અધ્યાય-૮૪-તીર્થવર્ણન (ચાલુ)
II पुलस्त्य उवाच II ततो गच्छेन्महाराज धर्मतीर्थमनुत्तमम I यत्र धर्मो महाभागस्तप्तवानुत्तमं तपः II १ II
પુલસ્ત્ય બોલ્યા-હે મહારાજ,ત્યાંથી અનુપમ ધર્મતીર્થે જવું.ધર્મરાજાએ ત્યાં અતિ ઉત્તમ તપ કર્યું હતું.ને તે તીર્થને પવિત્ર કરીને પોતાના નામથી પ્રસિદ્ધ કર્યું હતું.ત્યાં સ્નાન કરનાર પોતાની સાત પેઢીઓને પવિત્ર કરે છે.
ત્યાંથી,જ્ઞાનપાવન તીર્થમાં જવાથી મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામી મુનિલોકમાં જાય છે.
ત્યાંથી સૌગન્ધિક વનમાં પ્રવેશ કરવાથી જ મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.
પછી,સરસ્વતીનું બીજું સ્વરૂપ એવી પ્લક્ષદેવી નદીના રાફડામાંથી નીકળતા જળમાં સ્નાન-તર્પણ કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.ત્યાંથી નજીક ઇશાનાનુપિત નામના સ્થાનમાં સ્નાન કરવાથી હજાર કપિલા ગાયોના દાનનું ને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.ત્યાંથી સુગંધા,શતકુંભા અને પંચયક્ષામાં જવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં મહિમા પામે છે.ત્યાં જ ત્રિશૂલખાત નામના તીર્થમાં સ્નાન-તર્પણ કરવાથી ગણપતિપદ મળે છે. (12)
ત્યાંથી શાકંભરી તીર્થમાં જવું.ત્યાં દેવીએ,દેવોનાં એક હજાર વર્ષ સુધી મહિને મહિને માત્ર શાકનો આહાર કર્યો હતો,તેથી તેનું નામ શાકંભરી થયું હતું,અહીં જે મનુષ્ય ત્રણ રાત્રિનો નિવાસ કરે ને શાકનું ભોજન કરે તેને,
બાર વર્ષ સુધી શાકાહાર કરનારના જેટલું ફળ દેવીની ઈચ્છાથી મળે છે.ત્યાંથી સુવર્ણ તીર્થમાં જવું.વિષ્ણુએ રુદ્રને પ્રસન્ન કરવા અહીં તેમની આરાધના કરી હતી,ને અનેક વરદાનો મેળવ્યાં હતા.અહીં વૃષભધ્વજની પૂજા કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને ગણપતિ પદ મળે છે.
ત્યાંથી ધૂમાવતી તીર્થ જઈ,જે ત્રણ દિવસના ઉપવાસ રાખે છે તે મનમાં વાંછેલી સર્વ કામનાઓ પામે છે.
ત્યાં જ દક્ષિણ બાજુએ રથાવર્ત તીર્થ પર ચડવાથી,મહાદેવના પ્રસાદથી પરમ ગતિ મળે છે.ત્યાં પ્રદિક્ષણા કરી
ધારા નામના તીર્થે જવું.ત્યાં સ્નાન કરનારને શોક કરવાનો રહેતો નથી,આ મહાગિરિને નમસ્કાર કરી,ગંગાદ્વાર નામના તીર્થમાં જવું કે જે સ્વર્ગદ્વારની બરાબર છે.ત્યાં એકચિત્ત રહીને કોટિતીર્થમાં સ્નાન કરવાથી મનુષ્યને પુંડરીક યજ્ઞફળ મળે છે,તેના કુળનો ઉદ્ધાર થાય છે,ને એક રાત્રિ રહેવાથી હજાર ગોદાન ફળ મળે છે.(28)
સપ્તગંગા,ત્રિગંગા,અને શક્રાવર્ત તીર્થમાં જે દેવો ને પિતૃઓને તર્પણ કરે છે તે પુણ્યલોકમાં મહિમા મેળવે છે.
પછી,જે કનખલમાં સ્નાન કરી ત્યાં ત્રણ રાત્રિ નિવાસ કરે છે તે અશ્વમેઘ યજ્ઞફળ મેળવે છે,સ્વર્ગલોક મેળવે છે.
ત્યાંથી કપિલાવટ જઈ એક રાત્રિ રહેવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.પછી,નાગતીર્થમાં જઈ સ્નાન કરવાથી હજાર કપિલા ગાયોના દાનનું ફળ મળે છે.ત્યાર બાદ શાંતનુના લલિતક તીર્થે જઈ સ્નાન કરવાથી મનુષ્ય દુર્ગતિ પામતો નથી.જે મનુષ્ય ગંગા ને યમુનાની વચ્ચે સંગમમાં સ્નાન કરે છે તે દશ અશ્વમેઘ યજ્ઞફળને પામે છે ને કુળનો ઉદ્ધાર કરે છે.ત્યાંથી સુગંધ તીર્થમાં જવાથી મનુષ્ય પાપાઓથી વિશુદ્ધ માનવાળો થઇ બ્રહ્મલોકમાં પૂજાય છે.(36)