Dec 20, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-371

 

અધ્યાય-૮૩-વિશેષ તીર્થ વર્ણન 


II पुलस्त्य उवाच II ततो गच्छेत राजेन्द्र कुरुक्षेत्रममिष्टुतम I पापेभ्यो यत्र मुच्यन्ते दर्शनात्सर्वजन्तवः II १ II

પુલસ્ત્ય બોલ્યા-'હે રાજેન્દ્ર,ત્યાંથી વખાણવા લાયક કુરુક્ષેત્રમાં જવું,જેના દર્શનથી,પાપથી મુક્ત થવાય છે.

'હું કુરુક્ષેત્રમાં જઈશ ને ત્યાં વાસ કરીશ'એમ જે સતત જપ્યા કરે છે તે સર્વ પાપોથી મુક્ત થાય છે.

પવને ઉડાડેલી કુરુક્ષેત્રની ધૂળ પણ પાપકર્મીને પરમ ગતિએ લઇ જાય છે.જેઓ,સરસ્વતીની દક્ષિણે ને દષદવતીની ઉત્તરે કુરુક્ષેત્રમાં વાસ કરે છે તેઓ સ્વર્ગમાં જ વસે છે.બ્રહ્માદિ દેવો ત્યાં બ્રહ્મક્ષેત્રમાં જાય છે.જે મનમાં પણ કુરુક્ષેત્ર જવાની ઈચ્છા કરે છે તે પાપરહિત થઈને બ્રહ્મલોકને પામે છે.ત્યાં મચપ્રુક નામના યક્ષ દ્વારપાલને વંદન કરવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ સાંપડે છે,આમ,જે કુરુક્ષેત્રમાં જાય છે તે રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મેળવે છે.(9)

ત્યાંથી,વિષ્ણુના સતત નામના ઉત્તમ સ્થાનમાં જવું,જ્યાં શ્રીહરિ નિત્ય વાસ કરી રહ્યા છે.ત્યાં સ્નાન કરવાથી 

ને શ્રીહરિને નમન કરવાથી મનુષ્યને અશ્વમેઘ યજ્ઞફળ મળે છે અને તે વિષ્ણુલોકમાં જાય છે.

ત્યાંથી પારિપ્લવ નામના તીર્થમાં જવાથી અગ્નિષ્ટોમ અને અતિરાત્ર યજ્ઞોનું ફળ મળે છે.પૃથિવી નામના તીર્થમાં જવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાન ફળ મેળવે છે.ને શાલૂકીની તીર્થમાં દશાશ્વમેઘમાં સ્નાન કરે તેને દશ અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.નાગોના ઉત્તમ સર્પદેવી નામના તીર્થે જવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે ને નાગલોક મળે છે.


ત્યાંથી તરંતુક નામના તીર્થમાં જઈ ત્યાં એક રાત્રિનો વાસ કરવાથી સહસ્ત્ર ગોદાન ફળ મળે છે.

પછી,પંચનદમાં જઈ કોટિતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે,ત્યાંથી અશ્વિનીકુમાર નામના તીર્થમાં જવાથી મનુષ્ય સ્વરૂપવાન થાય છે,અહીંથી વારાહતીર્થમાં જવું,જ્યાં સ્નાન કરવાથી અગ્નિષ્ટોમ યજ્ઞફળ મળે છે.

ત્યાંથી સોમતીર્થ અને એકહંસ તીર્થમાં જવું,જ્યાં સ્નાન કરનારને અનુક્રમે રાજસૂય યજ્ઞ ફળ ને ગોદાન ફળ મળે છે.


પછી,કૃતશૌચ જઈને મનુષ્ય પુંડરિક યજ્ઞફળ પામે છે.ત્યાંથી શિવના મુંજવટ સ્થાનમાં જઈ એક રાત્રિ ઉપવાસ રાખવાથી મનુષ્યને ગણપતિનું પદ મળે છે,ત્યાં જ યક્ષિણી નામના તીર્થમાં સ્નાન કરવાથી તથા તેના દર્શન કરવાથી મનુષ્ય સર્વ મનોરથ સિદ્ધિ પામે છે.તે કુરુક્ષેત્રના દ્વાર તરીકે પ્રસિદ્ધ છે ને પુષ્કર તીર્થ સમાન છે.

જમદગ્નિપુત્ર પરશુરામે તેનું નિર્માણ કર્યું હતું.અહીં સ્નાન-અર્ચન-પ્રદિક્ષણા કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.(26)


ત્યાંથી રામહૃદે જવું.પરશુરામે ત્યાં ક્ષત્રિયોને ઉખેડી નાખીને પાંચ ધરાઓ કર્યા હતા જેને લોહીથી ભરીને સર્વ પિતૃઓ ને પિતામહોને તૃપ્ત કાર્ય હતા,ત્યારે પિતૃઓએ પ્રસન્ન થઈને પરશુરામને કહ્યું હતું કે-'હે રામ,હે ભાર્ગવ,તારી આ ભક્તિ ને પરાક્રમથી અમે પ્રસન્ન થયા છીએ,તારું કલ્યાણ થાઓ,તું વરદાન માગી લે તારી શી ઈચ્છા છે?'

ત્યારે પરશુરામ બોલ્યા કે-'જો હું તમારી કૃપાને યોગ્ય હોઉં તો મારા તપની ફરી વૃદ્ધિ થાય એમ હું ઈચ્છું છું.

રોષે ભરાઈને મેં ક્ષત્રિયોનો નાશ કર્યો છે તે પાપમાંથી તમારી કૃપાતેજ વડે મુક્ત થાઉં,ને આ ધરાઓ પૃથ્વીમાં પ્રસિદ્ધ તીર્થરૂપ થાઓ' પિતૃઓએ કહ્યું-'તથાસ્તુ,તું પાપમાંથી મુક્ત થયો છે કેમ કે ક્ષત્રિયો પોતાના કર્મને લીધે પડ્યા છે.

વળી આ ધારાઓમાં સ્નાન કરી જે પિતૃઓને તર્પણ આપશે તે સ્વર્ગલોક પામશે'

હે રાજેન્દ્ર,પરશુરામના આ ધરાઓમાં સ્નાન કરી જે પરશુરામનું પૂજન કરે છે તે અઢળક સોનુ પામે છે.


ત્યાંથી,વંશમૂલક તીર્થમાં જઈ ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય પોતાના વંશનો ઉદ્ધાર કરે છે.આગળ,કાયશોધન તીર્થમાં

જઈ ત્યાં સ્નાન કરવાથી નાહનારના શરીરની નિઃસંશય શુદ્ધિ થઇ તે શુભ ને ઉત્તમ લોકોને પામે છે.

ત્યાંથી લોકોદ્ધાર તીર્થમાં જવું જેમાં સ્નાન કરવાથી મનુષ્ય પોતાના લોકોનો ઉદ્ધાર કરે છે (45)


ત્યાંથી,શ્રીતીર્થમાં જઈ સ્નાન ને પિતૃઓનું પૂજન કરવાથી ઉત્તમ લક્ષ્મી પ્રાપ્ત થાય છે.પછી,કપિલાતીર્થમાં જઈ 

સ્નાન ને પિતૃઓની પૂજા કરવાથી મનુષ્ય સહસ્ત્ર કપિલા ગાયોનું દાન આપ્યાનું ફળ પામે છે.ત્યાંથી,સૂર્યતીર્થમાં જઈ સ્નાન-અર્ચન ને ઉપવાસ કરવાથી,મનુષ્ય અગ્નિષ્ટોમ યજ્ઞફળ પામે છે ને સૂર્યલોકમાં જાય છે.

પછી,ગોભવન (તીર્થ) માં જઈ સ્નાન કરે છે તેને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે,પછી,શંખિની દેવી તીર્થમાં જઈ

જે સ્નાન કરે છે તેને ઉત્તમ રૂપ સાંપડે છે.(51)