Dec 29, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-379

 

ત્યાં વાસુકિના ભોગવતીતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.વળી,ત્યાં હંસપ્રપતન ને દશાશ્વમેધીક તીર્થ છે. ગંગામાં ગમે ત્યાં સ્નાન કર્યું હોય તો કુરુક્ષેત્ર સમાન ફળ મળે છે,જો કે કનખલમાં વિશેષ ફળ ને પ્રયાગમાં તો અતિમહાન ફળ મળે છે.સેંકડો દુષ્કર્મો કર્યા છતાં જો ગંગાસ્નાન કરે તો તેના પાપો બળી જાય છે.

સતયુગમાં સર્વ તીર્થો,ત્રેતામાં પુષ્કરતીર્થ,દ્વાપરમાં કુરુક્ષેત્ર તીર્થ ને કળિયુગમાં ગંગાતીર્થ એ પવિત્ર કહેવાય છે.

ગંગાનું નામકીર્તન થતા તે પાપીને પાવન કરે છે,ને તેનું દર્શન મંગલ આપે છે.તેમાં જે સ્નાન કરે ને તેનું જલપાન કરે તેના કુળની સાત પેઢીઓ પાવન થાય છે.બ્રહ્માએ કહ્યું છે કે ;ગંગા જેવું બીજું કોઈ તીર્થ નથી,ને વિષ્ણુથી ચડિયાતો કોઈ દેવ નથી ને બ્રાહ્મણોથી મોટો કોઈ પુરુષ નથી'.જે દેશમાં ગંગા છે તે દેશ તપોવન છે.

જે ક્ષેત્ર ગંગાતીરે આવ્યું છે તેને સિદ્ધક્ષેત્ર જાણવું.(98)


તીર્થનું આ કીર્તન ઐશ્વર્ય આપનારું,સ્વર્ગ દેનારું,પુણ્યકારી,શત્રુઓને સમાવનારું,કલ્યાણરૂપ ને ઉત્તમ બુદ્ધિજનક છે.આ કીર્તન વડે અપુત્રને પુત્ર મળે છે,નિર્ધનને ધન સાંપડે છે,રાજાને જય પ્રાપ્ત થાય છે,વૈશ્યને ધનલાભ મળે છે,શુદ્ર ઈચ્છીત મનોરથો પામે છે ને બ્રાહ્મણ પારંગત થાય છે.જે પવિત્ર થઈને આને સાંભળે છે તે આગળ અનેક જન્મોનું સ્મરણ પામે છે અને સ્વર્ગલોકમાં આનંદ મેળવે છે.


હે મહારાજ,આમ,જઈ શકાય એવાં ને ન જઈ શકાય એવાં તીર્થો વિષે મેં તમને કહ્યું છે,સર્વ તીર્થોની ઈચ્છા રાખનારાએ અગમ્ય તીર્થોની માનસિક યાત્રા કરવી.તમે પણ પુણ્યથી પુણ્યને વધારતા રહી,નિયમ પરાયણ રહી,વિધિથી તીર્થોમાં જાઓ.હે ભીષ્મ,તમે સદાચારથી પિતૃઓ,દેવો ને ઋષિગણોને નિત્ય સંતોષ્યા છે,તેથી તમે વસુઓના લોકને પ્રાપ્ત કરશો,તમને આ પૃથ્વી પર અવિચલ કીર્તિ પ્રાપ્ત થશે.(112)


નારદ બોલ્યા-પુલસ્ત્ય ઋષિ આમ કહીને ભીષ્મની અનુજ્ઞા લઈને ત્યાંથી અંતર્ધાન થયા,હે કુરુસિંહ,જે મનુષ્ય આ વિધિએ પૃથ્વીની યાત્રા કરે છે તે મૃત્યુ પછી સો અશ્વમેઘ યજ્ઞફળ ભોગવે છે.તમે ઋષિઓને,રાક્ષસોથી બચાવીને તીર્થોમાં દોરી જનાર છો એટલે ભીષ્મને જે પુણ્ય મળ્યું હતું તેના કરતા આઠગણું ફળ તમને મળશે.

ઋષિઓ તમારી રાહ જોઈ રહ્યા છે.લોમશ નામના મહર્ષિ તમને આવીને મળશે,ત્યારે તમે તેમની સાથે જાઓ.

તમે ધર્મથી શોભી રહ્યા છો.તમે શત્રુઓને સંહારીને સ્વધર્મથી જીતેલી પૃથ્વીને મેળવીને પ્રજાનું પાલન કરશો,

ને અર્જુનની જેમ જ પણ,તમે ધર્મથી વિખ્યાત થશો 


વૈશંપાયન બોલ્યા-હે મહારાજ,નારદે યુધિષ્ઠિરને આ પ્રમાણે આશ્વાસન આપ્યું ને પછી તેમની રજા લઈને ત્યાં જ અંતર્ધાન પામ્યા.યુધિષ્ઠિર પણ એ જ વિષયનું ચિંતન કરી રહ્યા ને ઋષિઓને તે વિષે કહેવા લાગ્યા (135)

અધ્યાય-૮૫-સમાપ્ત