Jan 1, 2024

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-382

 

અધ્યાય-૮૮-દક્ષિણનાં તીર્થો 


II धौम्य उवाच II दक्षिणास्यां तु पुण्यानि शृणु तीर्थानि भारत I विस्तरेण यथाबुध्धि कीर्त्यमानानि तानि वै II १ II

ધૌમ્ય બોલ્યા-હે ભારત,યથાબુધ્ધિએ વિસ્તારપૂર્વક હવે હું જે દક્ષિણ દિશાનાં પુણ્યતીર્થો વિશે કહું છું તે તમે સાંભળો.દક્ષિણમાં તપસ્વીઓએ સેવેલી પવિત્ર ગોદાવરી નદી વહે છે.તપસ્વીઓના આશ્રમોથી શોભી રહેલી વેણા ને ભીમરથી નદીઓ ત્યાં છે.ત્યાં રાજર્ષિ નૃગની,રમણીય તીર્થવાળી પયોષ્ણી નદી છે.અહીં મહાયોગી માર્કંડેયે નૃગરાજાના વંશની કથા ગાઈ હતી કે-'પયોષ્ણીના ઉત્તમ વારાહ તીર્થમાં નૃગરાજાએ યજ્ઞ કર્યો ત્યારે ઇન્દ્ર સોમપાનથી અને બ્રાહ્મણો દક્ષિણાઓથી મસ્ત થઈ ગયા હતા,એવું અમે પ્રત્યક્ષ સાંભળ્યું છે'

પયોષ્ણીનું ઊંચું ઉછળેલું,જમીન પર પડેલું અથવા પવનથી ઊડેલા જળના સંસર્ગથી મનુષ્યનું જીવનભરનું પાપ નાશ પામે છે.ત્યાં સ્વર્ગથી પણ ઊંચું શિવજીનું એક નિર્મલ શિવશૃંગ છે જેના દર્શન કરવાથી મનુષ્ય શિવનગરમાં જાય છે.(8) એક બાજુ ગંગા આદિ સર્વ નદીઓ ને બીજી બાજુ પયોષ્ણીને મૂકીએ તો પયોષ્ણી જ સર્વ તીર્થોમાં પવિત્રતામાં વધશે એવું મારુ માનવું છે.હે ભારત,વરણસ્ત્રોતસ નામના પર્વત પર માઠર ઋષિનું વન છે.

પ્રવેણીના ઉત્તર માર્ગે અને કણ્વાશ્રમમાં તપસ્વીઓના અરણ્યો મેં સાંભળ્યા મુજબ તમને કહ્યાં છે (11) 


શૂર્પારકમાં જમદગ્નિની,પાષાણતીર્થા ને પુનશ્ચન્દ્રા નામની બે રમ્ય વેદીઓ છે.ત ને ત્યાં જ અશોકતીર્થ છે.

પાંડ્ય દેશમાં અગસ્ત્ય તીર્થ અને વારણ તીર્થ છે.તે પાંડ્ય(દ્રવિડ) દેશમાં જ કુમારીઓ કહી છે.

(નોંધ-આ પાંડ્ય (દ્રવિડ)દેશમાં રહેનારા પુરુષો પણ કુમારીઓની જેમ બાલ્યવયથી જ પરમેશ્વર રૂપી પતિની આકાંક્ષા 

કરે છે,ને ભક્તિમાં તત્પર રહે છે,એટલે જ ભાગવતમાં કહ્યું છે કે દ્રવિડમાં જ અધિક ભાગવત ભક્તો છે)


દક્ષિણમાં તામ્રવર્તી નદીના કિનારે મોક્ષ ઇચ્છતા દેવોએ તપ કર્યું હતું.ત્યાં પવિત્ર,કલ્યાણકારી ને અતિ દુષ્પ્રાપ્ય એવો વિખ્યાત ગોકર્ણ નામે ધરો છે.વળી ફળમૂળથી સંપન્ન અગત્સ્યશિષ્યનો એક આશ્રમ છે ને પવિત્ર પર્વત છે.

ત્યાં શોભાયમાન,મણિઓથી ભરપૂર અને કલ્યાણકારક વૈડ્રર્ય પર્વત છે ને અગસ્ત્યનો આશ્રમ  છે.


હે નરપતિ,હવે સૌરાષ્ટ્રમાં આવેલ પુણ્યધામો,આશ્રમો,સરિતાઓ અને સરોવરો વિષે કહું છું તે સાંભળો.

ત્યાં ચમસોદભેદન તીર્થ ને સાગરમાં દેવોનું પ્રભાસતીર્થ છે.તપસ્વીઓએ સેવેલું પિંડારક તીર્થ છે.ત્યાં તત્કાલ સિદ્ધિ દેનારો ઉજ્જયંત નામનો મહાપર્વત છે તે સંબંધમાં નારદે ગયેલો એક પુરાણો શ્લોક સાંભળવામાં આવે છે.


'સૌરાષ્ટ્ર દેશમાં મૃગો અને પક્ષીઓથી સેવાયેલા ઉજ્જયંત નામના પુણ્યગિરિ ઉપર જે જે મનુષ્ય તપ કરે છે તે સ્વર્ગમાં પૂજાય છે.વળી,ત્યાં પવિત્ર દ્વારામતી (દ્વારકા) છે તેમાં મધુસુદન ભગવાન રહે છે,તે સાક્ષાત પુરાતન દેવ છે,તે જ સનાતન ધર્મમૂર્તિ છે,જે બ્રાહ્મણો વેદને જાણનારા છે ને જે અધ્યાત્મવેત્તા છે તેઓ શ્રીકૃષ્ણને મહાત્મા 

અને સનાતન ધર્મમૂર્તિ કહે છે.(25) ત્રણે લોકમાં જે કંઈ પવિત્ર છે,તેમાં ગોવિંદ પરમ પવિત્ર છે 

અને મંગલોનું મંગલ છે.એ જ સનાતન દેવાધિદેવ છે.અક્ષરરૂપી,ક્ષરરૂપી,જીવરૂપી,

અચિંત્ય મૂર્તિ પરમેશ્વર અને મધુ દૈત્યને હણનાર એ શ્રીહરિ ત્યાં જ રહે છે'(28)

અધ્યાય-૮૮-સમાપ્ત