Jan 6, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-387

 

અધ્યાય-૯૩-પાંડવોનું યાત્રાગમન 


II वैशंपायन उवाच II ततः प्रयांत्तं कौन्तेयं ब्राह्मणा वनवासिनः I अभिगम्य तदा राजनिदं वचनमब्रुवन् II १ II

વૈશંપાયન બોલ્યા-હે રાજન,પછી પ્રયાણ માટે તૈયાર થયેલા કુંતીનંદન યુધિષ્ઠિર પાસે જઈને વનવાસી બ્રાહ્મણો બોલ્યા કે-'હે મહારાજ,તમે અમને પણ તીર્થયાત્રામાં સાથે લઇ જાઓ કેમકે તમારા વિના અમે એ તીર્થોમાં જવા સમર્થ નથી,હિંસક પ્રાણીઓથી ભરેલાં અને વિકટ તથા વિષમ સ્થાનોવાળાં એ તીર્થોમાં સામાન્ય મનુષ્યોથી જઈ શકાય તેમ નથી.તમે સર્વ ભાઈઓ શૂરવીર ને શ્રેષ્ઠ ધનુર્ધારીઓ છો,એટલે તમારાથી રક્ષાઇને અમે બધા તીર્થયાત્રા  ને તીર્થસ્નાન કરીશું ને તમારી જેમ અમે પણ યાત્રાનું સુખદાયી ફળ પામીશું.(10)

હે જનનાથ,તમને,બ્રાહ્મણો પર કંઈ પણ પ્રીતિ હોય,તો તત્કાલ અમારા વચનોને માન્ય રાખો.તેથી તમને કલ્યાણ પ્રાપ્ત થશે.તપમાં વિઘ્ન કરનારા રાક્ષસોથી એ તીર્થો સદૈવ ભરેલાં હોય છે,તો તમારે અમને તેમનાથી રક્ષવા ઘટે છે.

દેવર્ષિ લોમશે જે તીર્થો વિષે કહ્યું,છે તે નારદે ને ધૌમ્યે પણ કહ્યું છે.લોમશથી રક્ષાયેલા એવા આપણે સર્વ પાપરહિત થઈશું' બ્રાહ્મણોના આવા વચનથી યુધિષ્ઠિર હર્ષના આંસુથી ભીંજાયા ને કહ્યું કે 'ભલે ચાલો'


આમ,ભાઈઓ ને દ્રૌપદી સાથે,યુધિષ્ઠિરના તીર્થગમનનો જયારે નિશ્ચય કર્યો ત્યારે વ્યાસ,નારદ ને પર્વતમુનિ તેમને મળવા આવ્યા.યુધિષ્ઠિર તેમની યથાવિધિ પૂજા કરી સત્કાર આપ્યો ત્યારે તે મહાભાગોએ કહ્યું કે-

'હે યુધિષ્ઠિર,તમે અને ભાઈઓ મન વડે સરળતા ધારણ કરો,કેમ કે મનથી પવિત્ર ને શુદ્ધ થઈને જ તમે તીર્થોમાં જઈ  શકશો.શરીરના નિયમો,માનુષવ્રત કહેવાય છે ને મન ને બુદ્ધિની શુદ્ધિને દૈવીવ્રત કહે છે,શુદ્ધ મન જ પવિત્રતા માટે પૂરતું છે.તેથી મૈત્રીભરી બુદ્ધિ રાખી શુદ્ધ થઈને તમે તીર્થદર્શન કરો માનુષી ને દૈવી વ્રતોમાં રહીને તમે નિર્મલ થશો તો તમને શાસ્ત્રોક્ત ફળ મળશે' ત્યારે સર્વે ભાઈઓએ 'ભલે એમ કરશું' એવી પ્રતિજ્ઞા કરી.


પછી,પાંડવોએ લોમશને,વ્યાસને,નારદને ને પર્વતમુનિને વંદન કર્યા.સર્વેએ સ્વસ્તિવાચન કરી તેમને આશીર્વાદ આપ્યા.ને માગસર માસ પૂરો થતાં તીર્થયાત્રાએ નીકળ્યા.વલ્કલ ને મૃગચર્મ ધારણ કરી,ને અભેદ કવચો સજી તેઓ તીર્થાટન કરવા લાગ્યા.તેમની સાથે ઇંદ્રસેન આદિ સેવકો,રસોઈયાઓ ને પરિચારકો હતા.

આમ આયુધો ધારણ કરનારા તે વીર પાંડવો પૂર્વ દિશામાં ચાલવા લાગ્યા.(30)

અધ્યાય-૯૩-સમાપ્ત