Dec 27, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-377

 

અધ્યાય-૮૫-તીર્થવર્ણન (ચાલુ)


II पुलस्त्य उवाच II अथ संध्यां समासाद्य संवेद्यं तीर्थमुत्तमं I उपस्पृश्य नरो विद्यां लभते नाव संशयःII १ II

પુલસ્ત્ય બોલ્યા-તે પછી,સંધ્યા સમયે ઉત્તમ સંવેદ્ય નામના તીર્થમાં જઈ જે સ્નાન કરે તે વિદ્યા પામે છે,એમાં સંશય નથી.પૂર્વે શ્રીરામચંદ્રના પ્રભાવ વડે લૌહિત્યતીર્થ નિર્માણ થયેલું છે તેમાં જવાથી,મનુષ્ય વિપુલ સુવર્ણ મેળવે છે.

ત્યાંથી કરતોયામાં જઈ જે ત્રણ રાત્રિના ઉપવાસ કરે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.ત્યાં ગંગાસાગરના સંગમમાં જે સ્નાન કરે તેને અશ્વમેઘનું દશગણું ફળ મળે છે.ને ગંગાની સામે પર જઈ ત્રણ રાત્રિનો વાસ કરે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.પછી,વૈતરણી નદીએ જઈ ત્યાંથી વિરજ તીર્થમાં જવાથી મનુષ્ય ચંદ્રની જેમ શોભી રહે છે,

પોતાના કુળને પાવન કરે છે,કુળને તારે છે,ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે.(7)

જે મનુષ્ય પવિત્ર ને નિયમપરાયણ રહી શોણ તથા જ્યોતિરથ્યા ના સંગમમાં દેવો ને પિતૃઓનું તર્પણ કરે છે તે અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામે છે.ને જે શોણ ને નર્મદાના છુટા પાડવાના સ્થાને વંશગુલ્મમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ પામે છે.કોશલા નદી પર આવેલા ઋષભતીર્થ જઈ,ત્યાં કાલતીર્થમાં ત્રણ રાત્રિના ઉપવાસ કરવાથી વાજપેય યજ્ઞફળ મળે છે,સહસ્ત્ર ગોદાન ફળ મળે છે ને તેના કુળનો ઉદ્ધાર થાય છે.જે કોશલામાં જઈ 

સ્નાન કરે તે અગિયાર બળદના દાનનું પુણ્ય મેળવે છે.એમાં સંદેહ નથી (11)


જે પુષ્પવતીમાં સ્નાન કરી ત્રણ રાતના ઉપવાસ રાખે છે તે સહસ્ત્ર ગોદાન ફળને પામે છે.જે બદરીકાતીર્થમાં સ્નાન કરે છે તે દીર્ઘ આયુષ્ય મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.પછી,જે ચંપાનગરીમાં જઈ,ભગીરથીમાં જલાંજલિ અર્પે છે ને જે દંડ નામના તીર્થમાં જાય છે,તે સહસ્ત્ર ગોદાન ફળને પામે છે.ત્યાંથી લપેટિકા તીર્થમાં જવાથી વાજપેય યજ્ઞફળ મળે છે ને તે સર્વ દેવોથી પૂજાય છે.ત્યાંથી,પરશુરામે સેવેલા મહેન્દ્ર પર્વત પર જઈને રામતીર્થમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ પામે છે.ત્યાં મતંગકેદાર નામના તીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.


જે મનુષ્ય શ્રીતીર્થ પર્વત પાર જઈ નદીમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ પામે છે.મહાદેવ,ઉમાદેવી સાથે ત્યાં રહે છે ને બ્રહ્મા પણ દેવો સાથે ત્યાં પરમ પ્રસન્ન થઈને વાસો કરે છે.મનને નિયમમાં રાખી જે ત્યાં દેવહૃદમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ પામે છે ને પરમ સિદ્ધિને પ્રાપ્ત કરે છે પછી પાંડ્યદેશમાં આવેલા,દેવોથી પૂજાયેલા 

ઋષભ પર્વત પર જવાથી વાજપેય યજ્ઞફળ મળે છે ને સ્વર્ગલોકમાં આનંદ ભોગવે છે (21)


ત્યાંથી,અપ્સરાઓના વૃંદથી વીંટાયેલી કાવેરી નદી પર જઈ સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,કન્યાતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.ત્યાંથી સમુદ્રની મધ્યમાં આવેલા ગોકર્ણ તીર્થમાં જવું ત્યાં બ્રહ્માદિ દેવો મહાદેવની ઉપાસના કરે છે,જે ત્યાં મહાદેવની પૂજા કરી ત્રણ રાત્રિના ઉપવાસ રાખે છે તે અશ્વમેઘ યજ્ઞફળ પાર્પ્ત કરે છે ને ગણપતિપદ પામે છે.ત્યાંથી આગળ સર્વ લોકોમાં પૂજિત ગાયત્રીનું સ્થાન છે.

ત્યાં બ્રાહ્મણોની પરીક્ષા માટેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે,ત્યાં જો બ્રાહ્મણ સિવાયનો કોઈ બીજો પુરુષ ગાયત્રી બોલે તો તે બોલતાની સાથે ભુલાઈ જાય છે.ત્યાંથી આગળ વિપ્રર્ષિ સંવર્તની જગાએ જવાથી મનુષ્ય રૂપભાગી થાય છે સુભાગ્ય પ્રાપ્ત કરે છે.પછી,જે વેણા એ જય ત્રણ રાત્રિના ઉપવાસ રાખે તે માયુંએ ને હંસવાળું વિમાન પામે છે.