Dec 31, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-381

 

અધ્યાય-૮૭-ધૌમ્યે કરેલું પૂર્વના તીર્થોનું વર્ણન 


II वैशंपायन उवाच II ताम्सर्वानुत्सुकान द्रष्टा पांडवांदीनचेतमः I आश्वासयंस्तथा धौम्यो बृहस्पतिसमोSब्रवीत  II १ II

વૈશંપાયન બોલ્યા- દુઃખી મનવાળા તે સર્વ પાંડવોને ઉત્સુક જોઈને બૃહસ્પતિ સમા ધૌમ્યે તેમને આશ્વાસન આપતાં કહ્યું કે-'બ્રાહ્મણોની સંમતિ પામેલા પુણ્યઆશ્રમો,દિશાઓ,તીર્થો ને પર્વતો વિશે હું કહું છું સાંભળો.

તે સાંભળીને તમે સર્વ શોકમુક્ત થશો,ને પુણ્ય પામશો.પહેલાં હું પૂર્વદિશાનું મારી સ્મૃતિ મુજબ વર્ણન કરીશ.

હે ભારત,પૂર્વ દિશામાં દેવર્ષિસેવિત નૈમિષારણ્ય છે,રમણીય ગોમતી છે.

પૂર્વદિશામાં દેવોની યજ્ઞભૂમિ છે,ગય નામનો મહાપર્વત છે અને કલ્યાણકારી બ્રહ્મ સરોવર છે.(8)

પ્રાચીન લોકો એ સ્થાન સંબંધી કહે છે કે-અનેક પુત્રોની ઈચ્છા કરવી કેમ કે એકાદ પુત્ર પણ ગયામાં જાય,અથવા અશ્વમેઘ યજ્ઞ કરે અથવા નીલ રંગના વૃક્ષનો ઉત્સર્ગ કરે તેની દશ આગલી ને દશ પાછળની પેઢી ઉદ્ધાર પામે છે.

હે રાજન,ત્યાં મહાનદી ને ગયશિર ને અક્ષયવટ છે.અક્ષયવટમાં પિતૃઓને આપેલું પિંડદાન અક્ષય ફળ આપે છે.

ત્યાં ફલ્ગુ નદી છે,ને અનેક ફળમૂળવાળું વન ને કૌશિકી નદી છે જેના કિનારે વિશ્વામિત્ર બ્રાહ્મણત્વ પામ્યા હતા.


એ જ દિશામાં પવિત્ર ગંગા છે કે જેને તીરે ભગીરથે અનેક યજ્ઞો કર્યા હતા.પંચાલ દેશમાં ઉત્પ્લાવનમાં વિશ્વામિત્રે

પુત્ર સાથે યજ્ઞ કર્યો હતો,કાન્યકુબ્જમાં ઇન્દ્ર સાથે સોમપાન કરી,વિશ્વામિત્ર ક્ષત્રિયત્વથી મુક્ત થયા હતા. 

પૂર્વમાં,ગંગા-યમુનાનું સંગમતીર્થ છે ત્યાં બ્રહ્માએ યજ્ઞ કર્યો હતો,ને તે પ્રયાગ તરીકે વિખ્યાત છે.

ત્યાં અગસ્ત્યનો શ્રેષ્ઠ આશ્રમ છે.તે તપસ્વીઓથી શોભિત તાપસારણ્ય છે.ત્યાંથી આગળ કાલંજરગિરી પર્વત,

અગસ્ત્ય પર્વત ને હિરણ્યબિંદુ પર્વતો છે.ત્યાં ભાર્ગવનો મહેન્દ્ર નામનો આશ્રમ છે.


પૂર્વમાં ભાગીરથી નદીએ મણિકર્ણિકા નામના સરોવરમાં પ્રવેશ કર્યો હતો,ને તે સ્થળ બ્રહ્મશાલા નામે પ્રખ્યાત છે,ને અનેક પાપમુક્ત મહાત્માઓ ત્યાં વસે છે,જેમનાં દર્શન પુણ્યકારી છે.ત્યાં મહાત્મા મતંગનો કેદાર નામે આશ્રમ છે.ત્યાં અનેક ફળ.મૂળ અને જળાશયવાળો કુંડોદ નામે પર્વત છે.ત્યાં તપસ્વીઓથી શોભતું પવિત્ર દેવવન  છે.ત્યાં પર્વતશિખર પર બાહુદા ને નંદા નામની નદીઓ છે.હે મહારાજ,આ પૂર્વનાં તીર્થો ને આશ્રમો કહ્યા(28)

અધ્યાય-૮૭-સમાપ્ત