અધ્યાય-૮૬-ધૌમ્યને યુધિષ્ઠિરનું નિવેદન
II वैशंपायन उवाच II भ्रातृणां मतमाज्ञाय नारदस्य धीमतः I पितामहसमं धौम्ये प्राह राजः युधिष्ठरः II १ II
વૈશંપાયન બોલ્યા-ધીમાન નારદનો તથા ભાઈઓનો મત મેળવીને,રાજા યુધિષ્ઠિર,પિતામહ બ્રહ્માના જેવા ધૌમ્ય મુનિને કહેવા લાગ્યા કે-'એ સત્યપરાક્રમી,મહાબાહુ અર્જુનને મેં અસ્ત્રો મેળવવા માટે બહાર મોકલ્યો છે,કેમ કે તે સમર્થ છે ને અસ્ત્રવિદ્યામાં વાસુદેવ સમાન છે.વળી,હું જાણું છું કે અર્જુન ને વાસુદેવ એ બંને નર-ને નારાય ઋષિઓ છે,
ને એથી અર્જુન સમર્થ છે-એમ માનીને મેં તેને આજ્ઞા કરી છે.પરાક્રમમાં ઈન્દ્રથી ન ઉતરે
તે ઇન્દ્રપુત્રને મેં ઇંદ્રનાં દર્શન કરવા ને ઇંદ્રનાં અસ્ત્રો મેળવવા દેશ બહાર મોકલ્યો છે.
ભીષ્મ ને દ્રોણ અતિરથી છે,કૃપાચાર્ય ને અશ્વસ્થામા દુર્જય છે.દુર્યોધનને વીંટળાઈને ઉભા રહેલા મહારથીઓ અર્જુન સામે લડવાની સતત કામના કરી રહ્યા છે.ને તેમાં કર્ણ તો સર્વ દિવ્ય અસ્ત્રોનો જાણકાર છે,તેની સામે વાસુદેવથી રક્ષાયેલો,ગાંડીવધારી અર્જુન જો ઇન્દ્ર પાસેથી દિવ્ય અસ્ત્રો મેળવશે તો તે એકલો જ સર્વ માટે બસ છે.
શત્રુઓના અતિ નિષ્ણાત મનુષ્યો સામે અર્જુન સિવાય બીજો કોઈ નથી એવું મારુ માનવું છે.
પણ,અહીં કૃષ્ણા સાથે અમે આ કામ્યક વનમાં તે વીર અર્જુન વિના શાંતિ પામતા નથી.તો તમે બીજું કોઈ સરસ
પવિત્ર ને રમણીય વન હોય તો કહો કે ત્યાં અમે થોડો સમય નિવાસ રાખીને અર્જુનની રાહ જોઈશું.
બ્રાહ્મણો પાસેથી સાંભળેલા જાતજાતના આશ્રમો,પર્વતો,સરોવરો,સરિતાઓ વિષે તમે અમને કહો કેમકે
અર્જુન વિના અમને અહીં રુચતું નથી હવે અમે બીજી દિશામાં જવા ઇચ્છીએ છીએ.(22)
અધ્યાય-૮૬-સમાપ્ત