Dec 26, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-376

 

ત્યાંથી મહાદેવના ગૃધ્રવટ નામના સ્થાનમાં જઈ,ભસ્મથી સ્નાન કરી મહાદેવનાં દર્શન કરવાથી.બાર વર્ષના તપનું ફળ મળે છે.પછી,ઉદ્યન્ત નામના પર્વત પર સાવિત્રીની પાદુકાના દર્શન કરી સંધ્યોપાસના કર્યાથી બાર વર્ષ સુધી સંધ્યોપાસના કર્યાનું ફળ મળે છે.ત્યાં જ પ્રસિદ્ધ યોનિદ્વાર છે,ત્યાં જવાથી પરુષ યોનિસંકટમાંથી છૂટે છે.

જે ગયામાં એક માસ વાસ કરે છે તે પોતાની સાત પેઢીને પવિત્ર કરે છે (97)

ત્યાંથી ફલ્ગુ તીર્થ જવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.પછી,ધર્મપ્રસ્થ જઈ,જે ત્યાં કૂવાના પાણીથી સ્નાન કરી તર્પણ કરે છે,તે પાપમાંથી મુક્ત થઇને સ્વર્ગલોકમાં જાય છે.વળી ત્યાં મતંગનાં આશ્રમમાં જવાથી ગોદાનફળ મળે છે.

ત્યાંથી બ્રહ્મસ્થાને જઈ બ્રહ્માનાં દર્શન કરવાથી રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.

પછી,રાજગૃહ તીર્થમાં જઈ સ્નાન કરવાથી,મનુષ્યને કક્ષીવાન જેવો આનંદ મળે છે ત્યાં જે,યક્ષિણીને ધરાવેલ નૈવેદ્યનું પ્રાશન  કરે છે તે બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે.ત્યાંથી મણિનાગ તીર્થમાં જય,રાત્રિ રહેવાથી,ગોદાન ફળ મળે છે ને ત્યાંનો તીર્થપ્રસાદ લેવાથી,સર્પદંશનું વિષ ચડતું નથી.(106)


ત્યાંથી બ્રહ્મર્ષિ ગૌતમના વનમાં જઈ,અહલ્યાહૃદમાં સ્નાન કરવાથી પરમ ગતિ મળે છે ને આશ્રમમાં જવાથી આત્મઐશ્વર્ય મળે છે.ત્યાં ઉદપાન તીર્થમાં સ્નાનથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને રાજર્ષિ જનકના કૂવાના પાણીથી સ્નાન કરવાથી મનુષ્ય વિષ્ણુલોકને પામે છે.ત્યાંથી વિનશન તીર્થમાં જવાથી વાજપેય યજ્ઞફળ ને સોમલોક મળે છે.

જે મનુષ્ય સર્વ તીર્થજળોથી ઉદ્ભવ પામેલી ગંડકી નદીએ જાય છે તે વાજપેય યજ્ઞફળ ને સૂર્યલોક મેળવે છે.

પછી,નિશલ્યા નદીએ જવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.જે અધિવંગ નામના તપોવનમાં જાય છે તે ગુહ્યકોમાં આનંદ કરે છે.જે કંપનાનદીએ જાય છે તે પુંડરિક યજ્ઞફળ પામે છે ને સ્વર્ગલોકમાં જાય છે.(116)


પછી,જે માહેશ્વરીધારાએ જાય છે તે અશ્વમેઘ યજ્ઞફલ મેળવે છે ને કુળનો ઉદ્ધાર કરે છે.ત્યાંથી જે દેવોની પુષ્કરિણીંએ જાય છે તે દુર્ગતિ પામતો નથી ને અશ્વમેઘ યજ્ઞફળ પામે છે,ત્યાંથી સોમપદે જઈ,માહેશ્વરપદમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.ત્યાં કરોડ પ્રસિદ્ધ તીર્થો છે.ત્યાંથી નારાયણ તીર્થમાં જવું કે જ્યાં વિષ્ણુ નિકટમાં નિવાસ કરે છે.ત્યાં શાલગ્રામ નામના વિષ્ણુના દર્શન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને તે વિષ્ણુલોકમાં જાય છે.ત્યાં સર્વ પાપ નાશ કરનારો એક કૂવો છે તે કુવામાં ચાર સમુદ્રો સદા સમીપમાં રહે છે 

તેમાં સ્નાન કરવાથી મનુષ્યની દુર્ગતિ થતી નથી.વળી,ત્યાં મહાદેવના દર્શનથી મનુષ્ય ચંદ્રની જેમ શોભે છે.


જે મનુષ્ય જાતિસ્મર તીર્થને સ્પર્શે છે ને ત્યાં સ્નાન કરે છે તે પૂર્વજન્મનું સ્મરણ પામે છે.જે માહેશ્વરપૂર જઈ,

મહાદેવનું પૂજન ને ઉપવાસ રાખે છે તે સર્વ ઇપ્સિત મનોરથોની સિદ્ધિ પામે છે.પછી,જે વામનતીર્થમાં જઈ,શ્રીહરિ વિષ્ણુનાં દર્શન કરે છે તે દુર્ગતિને પામતો નથી.ત્યાંથી સર્વપાપહારી કુશિકના આશ્રમે જઈ કૌશિકીમાં સ્નાન કરવાથી રાજસૂય યજ્ઞફળ મળે છે.પછી,ચમ્પકારણ્યમાં જઈ એક રાત્રિવાસ કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે,

પછી,જયેષ્ઠીલ તીર્થમાં જઈ રાતવાસ કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે,ત્યાં જે વિશ્વેશ્વરનાં દર્શન કરે છે તે મિત્રાવરણ ના લોકોને પામે છે,ને ત્રણ રાત રહે છે તે અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામે છે.(135)


ત્યાંથી કન્યાસંવેદ્ય તીર્થમાં જય જે નિયમવતી ને મિતાહારી રહે છે તે મનુના લોકમાં જાય છે.ને ત્યાં કરેલું અણુ સરખું દાન પણ અક્ષય થાય છે.ત્યાંથી નિર્વીર તીર્થમાં જવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે,ને ત્યાં દાન આપવાથી ઇન્દ્રલોક મળે છે.ને ત્યાં વસિષ્ઠના આશ્રમમાં સ્નાન કરવાથી વાજપેય યજ્ઞફળ મળે છે.પછી જ્યાં કૌશિક  વિશ્વામિત્ર પરમ સિદ્ધિને પામ્યા હતા તે કૌશિકી સ્થાનમાં એક માસ રહેવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે,

તીર્થોમાં શ્રેષ્ઠ એવા આ મહાહ્રુદમાં જે  વસે છે તે દુર્ગતિ પામતો નથી ને પુષ્કળ સુવર્ણ પામે છે.

પછી,વિરાશ્રમ નિવાસી કાર્તિક સ્વામીનાં દર્શન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.

અગ્નિધારા તીર્થમાં જઈ જે સ્નાન કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.(146)


જે પર્વતરાજની પાસે આવેલા પિતામહસરોવરે જઈ,ત્યાં સ્નાન કરે તેને અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે,ને ત્યાંથી નીકળેલી કુમારધારા નામની જળધારામાં જે સ્નાન કરી છ ટંકના ઉપવાસ કરે તે  બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થાય છે.ત્યાંથી ગૌરીશિખરે ચડી સ્નાનકુંડોમાં સ્નાન કરવાથી વાજપેય યજ્ઞફળ મળે છે.તામ્રરૂણ તીર્થમાં જઈને જે બ્રહ્મચારી ને એકાગ્રચિત્ત રહે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને બ્રહ્મલોકને પામે છે.ત્યાંથી જે નંદિનીતીર્થમાં જઈ દેવોએ સેવેલા કૂવામાં સ્નાન કરીને કૌશિકી તથા અરુણા નદી પર જાય છે ને ત્યાં ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.પછી જે ઉર્વશી તીર્થમાં જઈને સોમાશ્રમે જઈને ત્યાંથી કુમ્ભકર્ણાઆશ્રમે પહોંચે છે તે પૃથ્વીમાં પૂજાય છે.પછી,જે કોકામુખમાં સ્નાન કરે છે તે પૂર્વજન્મનું સ્મરણ પામે છે.(158)


ત્યાંથી પ્રાડ઼નદીએ જનાર કૃતાર્થ થાય છે ને સર્વ પાપોથી વિશુદ્ધ મન થઇ ઇંદ્રલોકને પામે છે.પછી ઋષભદ્વીપમાં 

તથા ક્રૉન્ચનિષુદન ક્ષેત્રમાં જઈ જે સરસ્વતીમાં સ્નાન કરે છે તે વિમાનરૂઢ થઈને શૉભે છે.ત્યાં મુનિઓએ સેવેલા ઔદાલક તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી છૂટે છે.જે મનુષ્ય ધર્મતીર્થમાં જાય છે તે વાજપેય યજ્ઞફળ મેળવે છે ને વિમાનમાં સ્થાન પામીને પૂજા પામે છે,ત્યાંથી ચંપાતીર્થમાં જઈ ભાગીરથીમાં જલાંજલિ આપે છે ને દંડાર્તતીર્થે જાય છે તે સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે (163)

અધ્યાય-૮૪-સમાપ્ત