અધ્યાય-૯૪-ધર્મે જય ને પાપે ક્ષય
II युधिष्ठिर उवाच II न वै निर्गुणमात्मानं मन्ये देवर्षिसत्तम I तथाSस्मि दुःखसंतप्तो यथा नान्यो महीपतिः II १ II
યુધિષ્ઠિર બોલ્યા-હે દેવર્ષિશ્રેષ્ઠ,હું મારી જાતને ગુણરહિત માનતો નથી,છતાં હું દુઃખથી એટલો સળગી રહ્યો
છું કે મારા જેટલો બીજો કોઈ રાજા સળગ્યો નહિ હોય.શત્રુઓને હું ગુણહીન અને અધર્મયુક્ત માનું છું,
તો હે લોમશમુનિ,તેઓ એવા કયા કારણે આ લોકમાં વૃદ્ધિ પામી રહ્યા છે?
લોમશ બોલ્યા-'હે પાર્થ,અધર્મરુચિવાળા મનુષ્યો અધર્મથી જ વૃદ્ધિ પામે છે તેથી એ વિષે તમારે કશું દુઃખ
કરવું જોઈએ નહિ.કેમ કે મનુષ્ય પ્રથમ અધર્મથી વૃદ્ધિ પામે છે ને પછી તે સુખો જુએ છે,તે શત્રુઓને જીતે છે
અને છેવટે તો તે સમૂળ વિનાશ પામે છે.મેં દૈત્યો ને દાનવોને અધર્મથી વૃદ્ધિ પામેલા ને ફરીથી વિનાશ પામેલા
જોયા છે.પૂર્વે દેવયુગમાં મેં આ બધું જોયું છે.ત્યારે સુરો ધર્મમાં રુચિવાળા હતા ને અસુરો અધર્મી બન્યા હતા.
તેમને અધર્મનો ગર્વ પહેલેથી જ વ્યાપ્યો હતો,ને અભિમાની બન્યા હતા.અભિમાનથી તેઓ ક્રોધી બન્યા,ને જેને કારણે તેમને નિર્લજ્જતા આવી,ને તેમનો સદાચાર નષ્ટ થયો.આ રીતે નિર્લજ્જ થયેલા,દુષ્કર્મ કરનારા,આચારભ્રષ્ટ બનેલા અને મિથ્યા વ્રતવાળા તેમને ક્ષમા,લક્ષ્મી અને સ્વધર્મ તત્કાળ ત્યજી ગયાં.હે રાજા,લક્ષ્મી દેવો પાસે ગઈ,
અને દારિદ્રય અસુરો પાસે આવ્યું.પછી દરિદ્રતાથી ઘેરાયેલા,ગર્વથી પરાભવ પામેલા,ક્રિયાથી હીન થયેલા,
ભાન વિનાના તે દાનવો થૉડા જ સમયમાં વિનાશ પામ્યા.(12)
તે જ રીતે દૈત્યો પણ યશહીન થઈને વિનાશ પામ્યા.ધર્મશીલ દેવો તો સાગરો,સરિતાઓ,સરોવરો અને અન્ય પુણ્યસ્થાનોમાં ગયા હતા ને તપો,યજ્ઞો,દાનો ને આશિર્વાદોથી તેઓ સર્વ પાપમાંથી મુક્ત થયા હતા,ને કલ્યાણ પામ્યા હતા.આમ સરળતા આદિ નિયમોને ધારણ કરનારા અને કોઈથી અટકાવ ન પામનારા દેવો તીર્થોમાં ગયા અને તેથી અનુપમ સિદ્ધિને પામ્યા હતા.હે રાજેન્દ્ર,તમારા ભાઈઓ સાથે તમે તીર્થસ્નાન કરીને ફરીથી તે રાજ્યલક્ષ્મી પ્રાપ્ત કરશો.
આ સનાતન માર્ગ છે.પૂર્વે પણ નૃગ આદિ અનેક રાજાઓ તીર્થયાત્રા કરીને તથા મહાત્માઓના દર્શન
પામીને પવિત્ર થયા હતા ને યશ,પુણ્ય ને ધનને પામ્યા હતા.(19)
હે રાજેન્દ્ર,તમે પણ તે જ પ્રમાણે વિપુલ લક્ષ્મીને પ્રાપ્ત કરશો.જેમ,ઇક્ષ્વાકુ રાજા,પુત્ર,પરિવાર ને બાંધવો સહિત ઐશ્વર્યયુક્ત થયા હતા,તેમ તમે પણ થશો.જેમ,માંધાતા,મુચુકુંદ,મરુતરાજ,દેવો ને દેવર્ષિઓ તપોબળથી પુણ્યકીર્તિ પામ્યા હતા,તેમ,તમે પણ તે કીર્તિને પૂર્ણતાએ મેળવશો.ને મોહ ને અધર્મને વશ થયેલા ધૃતરાષ્ટ્ર પુત્રો તો દૈત્યોની જેમ થોડી વારમાં જ વિનાશ પામશે તે વિષે લેશ પણ શંકા નથી (22)
અધ્યાય-૯૪-સમાપ્ત