Dec 22, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-373

 

ત્યાંથી નૈમિષકુંજમાં જવું.ત્યાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ અને પછી,કન્યાતીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર

ગોદાનફળ મળે છે.ત્યાંથી બ્રહ્માતીર્થ જવું ત્યાં સ્નાન કરવાથી બ્રાહ્મણપણું મળે છે.ને પરમ ગતિ મળે છે.

પછી,સોમતીર્થે જવું જ્યાં સ્નાન કરનારને સોમલોકની પ્રાપ્તિ થાય છે.ત્યાંથી સપ્તસારસ્વત તીર્થમાં જવું,

જ્યાં મંકણક મુનિ થયા હતા,મહાદેવની આજ્ઞાથી,અહીં સ્નાન કરવાથી સારસ્વત લોકની પ્રાપ્તિ થાય છે (134)

અહીંથી ઔશનસ તીર્થ ને કપાલમોચન તીર્થમાં જઈને સ્નાન કરવાથી સર્વ પાપોથી મુક્તિ મળે છે.

ત્યાંથી અગ્નિતીર્થમાં જઈ સ્નાન કરવાથી અગ્નિલોક પ્રાપ્ત થાય છે ને તે કુળનો ઉદ્ધાર થાય છે.

ત્યાં જ વિશ્વામિત્ર તીર્થમાં સ્નાન કરવાથી બ્રાહ્મણપણું મળે છે ને બ્રહ્મ યોનિમાં સ્નાન કરવાથી બ્રહ્મલોકની 

પ્રાપ્તિ થાય છે ને સાત પેઢી સુધીનું કુળ પવિત્ર બને છે.એ વિષે સંશય નથી.


ત્યાંથી કાર્તિકેયના પૃથુદક તીર્થમાં જઈ સ્નાન તર્પણ કરવાથી,જે કંઈ અશુભ કર્મ કર્યું હોય તે નાશ પામે છે,

અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.ઋષિઓએ કહ્યું છે કે કુરુક્ષેત્ર પવિત્ર તીર્થ છે,સરસ્વતી તેનાથી વિશેષ પવિત્ર છે અને પૃથુદક સર્વ તીર્થોમાં વિશેષ પવિત્ર છે,અહીં જે મનુષ્ય શરીર છોડે તેને ફરી મરણનો તાપ મળતો નથી,આથી આ તીર્થમાં અવશ્ય જવું,એમ પંડિતો કહે છે.

ત્યાં જ મધુસ્ત્રવ નામનું તીર્થ છે,જ્યાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.(150)


ત્યાંથી સરસ્વતી ને અરણાના સંગમતીર્થ જવું,જે ત્યાં સ્નાન ને ત્રણ દિવસના ઉપવાસ રાખે છે તે બ્રહ્મહત્યાના પાપથી મુક્ત થાય છે.ને અગ્નિષ્ટોમ તથા અતિરાત્ર યજ્ઞફળ પામે છે.ને સાત પેઢીને પવિત્ર કરે છે.

ત્યાં જ અર્ધકીલ નામનું તીર્થ છે જેનું દર્ભીમુનિએ ચાર સમુદ્રોને આણીને બ્રાહ્મણો માટે નિર્માણ કર્યું હતું.

એમાં સ્નાન કરવાથી ગમે તેવો મંત્રહીન મનુષ્ય પણ વિદ્વાન બ્રાહ્મણ બને છે એમાં સંશય નથી.

વળી,તે દુર્ગતિ પામતો નથી ને ચાર સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે.


ત્યાંથી,શતસહસ્ત્ર ને સહસ્ત્ર એ તીર્થમાં જઈ સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.અને જો તેમાં દાન અને ઉપવાસો કર્યા હોય તો તે હજાર ગણા થાય છે.પછી,રેણુકાતીર્થમાં જવું.ત્યાં સ્નાન-તર્પણ કરવાથી સર્વ પાપોથી મુક્તિ ને અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.ત્યાંથી વિમોચન તીર્થમાં જઈ સ્નાનથી સર્વ દોષોથી મુક્તિ થાય છે.

પછી,પંચવટી તીર્થમાં જવાથી,મનુષ્ય મહાપુણ્યવાન થાય છે ને સત્પુરુષોના લોકમાં મહિમા પામે છે.

પછી,વરુણનું તૈજસતીર્થ છે જ્યાં દેવોએ કાર્તિક સ્વામીને દેવોના સેનાપતિપદે અભિષિક્ત કર્યા હતા.

આ તીર્થથી પૂર્વમાં કુરુતીર્થ છે,જેમાં સ્નાન કરવાથી,મન વિશુદ્ધ થઇ બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.


ત્યાંથી સ્વર્ગદ્વાર તીર્થમાં જવું,જ્યાં સ્નાન કરવાથી સ્વર્ગલોકની પ્રાપ્તિ થાય છે.પછી અનરક તીર્થમાં જવું.

ને ત્યાં જે સ્નાન કરે છે તે દુર્ગતિને પામતો નથી.પછી,સ્વસ્તિપુર જવું કે જેની પ્રદિક્ષણા કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે ને પાવનતીર્થમાં જઈ જે દેવો-પિતૃનું તર્પણ કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.ત્યાં ગંગાહૃદ અને કૂપ નામનાં બે તીર્થો છે.કૂપતીર્થમાં ત્રણ કરોડ તીર્થો રહ્યાં છે.ત્યાં સ્નાન કરનારને સ્વર્ગલોક મળે છે.

આપગાતીર્થમાં સ્નાન કરી જે મહાદેવનું અર્ચન કરે છે તે ગણપતિપદને પામે છે ને કુળનો ઉદ્ધાર કરે છે.


ત્યાંથી સ્થાણુવટે જવું જ્યાં સ્નાન કરીને એક રાત્રિ રહેવાથી રુદ્રલોક પ્રાપ્ત થાય છે.પછી,વશિષ્ઠાશ્રમમાં જઈને બદરીપાચન તીર્થમાં જઈ ત્રણ રાત્રિ ઉપવાસ રાખી,બાર વર્ષ બોરનો આહાર રાખનાર 'પુરુષ' બરાબર જણાય છે,

પછી,રુદ્રમાર્ગે જઈ એક રાત્રિ દિવસનો ઉપવાસ કરે તે ઇંદ્રલોકમાં મહિમા પામે છે.ને પછી એકરાત્રતીર્થમાં જઈ એક રાત્રિનો વાસ કરે છે તે મનુષ્ય બ્રહ્મલોકમાં વંદાય છે.ત્યાંથી આદિત્યતીર્થે જય સૂર્યની પૂજા કરે છે તે આદિત્યલોકને પામે છે ને પોતાના કુળનો ઉદ્ધાર કરે છે,જે સોમતીર્થમાં જાય છે તે સોમલીકમાં જાય છે.


ત્યાંથી દધીચના તીર્થે જવું,જ્યાં તપોનિધી અંગિરા ગયા હતા,ત્યાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.

પછી,કન્યાશ્રમ નામના તીર્થમાં જઈ,ત્રણ રાત્રિ ઉપવાસ રાખે તો  તે સો દિવ્ય કન્યાઓ ને સ્વર્ગલોક પામે છે,

ત્યાંથી સન્નિહતીતીર્થમાં જે મનુષ્ય સૂર્યગ્રહણ વખતે સ્નાન કરે છે તેને સો અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.

પૃથ્વીનાં સર્વે તીર્થો ત્યાં અમાસને દિવસે એકઠાં થાય છે તેથી તે સન્નિહતીતીર્થ તરીકે પ્રસિદ્ધ છે.

પછી,મચકુક નામના દ્વારપાલ યક્ષને વંદન કરીને કોટિતીર્થમાં સ્નાન કરવાથી અઢળક સુવર્ણ પ્રાપ્ત થાય છે.

ત્યાં જ ગંગાહૃદ તીર્થ છે જેમાં સ્નાન કરવાથી રાજસૂય ને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.(200)


પૃથ્વી પર નૈમિષ નામનું તીર્થ ફળદાયી છે,આકાશમાં પુષ્કરતીર્થ ફળદાયી છે અને કુરુક્ષેત્ર ત્રણે લોકમાં 

ફળદાયી છે,સરસ્વતીની દક્ષિણે ને દષદવતીની ઉત્તરે જેઓ કુરુક્ષેત્રમાં વસે છે તેઓ સ્વર્ગમાં જ વસે છે.

બ્રહ્મર્ષિઓ સેવેલું પવિત્ર કુરુક્ષેત્ર બ્રહ્મવેદી છે.જે મનુષ્યો તેમાં વસે છે તેઓ શોકપાત્ર થતા નથી.

એ કુરુક્ષેત્ર તરંતુક ને અરંતુક ની વચ્ચે તથા સમહૃદો અને મચકુકની મધ્યમાં આવેલું છે,

તે સમંતપંચક તથા બ્રહ્માની ઉત્તરવેદી પણ કહેવાય છે (208)

અધ્યાય-૮૩-સમાપ્ત