અધ્યાય-૯૮-અગસ્ત્યનું ધન મેળવવા જવું
II लोमश उवाच II ततो जगाम कौरव्य सोSगस्त्यो मिक्षितुं वसु I श्रुतर्वाण महीपालं वेदभ्यधिकं नृपैः II १ II
લોમશ બોલ્યા-હે કૌરવ્ય,તે પછી,અગસ્ત્ય,પોતે જે રાજાને અધિક જાણતા હતા તેવા શ્રુતર્વા રાજા પાસે ધનની યાચના કરવા ગયા.અગસ્ત્યને આવેલા જોઈને,તે રાજા દેશની સીમા સુધી સામો ગયો અને તેમને સત્કારપૂર્વક તેડી લાવી,તેમનું યથાશાસ્ત્ર પૂજન કર્યા પછી,બે હાથ જોડી સ્વસ્થ થઈને તેમને આવવાનું પ્રયોજન પૂછ્યું.
અગત્સ્ય બોલ્યા-'હું ધનને અર્થે અહીં આવ્યો છું,બીજાને પીડા આપ્યા વિના તું મને યથાશક્તિ ધન આપ'
તે સાંભળીને રાજાએ પોતાની પુરી આવકજાવકનો હિસાબ કહી સંભળાવ્યો ને કહ્યું કે આમાંથી તમને જે યોગ્ય લાગે તે ધન તમે લઇ લો' અગત્સ્ય ઋષિએ આવક જાવકને સમાન જોઈને વિચાર્યુંકે 'અહીંથી ધન લેવાથી પ્રાણીઓને ચોક્કસ દુઃખ થશે' એટલે તે શ્રુતર્વાને સાથે લઈને બ્રઘ્રશ્વ રાજા પાસે ગયા.રાજાએ તેમનો સત્કાર કરીને તેમના આગમનનું કારણ પૂછ્યું.ત્યારે અગસ્ત્યે જે શ્રુતર્વાને કહ્યું હતું તે ફરીથી કહી સંભળાવ્યું.
ત્યારે,બ્રઘ્રશ્વ રાજાએ પણ આવક જાવકનો પૂરો હિસાબ બતાવ્યો.અહીં પણ આવક જાવકને સમાન જોઈને જોઈને અગસ્ત્યને લાગ્યું કે-'અહીંથી ધન લેવાથી પ્રાણીઓને અવશ્ય પીડા થશે' હવે અગસ્ત્ય,શ્રુતર્વા ને બ્રઘ્રશ્વ એ ત્રણે મળીને મહાધન્વાન ત્રસદસ્યુ પાસે ગયા.રાજાએ તેમનું સ્વાગત કર્યું.ને તેમના આગમનનું કારણ પૂછ્યું.
ત્રણેએ કારણ જણાવ્યું ને કહ્યું કે-'બીજા કોઈને પીડા ન થાય એ રીતે ધન આપો'
અહીં પણ રાજાએ પોતાની આવક જાવક નો આંકડો બતાવ્યો કે જે પણ સમાન હતો તેથી સર્વે રાજાઓએ એકઠા થઈને અગસ્ત્યને કહ્યું કે-'હે બ્રહ્મન,આ જગતમાં ઇલ્વલ દાનવ ધનવાન છે તેની પાસે જઈને ધન માગીએ'
પછી તે ચારેય,તે ઇલ્વલ દાનવ પાસે ધનની ઇચ્છાએ ગયા.(20)
અધ્યાય-૯૮-સમાપ્ત