Jan 2, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-383

અધ્યાય-૮૯-પશ્ચિમનાં તીર્થો 


II धौम्य उवाच II आनर्तेषु प्रतीच्यां वै कीर्त्तयिष्यामि ते दिशि I यानि तत्र पवित्रापि पुण्यान्यायतनानि च II १ II

ધૌમ્ય બોલ્યા-આનર્તદેશમાં પશ્ચિમ દિશામાં જે પુણ્યતીર્થો આવેલાં છે તે હવે તમને કહીશ.ત્યાં પશ્ચિમ તરફ 

વહેતી પવિત્ર નર્મદા નદી છે કે જેને તીરે પ્રિયંગુ,આંબા ને નેતરનાં વનો છે.હે ભારત,ત્રણે લોકમાં જે પુણ્યધામો,સરિતાઓ,વનો,પર્વતો,બ્રહ્માદિ દેવો,સિદ્ધિ,ઋષિઓ,ચારણો ને પુણ્યસમૂહો છે 

તે સર્વ આ નર્મદામાં સદૈવ જલસ્નાન કરવા આવે છે.ત્યાં વિશ્રવા મુનિનું પુણ્યસ્થાન છે.

ત્યાં ધનપતિ કુબેરે જન્મ ધારણ કર્યો હતો,ત્યાં વૈડ્રર્ય શિખર નામે પવિત્ર ને કલ્યાણકારક ગિરિવર છે.

તે પર્વતના શિખર પર દેવો ને ગંધર્વોથી સેવાયેલું ફૂલપદ્મ નામે પવિત્ર સરોવર છે આ પવિત્ર પર્વત પર અનેક આશ્ચર્યો જોવા મળે છે.વિશ્વામિત્રી નદી અહીં છે.પૂર્વે નહુષપુત્ર યયાતિ એ સરિતાના તીરે સજ્જનોની મધ્યમાં  સ્વર્ગમાંથી પડ્યો હતો.ને તે ધર્મપૂર્વક ફરીથી સનાતન લોકોને પામ્યો હતો,(10)


ત્યાં એક પવિત્ર ધરો છે અને મૈનાક નામે પર્વત છે.વળી ફળમૂળથી શોભતો અસિત નામે પર્વત છે.

ત્યાં કક્ષસેનનો પવિત્ર આશ્રમ છે,ને ત્યાં જ ચ્યવનનો વિખ્યાત આશ્રમ છે,કે જ્યાં થોડા તપથી જ મનુષ્યો સિદ્ધિ પામે છે.સંસ્કારી ચિત્તવાળા ઋષિઓનો ત્યાં જંબુમાર્ગ નામે આશ્રમ છે.કે જે મૃગો ને પક્ષોઓથી ભરપૂર છે.


તપસ્વીઓથી સેવાયેલી કેતુમાલા અને મેધ્યા નામની બે પવિત્ર નદીઓ ત્યાં છે.બ્રાહ્મણોથી સેવાયેલું પ્રસિદ્ધ સૈન્ધવારણ્ય છે.અહીં બ્રહ્માનું પુષ્કર નામનું પવિત્ર સરોવર છે.ત્યાં વૈખાનસો,સિદ્ધો અને ઋષિઓનો પ્રિય આશ્રમ છે.પ્રજાપિતા બ્રહ્માએ પુષ્કરતીર્થ સંબંધમાં એક ગાથા ગાઈ હતી કે-'જે મનસ્વી પુરુષ મનથી પણ પુષ્કરમાં રહેવાની ઈચ્છા કરે છે તેનાં સર્વ પાપો નાશ પામે છે ને સ્વર્ગલોકમાં આનંદ કરે છે ' (18)

અધ્યાય-૮૯-સમાપ્ત