ત્યાંથી,જે ગોદાવરી નદીએ જાય છે તે ગોમેઘ યજ્ઞફળ મેળવે છે ને વાસુકી લોકમાં જાય છે.વેણાના સંગમમાં સ્નાન
કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.જે વરદાના સંગમમાં સ્નાન કરે છે તે સહસ્ત્ર ગોદાન ફળ પામે છે.
પછી જે બ્રહ્મસ્થાને જઈ ત્રણ રાત્રિના ઉપવાસ રાખે છે તે સહસ્ત્ર ગોદાન દળ પામે છે,ત્યાંથી,જે કુશપ્લવન જઈ ત્રણ રાત્રિનો વાસ ને સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.પછી જે,અરણ્યમાં કૃષ્ણા ને વેણાના જલમાંથી છૂટેલા
દેવહૃદ ને જાતિસ્મરહ્રુદમાં સ્નાન કરે છે તે પૂર્વજન્મનું સ્મરણ પામે છે.(38)
ત્યાંથી સર્વહ્રુદમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે,પછી વાપી અને પયોષ્ણીમાં જે પિતૃઓ ને દેવોનું અર્ચન કરે છે તે સહસ્ત્ર ગોદાન ફળ પામે છે.ત્યાંથી દંડકારણ્યમાં જઇને સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.
પછી,શુકના શરભંગ આશ્રમે જનાર દુર્ગતિને પામતો નથી ને પોતાના કુળને પાવન કરે છે,ત્યાંથી પરશુરામે સેવેલા શૂર્પારકમાં જઈ રામતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય પુષ્કળ સુવર્ણ પ્રપ્ત કરે છે.નિયમપરાયણ રહી જે સપ્તગોદાવરીમાં સ્નાન કરે છે તે મહાન પુણ્ય મેળવે છે ને દેવલોકમાં જાય છે,ત્યાંથી દેવપથ તીર્થમાં જવાથી દેવસૂત્રનું પુણ્ય મળે છે,પછી,તુંગકારણ્યમાં જવું.ત્યાં સારસ્વત ઋષિએ વેદોનું અધ્યાપન કર્યું હતું.પરંતુ સમય જતાં વેદો નાશ પામ્યા ત્યારે અંગિરા મુનિના પુત્રે ત્યાં યથાવિધિએ ૐકારનો સારી રીતે ઉચ્ચાર કર્યો એટલે ઋષિઓને પોતે આગળ ભણેલા સર્વ વેદના પાઠો સાંભરી આવ્યા.ત્યાં દેવો આદિએ ભૃગુઋષિને યજ્ઞ માટે યોજ્યા હતા.
જે તુંગક અરણ્યમાં પ્રવેશ કરે છે તેના સર્વ પાપો ઓગળી જાય છે.ત્યાં જે એક માસ રહે છે તે બ્રહ્મલોકમાં જાય છે.
ત્યાંથી જે,મેઘાવિક તીર્થે જઈ દેવો ને પિતૃઓનું તર્પણ કરે છે,તે અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામે છે.અહીં કાલંજર નામનો પર્વત છે ત્યાં દેવહ્રુદમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.ત્યાંથી ચિત્રકૂટ ઉપર સર્વ પાપોનો નાશ કરનારી મંદાકિનીમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ ને પરમ ગતિ પ્રાપ્ત થાય છે.ત્યાંથી ભર્તૃસ્થાનમાં જવું,ત્યાં દેવોના સેનાપતિ કાર્તિકેય સ્વામી નિકટમાં રહે છે,ત્યાં જવા માત્રથી મનુષ્યને સિદ્ધિ મળે છે ને કોટિતીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે,ત્યાં પ્રદિક્ષણા કરી જ્યેષ્ઠ સ્થાનમાં જવાથી મનુષ્ય ચંદ્રની જેમ શોભે છે.
ત્યાં ચાર સમુદ્રો એક કુવામાં રહે છે,જેમાં સ્નાન ને તર્પણ કરવાથી મનુષ્ય પરમ ગતિ પામે છે.(64)
ત્યાંથી શૃંગવેર નામના નગરે જવું જ્યાં રામચંદ્ર ગંગા પાર કરી ગયા હતા,અહીં ગંગામાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે ને તેને વાજપેય યજ્ઞફળ મળે છે.ત્યાંથી મહાદેવના સ્થાનરૂપ મૂંજવટમાં જવું.જે ત્યાં જઈ મહાદેવને વંદન કરી તેમની પ્રદિક્ષણા કરે છે તે ગણપતિપદ મેળવે છે ને તે તીર્થમાં જે જાહન્વીમાં સ્નાન કરે છે તે પાપોમાંથી છૂટે છે.(70) ત્યાંથી પ્રયાગતીર્થમાં જવું.બ્રહ્માદિ સાથે ભગવાન શ્રીહરિ ત્યાં વસે છે,ત્યાં ત્રણ અગ્નિકુંડો છે.ગંગા તે કુંડોની વચ્ચે થઇ વેગથી વહે છે,સૂર્યપુત્રી યમુના અને ગંગાનો અહીં સંગમ છે.ગંગા અને યમુનાના મધ્ય ભાગને (હરિદ્વારથી પ્રયાગ સુધીના ભાગને)મેરુ રૂપી મસ્તકવાળી પૃથ્વીનો જઘન કહ્યો છે.પ્રયાગ એ જઘનનું સમાપ્તિસ્થાન (યોનિ સ્થાન) છે એમ ઋષિઓ જાણે છે.પ્રયાગ,પ્રતિષ્ઠાન,કંબલ,અશ્વતર અને ભોગવતી એ તીર્થો પ્રજાપતિની વેદી કહેવાય છે વેદો,યજ્ઞો ને ઋષિઓ ત્યાં પ્રજાપતિની ઉપાસના કરે છે.(78)
આથી,પ્રયાગ એ ત્રણે લોકોમાં સૌથી પવિત્ર તીર્થ છે.એ તીર્થમાં જવામાત્રથી અને તેનું નામસ્મરણ કર્યાથી મનુષ્ય મૃત્યુના ને કાળના ભયથી મુક્ત થાય છે ને પાથી છૂટે છે.જે આ સંગમમાં સ્નાન કરે છે તે રાજસૂય ને અશ્વમેઘ યજ્ઞફળ પામે છે.દેવોએ સંસ્કારેલી એ યજનભૂમિ છે,ત્યાં થોડુંક દાન પણ ઘણા દાન બરાબર થાય છે (82)
પ્રયાગમાં મરણ મુક્તિદાયક છે.સાઠ કરોડ દશ હજાર તીર્થો અહીં પ્રયાગમાં જ નિવાસ કરે છે.
ચાર વેદોના અધ્યયનનું પુણ્ય અહીં સંગમમાં સ્નાન કરનારને મળે છે,એવું શાસ્ત્રકથન છે.