Jan 5, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-386

 

અધ્યાય-૯૨-યુધિષ્ઠિરની તીર્થયાત્રાની તૈયારી  


II लोमश उवाच II धनंजयेन चाप्युक्तं यत्तछ्रुणु युधिष्ठिर I युधिष्ठिरं भ्रातरं मे योजयेद्वर्म्यया श्रिया II १ II

લોમશ બોલ્યા-હે યુધિષ્ઠિર,ધનંજય અર્જુને પણ મને જે કહ્યું  હતું તે તમે સાંભળો.તેણે કહ્યું હતું કે'મારા ભાઈ યુધિષ્ઠિરને ધાર્મિક ઐશ્વર્યવાળા કરજો.ને તમે પાંડવોને તીર્થપુણ્ય પ્રાપ્ત કરાવજો.તેઓ તીર્થોમાં જાય ને ગોદાન કરે એવું સર્વ પ્રકારે કરજો.તમારાથી રક્ષાયેલા એ યુધિષ્ઠિરનું તમે વિકટ ને વિષમ સ્થાનોમાં રાક્ષસોથી રક્ષણ કરજો.

કેમ કે તમારાથી રક્ષાયેલા એ કુંતીપુત્ર આગળ દાનવો ને રાક્ષસો આવી શકશે નહિ'

હે યુધિષ્ઠિર,આમ,ઇન્દ્રના વચનથી ને અર્જુનની સૂચનાથી હું તમારી સાથે તીર્થયાત્રાએ જઈશ ને તમારું રક્ષણ કરતો રહીશ,પૂર્વે મેં બે વાર તીર્થદર્શન કર્યા છે,ભય દૂર કરનારી આ તીર્થયાત્રા મનુ વગેરે પુણ્યશાળી રાજર્ષિઓએ કરી છે.કુટિલ,અસંસ્કારી,વિદ્યાહીન,પાપકર્મી અને વક્ર બુદ્ધિવાળો તીર્થોમાં સ્નાન કરી શકતો નથી,તમે તો ધર્મબુદ્ધિવાળા છો,સત્યવચની છો,સંગોથી વિમુક્ત છો ને આ તીર્થયાત્રામાં તમે વિશેષ નિઃસંગ થશો.(13)


યુધિષ્ઠિર બોલ્યા-હર્ષને લીધે મને તમારાં વચનોનો કોઈ ઉત્તર જડતો નથી,કેમ કે.જેને ધનંજય ભાઈ છે,ને જેને ઇન્દ્ર સંભારે છે તેનાથી અધિક ભાગ્યવાન કોણ હોઈ શકે? તમે મને જે તીર્થદર્શન વિશે કહ્યું તે સંબંધમાં,મેં ધૌમ્યના વચનથી પહેલાં જ નિશ્ચય કરેલો છે.તમે કહેશો એટલે તીર્થયાત્રાએ જઈશું,એ મારો દૃઢ નિશ્ચય છે'

લોમશ બોલ્યા-તમે હળવા થાઓ (એટલે કે તમારી આસપાસનું મનુષ્યોનું મંડળ ઓછું કરો) એટલે 

તમારી ઈચ્છા મુજબ તીર્થયાત્રામાં હરીફરી શકશો (18)



ત્યારે યુધિષ્ઠિરે આસપાસના સર્વેને બોલાવીને કહ્યું કે-'જેઓ ભૂખતરસ,રસ્તાનો થાક,મહેનત ને ઠંડીનું દુઃખ સહી શકે તેમ ન હોય તેવા ભિક્ષા કરનારા બ્રાહ્મણો અને યતિઓ અહીંથી પાછા ફરો.જેઓ મિષ્ટાન જમનારા છે તથા જેઓ ભોજનના સ્વાદમાં સારું નરસું કહેનારા છે,તે સર્વ બ્રાહ્મણો પણ પાછા વળો.વળી રસોઈયાઓ ને તેમના હાથ નીચે કામ કરનારાઓને મેં આજીવિકાની જોગવાઈ કરી આપી છે તેઓ પણ અહીંથી પાછા વાળો.

રાજભક્તિને કારણે જે નગરજનો મારી પાછળ આવ્યા છે તેઓ ધૃતરાષ્ટ્ર પાસે પાછા જાઓ,તે જેની જેવી જીવિકા હશે તે આપશે,ને તે જો નહિ આપે તો દ્રુપદરાજ પાસે જજો તે તો જીવિકા આપશે જ'


વૈશંપાયન બોલ્યા-ત્યારે અનેક નગરજનો,બ્રાહ્મણો અને યતિઓ અત્યંત ભારથી પીડાતા હસ્તિનાપુર પાછા ગયા.ધૃતરાષ્ટ્રે,યુધિષ્ઠિર પરના પ્રેમને લીધે તે સર્વને સ્વીકાર્યા ને ધનાદિથી તૃપ્ત કર્યા.પછી,યુધિષ્ઠિર,લોમશમુનિ અને બાકી રહેલા બ્રાહ્મણો ત્રણ રાત કામ્યક વનમાં પ્રસન્નતાપૂર્વક સાથે રહ્યા (30)

અધ્યાય-૯૨-સમાપ્ત