અધ્યાય-૯૭-લોપામુદ્રાનાં લગ્ન
II लोमश उवाच II यदा त्वमन्यतामस्त्यो गार्हस्त्ये तां क्षमामिति I तदाSभिगम्य प्रोवाच वैदर्भ् प्रुथिवीपतिं II १ II
લોમશ બોલ્યા-'અગસ્ત્યને જયારે તે લોપામુદ્રા ગૃહસ્થાશ્રમને યોગ્ય થયેલી જણાઈ,ત્યારે તે વિદર્ભરાજ પાસે જઈને બોલ્યા કે-'પુત્રોત્પાદન અર્થે મને લગ્ન કરવાની ઈચ્છા થઇ છે હું તમારી લોપામુદ્રાનું માગું કરું છું તમે મને તે આપો'
મુનિએ આમ કહ્યું ત્યારે રાજા બેભાન થઇ ગયો કેમ કે તે તેમને ના કહેવાને સમર્થ નહોતો,અને કન્યા આપવાની તેની ઈચ્છા નહોતી.પછી તે તેની પત્ની પાસે જઈને બોલ્યો કે-'આ ઋષિ સમર્થ છે ને તે જો ક્રોધ પામશે તો આપણને શાપાગ્નિથી બાળી મુકશે' માતપિતાને દુઃખી થયેલા જોઈને લોપામુદ્રાએ તેમને કહ્યું કે-'મારે માટે તમારે પીડા પામવાની જરૂર નથી તમે મને અગસ્ત્યને આપો ને મારા દાનથી તમારું રક્ષણ કરો (6)
પુત્રીનાં વચનથી તે રાજાએ અગસ્ત્યને,લોપામુદ્રા આપી.લગ્ન થયા પછી,અગસ્ત્યે લોપામુદ્રાને કહ્યું કે-'આ મહામૂલાં વસ્ત્રો ને અલંકારો દૂર કરો' એટલે તે સુંદરીએ પોતાના મહામોંઘા વસ્ત્રો ઉતારીને ઋષિના આશ્રમને યોગ્ય વલ્કલનાં વસ્ત્રો તથા મૃગચર્મો પહેર્યાં.અગસ્ત્ય ગંગાદ્વારે આવ્યા ને અનુકૂળ પત્ની સાથે ઉગ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.
લોપામુદ્રા પ્રસન્ન ચિત્તે ને અત્યંત આદરપૂર્વક પતિની સેવા કરવા લાગી.ઘણો સમય વીતી ગયા બાદ,એક વખત અગત્સ્ય મુનિએ તપથી ઝળહળતી લોપામુદ્રાને ઋતુસ્નાન કરેલી જોઈ.તેની સેવાથી,પવિત્રતાથી,ઇન્દ્રિયદમનથી,
સૌંદર્યથી ને રૂપથી મુનિ તેના પર પ્રસન્ન થયા ને તેને સમાગમ માટે બોલાવી.
ત્યારે તે કલ્યાણી હાથ જોડીને શરમાતી હોય તેમ બોલી કે-'હે વિપ્ર,મારા પિયરમાં પિતાના ભવનમાં જેવી શય્યા હતી તેઈ શય્યામાં તમે મારો સંગ કરો,તમે ને હું ફૂલમાળા ને અલંકારોથી વિભૂષિત થઈને,પછી સંગ કરીએ એમ હું ઈચ્છું છું.કેમ કે તપસ્વીઓને શોભાવનારો આ વલ્કલ-આદિનો વેશ ભોગસંબંધથી અપવિત્ર થવો જોઈએ નહિ'
અગસ્ત્ય બોલ્યા-'હે લોપામુદ્રા,તારા પિતા જેવા ધનાદિ,મારી કે તારી પાસે નથી'
લોપામુદ્રા બોલી-'આ જીવલોકમાં જે કંઈ ધન છે તે બધું તમે તપસ્યા વડે,એક ક્ષણમાં લાવવા સમર્થ છો'
અગત્સ્ય બોલ્યા-તું જેમ કહે છે તેમ તે છે,તો પણ તે તપનો નાશ કરનારું છે'
લોપામુદ્રા બોલી-'હે તપોધન,મારો ઋતુકાળ હવે થોડો જ રહ્યો છે અને મારી ઈચ્છા પ્રમાણે ન થાય તો હું
કોઈ રીતે તમારા સમાગમમાં આવવા ઇચ્છતી નથી.વળી,હું તમારા તપનો નાશ કરવા ઇચ્છતી નથી.
આપ્રમાણે છે,છતાં,તમે મારી ઈચ્છાને પુરી કરવા યોગ્ય છો'
અગત્સ્ય બોલ્યા-'હે સુભગા,જો તેં તારી બુદ્ધિથી આ જ મનોરથ કર્યો હોય તો હું ધન લેવા જાઉં છું,
ને તું અહીં રહીને ઈચ્છા પ્રમાણે ધર્માચરણ કર.(25)
અધ્યાય-૯૭-સમાપ્ત