Dec 24, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-375

 

ત્યાંથી રુદ્રાવર્ત જઈ ત્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોક મળે છે.જે ગંગા અને સરસ્વતીના સંગમમાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.જે ભદ્રકર્ણેશ્વર તીર્થમાં જઈ દેવની યથાવિધિ પૂજા કરે છે તે દુર્ગતિ પામતો નથી

ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી કુબ્જામ્રક તીર્થમાં જવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,અરૂંધતીવટ તીર્થમાં જઈ સામુદ્રકતીર્થમાં સ્નાન કરે છે ને ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે અનુક્રમે 

અશ્વમેઘ યજ્ઞફળ ને સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે.(42)

ત્યાંથી,બ્રહ્માવર્ત જવાથી અશ્વમેઘ યજ્ઞફળ ને સોમલોકમાં જવાય છે.પછી,યમુનાપ્રભવમાં જઈ જે યમુનામાં સ્નાન કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં પૂજ્ય થાય છે.ત્યાંથી જે દર્વીસંક્રમણ તીર્થ જાય છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે.પછી,સિંધુપ્રભવ તીર્થમાં જઈ જે પાંચ રાત્રિ નિવાસ કરે છે તે પુષ્કળ સુવર્ણ પામે છે.

જે દુર્ગમ એવા વેદીતીર્થમાં જાય છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે ને સ્વર્ગલોકમાં જાય છે.

ત્યાંથી ઋષિકુલ્યા ને વાસિષ્ઠ તીર્થમાં જવાથી સર્વ વર્ણન મનુષ્યો બ્રાહ્મણ થાય છે.ઋષિકુલ્યામાં સ્નાન કરવાથી મનુષ્ય પાપમુક્ત થાય છે.ને જે એક માસ સુધી શાકાહારી રહીને ત્યાં નિવાસ કરે,ને ઋષિઓનું પૂજન કરે 

તે ઋષિલોકમાં જાય છે.ભૃગુતુંગ પર જવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.


ત્યાંથી,વીરપ્રમોક્ષમાં જવાથી મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.પછી,જે કૃતિકા અને મઘાના તીર્થોમાં જાય છે,તે અગ્નિષ્ટોમ ને અતિરાત્ર યજ્ઞફલ મેળવે છે.ત્યાં સંધ્યાકાળે જે વિદ્યાતીર્થમાં સ્નાન કરે છે તે સર્વ જગ્યાએથી વિદ્યા પ્રાપ્ત કરે છે.ત્યાં સર્વ પાપ છોડાવનારા મહાશ્રમમાં રહી,એક સમય નિરાહારી રહેનાર શુભ લોકોને પામે છે.

પછી,બ્રહ્માએ સેવેલા વિતસિકા તીર્થમાં જવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે,ને શુક્રગતિ પામે છે.

ત્યાં સિદ્ધ સેવિત સુંદરિકા તીર્થમાં જવાથી મનુષ્ય સુંદર રૂપ પામે છે.(57)


પછી,જે બ્રાહ્મણી તીર્થમાં જાય છે તે પદ્મવર્ણા વિમાનમાં બેસી બ્રહ્મલોકમાં જાય છે.ત્યાંથી નૈમિષતીર્થમાં પ્રવેશ કરતા જ મનુષ્યનાં સર્વ પાપો લોપ પામે છે.ત્યાં એક માસનો નિવાસ કરવો કેમ કે પૃથ્વીનાં જેટલાં તીર્થો છે તે નૈમિષારણ્યમાં રહેલાં છે.ત્યાં સ્નાન કરવાથી ગોમેધ યજ્ઞફળ મળે છે અને જે ત્યાં પ્રાણ ત્યજે છે તે પોતાની સાત પેઢીઓને પવિત્ર કરે છે ને સર્વલોકમાં આનંદ કરે છે.ત્યાંથી જે ગંગોદભેદ તીર્થમાં જઈ ત્રણ રાત્રિના ઉપવાસ કરે છે તે વાજપેય યજ્ઞફળ મેળવે છે ને સદૈવ બ્રહ્મરૂપ રહે છે,ને જે સરસ્વતી તીર્થમાં જઈ દેવો ને પિતૃઓનું તર્પણ કરે છે 

તે સારસ્વત લોકોમાં આનંદ ભોગવે છે એમાં સંશય નથી (66)


ત્યાંથી,બાહુકાતીર્થમાં જઈ,એક રાત્રિનો નિવાસ કરવાથી સ્વર્ગલોકમાં સાકાર પામે છે ને દેવસત્ર યજ્ઞફળ પામે છે.

પછી,ક્ષીરવતી નદીએ જય ત્યાં સ્નાન-પૂજન કરવાથી વાજપેય યજ્ઞફળ મળે છે.ત્યાંથી વિમલાશોક તીર્થમાં જઈ એક રાત્રિ રહેવાથી મનુષ્યને સ્વર્ગલોકમાં મહિમા મળે છે.ત્યાંથી સરયૂના ગોપ્રતાર નામના ઉત્તમ તીર્થે જવું.

ત્યાં શ્રીરામચંદ્ર પોતાના સેવકો સાથે દેહત્યાગ કરી સ્વર્ગે ગયા હતા.તે તીર્થમાં સ્નાન કરવાથી,તે તીર્થના તેજ વડે તથા શ્રીરામચંદ્રની કૃપા વડે નિઃસંશય સર્વ પાપોથી વિશુદ્ધ મનવાળો થાય છે ને સ્વર્ગમાં પૂજાય છે,(72)


ત્યાં જ ગોમતીમાં આવેલા રામતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.શતશાસ્ત્રક તીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.ત્યાંથી ભતૃસ્થાનમાં જવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.જે મનુષ્ય કોટિતીર્થમાં સ્નાન કરી કાર્તિકસ્વામીનું પૂજન કરે છે તે સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે ને તેજસ્વી થાય છે.

ત્યાંથી વારાણસી (કાશી) જય જે મનુષ્ય વૃષભધ્વજનું પૂજન કરે છે અને કપિલાહ્રુદમાં સ્નાન કરે છે તે રાજસૂય યજ્ઞનું ફળ પ્રાપ્ત કરે છે.પછી અવિમુક્ત તીર્થમાં જઈ મહાદેવના દર્શનથી બ્રહ્મહત્યાના પાપમાંથી મુક્ત થવાય છે ને ત્યાં જ પ્રાણ ત્યાગ કરવાથી મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે.(79)


પછી,ગંગા ને ગોમતીના સંગમ પર માર્કંડેય તીર્થમાં જવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.ત્યાંથી ગયા નામના તીર્થમાં જવાથી જ અશ્વમેઘ યજ્ઞફળ પ્રાપ્ત થાય છે,ત્યાં પ્રસિદ્ધ અક્ષયવટ છે,ત્યાં પિતૃશ્રાદ્ધ અક્ષય થાય છે. 

જે મહાનદીમાં સ્નાન કરી દેવો-પિતૃ તર્પણ કરે છે તે અક્ષયલોકને પામે છે ને કુળનો ઉદ્ધાર કરે છે.

ત્યાંથી,બ્રહ્મસરોવરે જઈ,એક રાત્રિ રહેવાથી બ્રહ્મલોક મળે છે.ત્યાં બ્રહ્માએ એક ઉત્તમ યજ્ઞસ્તંભ ઊંચો કર્યો છે,

કે જેની પ્રદિક્ષણા કરવાથી વાજપેય યજ્ઞફળ મળે છે.પછી,ધેનુક તીર્થમાં જઈ,ત્યાં એક રાત્રિ વાસ ને 

તિલધેનુનું દાન કરે છે તેનું મન સર્વ પાપોમાંથી વિમુક્ત થાય છે ને સોમલોકમાં જાય છે.(90)