Jan 3, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-384

 

અધ્યાય-૯૦-ઉત્તર દિશાનાં તીર્થો 


II धौम्य उवाच II उदीच्यां राजशार्दूल दिशि पुण्यानि यानि वै I तानि ते कीर्त्तयिष्यामि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-હે રાજસિંહ,હવે ઉત્તર દિશામાં જે પવિત્ર પુણ્યસ્થાનો આવ્યાં છે તે હું વર્ણવીશ,તે સાંભળો 

ઉત્તરમાં અનેક તીર્થો વડે સુશોભિત સરસ્વતી નદી છે,ને મહાવેગવાળી યમુના નદી છે.ત્યાં પ્લક્ષાવતરણ નામે 

શુભ ને પવિત્ર તીર્થ છે.ત્યાં યજ્ઞો કરીને બ્રાહ્મણો સરસ્વતી જળથી અવભૃત સ્નાન કરીને સ્વર્ગમાં જાય છે. 

ત્યાં અગ્નિશિર નામે દિવ્ય,પુણ્યકારી ને મંગલ સ્થાન છે કે જ્યાં સૃન્જય પુત્ર સહદેવે,અગ્નિઓ સ્થાપીને 

લાખોની દક્ષિણા આપી હતી.તે જ સ્થાને રાજા ભારતે એકસો અડતાલીસ અશ્વમેઘ યજ્ઞો કર્યા હતા.

બ્રાહ્મણોની કામના પુરી કરનાર પ્રસિદ્ધ શરભંગ મુનિનો આશ્રમ પણ ત્યાં જ આવ્યો છે (9)

સરસ્વતી નદીને તીરે પૂર્વે વાલખિલ્ય ઋષિઓએ યજ્ઞ કર્યા હતા.ત્યાં દયદવતી નામે પ્રસિદ્ધ નદી છે.

ત્યાં યશસ્વી સુવ્રતનો પવિત્ર આશ્રમ છે.વેદવિદ્યાના જ્ઞાતા નર તથા નારાયણ ઋષિઓએ ત્યાં યજ્ઞોથી યજન 

કર્યું હતું.પૂર્વે,ઇન્દ્ર અને વરુણ આદિ અનેક દેવતાઓએ એકઠા થઇ વિશાખયૂપમાં તપ કર્યું હતું.

મહર્ષિ જમદગ્નિએ રમણીય એવા પલાશકમાં યજ્ઞ કર્યો હતો,ત્યારે સર્વ શ્રેષ્ઠ સરિતાઓ પોતપોતાનાં જળ લઈને સાક્ષાત હાજર થઈને તે ઋષિવરને વીંટાઈ વળી હતી.તેમની અલૌકિક દીક્ષા જોઈને સ્વયં વિસાવસુએ,તેમની પ્રસંશા માટે શ્લોક ગાયો હતો,નગાધિરાજ હિમાચલને ગંગાએ જ્યાં વેગપૂર્વક ફોડ્યો હતો,ત્યાં ગંગાદ્વાર છે.

બ્રહ્મર્ષિઓથી સેવાયેલું તે પવિત્ર તીર્થ છે,ત્યાં સનતકુમાર,કનખલ ને પૂરું નામે પર્વત છે.પુરુરવા ત્યાં જ ગયો હતો.


ત્યાં ભૃગુતુંગ નામે પર્વત છે કે જ્યાં ભૃગુએ તપ કર્યું હતું.અતિ યશસ્વી નારાયણનો,ત્રણે લોકમાં પ્રસિદ્ધ વિશાલા નામે આશ્રમ બદરીની સમીપમાં છે.વળી,બદરીની પાસે વિશાલામાં સુવર્ણસિકતા તીર્થ છે,કે જ્યાં દેવો ને ઋષિઓ પધારીને નારાયણદેવને નિત્ય નમસ્કાર કરે છે (27) જ્યાં સનાતન પરમાત્મા એવા નારાયણદેવનો વાસ છે ત્યાં સમગ્ર જગત છે,બધાં તીર્થો છે,કેમ કે તે પરબ્રહ્મ છે,પરાત્પર છે,પરમ પ્રકાશવાન છે ને પરમેશ્વર છે.(29)

જ્યાં આદિદેવ મહાયોગી મધુસુદન વિરાજે છે,ત્યાં સર્વ દેવર્ષિઓ,સિદ્ધો ને તપોધનો વસે છે.

તે પુણ્યોમાં પુણ્ય રૂપ છે,એ વિશે તમને શંકા થાઓ નહિ.હે રાજન,આ તમને પૃથ્વીમાંના પુણ્યતીર્થો કહ્યાં,કે જેને વસુઓ,સાધ્યો,આદિત્યો,મારુતો,અશ્વિનીકુમારો અને ઋષિઓએ સેવ્યાં છે.તમે શ્રેષ્ઠ બ્રાહ્મણો ને ભાઈઓ સાથે રહીને એ મંગલતીર્થોમાં વિચરશો ત્યારે તમારી ઉત્કંઠા દૂર થશે.(35)

અધ્યાય-૯૦-સમાપ્ત