું વધૂસર નામની પવિત્ર નદીએ જા.ત્યાં તીર્થોમાં સ્નાન કરવાથી તને ફરી તેજ પ્રાપ્ત થશે.
ત્યાં દીપ્તોદ નામના તીર્થમાં તારા પ્રપિતામહ ભૃગુએ સત્યયુગમાં અનુપમ તપ કર્યું હતું.
પછી,પરશુરામે પિતૃઓની આજ્ઞા પ્રમાણે કર્યું,ને આ તીર્થમાં ફરી તેજ પામ્યા હતા.(73)
અધ્યાય-૯૯-સમાપ્ત