Jan 4, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-385

અધ્યાય-૯૧-લોમશ અને યુધિષ્ઠિરનો સંવાદ 


II वैशंपायन उवाच II एवं संभासमाध्ये तु धौम्ये कौरवनन्दन I लोमशः स महातेजा ऋषिस्तव्राजगाम ह II १ II

વૈશંપાયન બોલ્યા-'હે કુરુનંદન,ધૌમ્ય મુનિ આ પ્રમાણે બોલતા હતા,ત્યારે મહાતેજસ્વી લોમશ ઋષિ ત્યાં આવી પહોંચ્યા.યુધિષ્ઠિરે,સર્વની સાથે મળીને ઉભા થઈને તેમનો સત્કાર કર્યો ને યથાવિધિ પૂજન કરીને આસન આપી,

તેમને ત્યાં આવવાનો હેતુ વિશે પૂછ્યું,ત્યારે લોમશ ઋષિએ પ્રસન્ન થઈને મધુર વાણીમાં કહ્યું કે-

'હે કૌંતેય,સર્વ લોકોમાં હું સ્વાભાવિકપણે વિચરી રહ્યો છું.હું ઇન્દ્રભવને ગયો હતો,ત્યારે મેં તમારા વીર ભાઈ

અર્જુનને ઇન્દ્રના અર્ધા આસન પર બેઠેલો જોઈને મને ભારે આશ્ચર્ય થયું હતું.તે વખતે મને ઇન્દ્રે કહ્યું કે -

'તમે પાંડવો તરફ જાઓ' એથી તેમના વચનથી હું આપ સર્વેને મળવા અહીં આવ્યો છું.(8)

હે પાંડવનંદન,હું તમને અતિપ્રિય વાત કહીશ તે તમે દ્રૌપદી ને ઋષિઓ સાથે સાંભળો.મહાબાહુ અર્જુનને તમે જે અસ્ત્ર માટે કહ્યું હતું તે અપ્રતિમ અસ્ત્ર તેણે રુદ્ર પાસેથી મેળવ્યું છે.અમૃતમાંથી ઉપર આવેલું જે બ્રહ્મશિર અસ્ત્ર તપથી રુદ્ર પાસે આવ્યું હતું તે વજ્ર જેવું અસ્ત્ર તેને મંત્ર,સંહાર,પ્રાયશ્ચિત ને મંગલ સહિત મળ્યું છે.

વળી,યમ,કુબેર,વરુણ ને ઇન્દ્ર પાસેથી દિવ્ય અસ્ત્રો શીખ્યો છે.વિશ્વાવસુના પુત્ર પાસેથી તે ગીત,નૃત્ય,સામગાન 

ને વાજિંત્ર પણ તે યથાશાસ્ત્ર ભણ્યો છે.આમ અસ્ત્રનિપુણ થયેલા એ કુંતીનંદને ગંધર્વ વેદ પ્રાપ્ત કર્યો છે,ને તે 

સ્વર્ગમાં સુખેથી રહ્યો છે.ઇન્દ્રે મને કહ્યું હતું કે-'હે દ્વિજવર,તમે સત્વરે મનુષ્યલોકમાં સત્વરે જાઓ,

ને તે યુધિષ્ઠિરને મારા કહેવાથી એટલું કહેજો કે-


'અસ્ત્રવિદ્યામાં નિપુણ થયેલો તમારો ભાઈ,દેવોને પણ અશક્ય એવું મહાન કાર્ય કરીને સત્વર તમારી પાસે આવશે.તમે પણ તમારા ભાઈઓ સાથે તપમાં જોડાઓ કેમ કે તપથી કંઈ જ ચડિયાતું નથી.તપથી જ મહાપદ મળે છે.મહાબળવાન સૂર્યપુત્ર કર્ણને હું જાણું છું,ને પુરુષાર્થવાળા અર્જુનને પણ હું ઓળખું છું.એ કર્ણ,યદ્ધમાં અર્જુનની સોળમા ભાગની કલાને પણ પહોંચી શકે તેમ નથી.તમારા મનમાં કર્ણ સંબંધી જે ભય છે તે પણ હું અર્જુન આવતાં હું દૂર કરીશ.તમને તીર્થયાત્રા વિશે જે વિચાર આવ્યો છે,તે સંબંધમાં મહર્ષિ લોમશ તમને અવશ્ય કહેશે.

તેમાં તમારે વિશ્વાસ રાખવો'  (25) 

અધ્યાય-૯૧-સમાપ્ત