Dec 21, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-372

 

હે રાજેન્દ્ર,ત્યાંથી અરંતુક દ્વારપાળ નામના તીર્થમાં જવું,મહાત્મા યક્ષેન્દ્રનું સરસ્વતીના તીર પર આવેલા આ તીર્થમાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.પછી,બ્રહ્માવર્ત તીર્થમાં જઈ સ્નાન કરવાથી મનુષ્ય બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે.ત્યાંથી સુતીર્થકમાં જવું ત્યાં પિતૃઓ,દેવો સાથે નિત્ય વાસ કરે છે.ત્યાં સ્નાન અને પિતૃઓ તથા  દેવોનું પૂજન અર્ચન કરનારને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે ને તે પિતૃલોકમાં જાય છે.(55)

ત્યાંથી,અંબુમતીમાં આવેલા સુતીર્થમાં જઈ,કાશીશ્વર તીર્થમાં જવું.જેમાં સ્નાન કરવાથી મનુષ્ય સર્વ વ્યાધિઓમાંથી મુક્ત થાય છે ને બ્રહ્મલોકમાં મહિમા પામે છે,વળી,ત્યાં માતૃતીર્થ નામનું જે તીર્થ છે તેમાં સ્નાન  કરવાથી સંતાનવૃદ્ધિ થાય છે ને વિપુલ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.ત્યાંથી સીતવન નામના તીર્થમાં જવું.બીજે સ્થળે દુર્લભ એવું આ મહાન તીર્થ છે,આ એક તીર્થમાં માત્ર કેશ પર પાણી છાંટવાથી મનુષ્ય પવિત્ર થાય છે.ત્યાં 

શ્વાવિલ્લોમાપહ નામે તીર્થ છે તેમાં સ્નાન કરીને વિપ્રો પરમ પ્રીતિને પામે છે.ત્યાં દશાશ્વમેઘીક તીર્થ છે 

તેમાં સ્નાન કરનારને પરમ ગતિ પ્રાપ્ત થાય છે.ત્યાંથી માનુષ તીર્થમાં જવું,ત્યાં પારધીનાં બાણોથી પીડાયેલાં કાળિયાળો તે સરોવરમાં સ્નાન કરીને મનુષ્યત્વને પામ્યાં  છે.આ તીર્થમાં સ્નાન કરનારના મન પવિત્ર થાય છે.


માનુષ તીર્થથી પૂર્વમાં એક કોશ દૂર સિદ્ધોએ સેવેલી આપગા નામની વિખ્યાત નદી છે,ત્યાં જે મનુષ્ય દેવો ને પિતૃઓને ઉદ્દેશીને ભોજનમાં શ્યામાક (સામો) આપે છે તે મહાન ધર્મફળ પામે છે ને ત્યાં એક બ્રાહ્મણ જમાડવાથી કરોડ બ્રાહ્મણ જમાડવાનું ફળ મળે છે.ત્યાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે (71)

ત્યાંથી બ્રહ્મોદુમ્બરને નામે પ્રસિદ્ધ બ્રહ્માના ઉત્તમ સ્થાને જવું,ને સપ્તર્ષિઓના કુંડામાં સ્નાન કરી,જે કપિલના કેદારમાં બ્રહ્માનાં દર્શન કરે છે તે પાપ વિમુક્ત થઈને બ્રહ્મલોકને પામે છે ને અંતર્ધાનવિદ્યાને પામે છે.(74)


ત્યાંથી સરક નામના તીર્થમાં જવું.જે મનુષ્ય વદ ચૌદશના દિવસે ત્યાં વૃષભધ્વજ શિવજીનાં દર્શન કરે છે તે સર્વ કામનાઓની સિદ્ધિ મેળવે છે ને સ્વર્ગલોકને પામે છે.આ તીર્થમાં ત્રણ કરોડ તીર્થો રહેલાં  છે.ત્યાંજ ઈલા સ્પદ નામનું તીર્થ છે જ્યાં સ્નાન-અર્ચન કરવાથી મનુષ્યને દુર્ગતિ મળતી નથી ને વાજપેય યજ્ઞફળ મળે છે.

ત્યાં કિંદાન અને કિંજપ્ય તીર્થમાં સ્નાન કરવાથી અનુક્રમે દાન ને જપનું અમાપ ફળ મળે છે.

ત્યાંથી કલશી તીર્થમાં જઈ સ્નાન કરનારને અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.


આ સરકતીર્થની પૂર્વમાં આવેલા નારદના અંબાજન્મ નામના તીર્થમાં સ્નાન કરી જે પ્રાણત્યાગ કરે છે તે નારદની આજ્ઞાથી અતિ ઉત્તમ લોકમાં જાય છે.ત્યાંથી અજવાળિયાની દશમે,પુંડરીક તીર્થમાં જઇ ત્યાં સ્નાન કરવાથી પુંડરીક યજ્ઞફળ મળે છે.પછી,ત્રિવિષ્ટ્ય તીર્થમાં જઈ વૈતરણી નદીમાં સ્નાન કરવાથી તથા શૂલપાણિનાં દર્શન કરવાથી મનુષ્યનું મન સર્વ પાપોમાંથી વિશુદ્ધ થાય છે ને તે પરમ ગતિને પામે છે.


ત્યાંથી ફલકી નામના વનમાં જવું,ને ત્યાં દયાવતીમાં ને પછી પાણિખાત તીર્થમાં સ્નાન-તર્પણ કરવાથી અગ્નિષ્ટોમ ને અતિરાત્ર યજ્ઞફળ મળે છે.ને ઋષિલોકની પ્રાપ્તિ થાય છે.ત્યાંથી મિશ્રક તીર્થમાં જવું.વ્યાસે બ્રાહ્મણોને માટે એ તીર્થમાં સર્વ તીર્થો મેળવી દીધા છે,જે અહીં સ્નાન કરે તેને સર્વ તીર્થોના સ્નાનનું ફળ મળે છે.

ત્યાંથી વ્યાસવનમાં જવું,ત્યાં મનોજય નામના તીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે.

પછી,દેવીના મધુવટી તીર્થમાં સ્નાન-અર્ચન કરવાથી,દેવીની આજ્ઞાથી હજાર ગોદાનનું ફળ મળે છે.


ત્યાંથી કૌશિકી અને દયદવતીના સંગમમાં સ્નાન કરવાથી,મનુષ્ય સર્વ પાપોમાંથી મુક્ત થાય છે.

પછી,વ્યાસસ્થલી નામનું તીર્થ આવે છે કે જ્યાં વ્યાસે,પુત્રના શોકથી સંતાપ પામીને દેહત્યાગ કરવાની ઈચ્છા કરી હતી તે વખતે દેવોએ તેમને ઉઠાડ્યા હતા,આ સ્થળે જવાથી હજાર ગોદાનનું ફળ મળે છે.ત્યાંથી કિંદત્ત કૂવે જઈ,જે એક શેર તલનું દાન કરે છે તે ઋણમુક્ત થઈને સિદ્ધિ પ્રાપ્ત કરે છે,વેદીતીર્થમાં સ્નાન કરવાથી હજાર ગૌદાન ફળ ને અહ ને સુદિન નામના બે વિખ્યાત તીર્થમાં સ્નાન કરવાથી સૂર્યલોકની પ્રાપ્તિ થાય છે (100)


ત્યાંથી,મૃગધૂમ તીર્થમાં જવું,ત્યાં ગંગામાં સ્નાન ને મહાદેવનાં દર્શન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.

ત્યાંથી વામનતીર્થમાં જઈ વિષ્ણુપદમાં સ્નાન ને વામનનું પૂજન કરવાથી આત્મા સર્વ પાપોમાંથી મુક્ત બને છે.

ને વિષ્ણુલોકમાં જાય છે.ત્યાંથી કુલંપુન તીર્થમાં સ્નાન કરવાથી મનુષ્ય પોતાના કુળને પવિત્ર કરે છે.

પછી,મરુતોનું તીર્થ પવનહૃદ આવે છે ત્યાં સ્નાન કરવાથી વિષ્ણુલોકમાં મહિમા મળે છે ને અમરહ્રુદમાં સ્નાન કરી ઇન્દ્રને અર્ચન કરવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં મહિમા પામે છે.પછી,શાલિહોત્ર ને શાલિસૂર્યના તીર્થમાં સ્નાન કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.ને શ્રીકુંજતીર્થમાં સ્નાનથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.(108)