Dec 19, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-370

 

ત્યાંથી,આગળ સિદ્ધોએ સેવેલાં શકતીર્થ અને કુમારિકાતીર્થ આવે છે,જેમાં સ્નાન કરનાર તત્કાલ સ્વર્ગલોકને 

પામે છે.ત્યાં રેણુકાતીર્થ છે જેમાં સ્નાન કરવાથી,મનુષ્ય ચંદ્રમા જેવો નિર્મલ થાય છે.

ત્યાંથી જે મનુષ્ય પંચનદમાં જાય છે તે શાસ્ત્રમાં ખેલ પાંચ યજ્ઞોનું ફળ પામે છે.

પછી,ભીમાના ઉત્તમ સ્થાનમાં જવું,ત્યાં યોનિતીર્થમાં સ્નાન કરનાર દેવીનો પુત્ર થાય છે.ત્યાંથી આગળ

શ્રીકુંડતીર્થમાં જઈ પિતામહ બ્રહ્માને નમન કરવાથી મનુષ્ય સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે (86)

ત્યાંથી ઉત્તમ વિમલતીર્થમાં જવું,ત્યાં આજે પણ સોના ચાંદીના મત્સ્યો જોવામાં આવે છે,અહીં સ્નાન 

કરવાથી મનુષ્ય તત્કાલ ઇંદ્રલોકને પામે છે,ને પાપોથી વિશુદ્ધ મન થઇ પરમ ગતિને પામે છે.

આગળ વિતરતા નદીએ જઈ ને સ્નાન,તર્પણ કરનારને વાજપેય યજ્ઞનું ફળ મળે છે.

કાશ્મીર દેશમાં તક્ષક નાગનું વિતરતા નામે જે વિખ્યાત ભવન છે તે સર્વ પાપોનું નાશ કરનાર છે.


ત્યાંથી,વડવા તીર્થમાં જવું,ત્યાં સાયંસંધ્યાએ,યથાવિધિ સ્નાન કરીને અગ્નિદેવને યથાશક્તિ ચરુ અર્પણ કરવો.

આથી પિતૃઓને અક્ષયદાન આપ્યું ગણાય છે.અહીં,ઋષિઓ,પિતૃઓ,દેવો આદિએ નિયમપરાયણ રહી સહસ્ત્ર વર્ષની ઉત્તમ દીક્ષા લીધી હતી અને વિષ્ણુને પ્રસન્ન કરવા ચરૂઓ અર્પણ કર્યા હતા ને સાત ઋચાઓથી કેશવની સ્તુતિ કરી હતી,તેથી કેશવે પ્રસન્ન થઈને તેમને આઠગણું ઐશ્વર્ય પાછું આપ્યું હતું.તેથી આ તીર્થ સપ્તચરુ નામે વિખ્યાત થયું છે.ત્યાં અગ્નિદેવને ચરુ અર્પણ કરવાથી એક લાખ ગાયોના દાન કરતાં,સો રાજસૂય યજ્ઞો કરતાં,અને સહસ્ત્ર અશ્વમેઘ યજ્ઞો કરતાં પણ વિશેષ ફળ મળે છે.(99)


ત્યાંથી રુદ્રપદમાં જવું.ત્યાં મહાદેવનું પૂજન કરવાથી અશ્વમેઘનું ફળ મળે છે,આગળ મણિમાનતીર્થમાં જઈ જે એક રાત્રિનો વાસો કરે છે તેને અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ મળે છે.ત્યાંથી દેવિકાતીર્થ જવું,જ્યાં વિપ્રોની ઉત્પત્તિ થઇ હતો.

અહીં ત્રિશુલધારી ભગવાનનું સ્થાનક છે,દેવિકાતીર્થમાં સ્નાન કરી જે મહેશ્વરનું પૂજન કરે છે તે યજ્ઞનું ફળ મેળવે છે.ત્યાં દેવોએ સેવેલું કામ નામનું રુદ્રતીર્થ છે તેમાં સ્નાન કરવાથી મનુષ્ય તત્કાલ સિદ્ધિને પામે છે.

યજન,યાજન,બ્રહ્મવાલુક તથા પુષ્પામ્ભ એ તીર્થોમાં સ્નાન કરવાથી મનુષ્યને મૃત્યુ પછી શોક કરવાનો 

રહેતો નથી.આ દેવીકાતીર્થ અર્ધો યોજન પહોળું અને પાંચ જોજન લાબું છે.(107)


ત્યાંથી દીર્ઘસવ નામના તીર્થમાં જવા માત્રથી મનુષ્યને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે.

ત્યાંથી વિનશન તીર્થે જવું જ્યાં સરસ્વતી ગુપ્ત રીતે વહે છે ને ચમસ,શિવૉદભેદ તથા નાગોદભેદ તીર્થોમાં તે પ્રગટ થાય છે.આ તીર્થોમાં સ્નાન કરવાથી અનુક્રમે,અગ્નિષ્ટોમ યજ્ઞફળ,સહસ્ત્ર ગોદાન ફળ ને નાગલોકની પ્રાપ્તિ થાય છે.

ત્યાંથી શશયાન નમન દુર્લભ તીર્થમાં જવું ત્યાં કમળો સસલાના રૂપમાં ઢંકાયેલાં છે,પ્રતિવર્ષે કાર્તિકી પૂનમે તે કમળના રૂપમાં દેખાય છે.ત્યાં સ્નાન કરવાથી મનુષ્ય ચંદ્રની જેમ પ્રકાશે છે.(111)


ત્યાંથી કુમારકોટિમાં જઈ સ્નાન કરવું એથી દશ હજાર ગાયોના દાનનું ફળ મળે છે ને કુળનો ઉદ્ધાર થાય છે.

ત્યાંથી સાવધાન થઇ આગળ રુદ્રકોટિ તીર્થમાં જવું જ્યાં પૂર્વે કરોડ મુનિઓ શિવદર્શન માટે એકઠા થયા હતા.

યોગી શંકરે પણ કરોડ રુદ્રરૂપો લઈને તે સર્વને દર્શન આપીને વરદાન આપ્યું હતું કે 'આજથી તમારા ધર્મની વૃદ્ધિ થશે' એથી એ રૂદ્રકોટિમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ ને તેના કુળનો ઉદ્ધાર થાય છે.(124)


પછી,સરસ્વતીના સંગમ સ્થળે જવું જ્યાં બ્રહ્માદિ દેવો ચૈત્ર સુદ ચોથના દિવસે જાય છે ને કેશવની ઉપાસના કરે છે,

ત્યાં સ્નાન કરવાથી મનુષ્યને પુષ્કળ સુવર્ણ મળે છે અને સર્વ પાપોથી મુક્ત થઇ બ્રહ્મલોકમાં જાય છે 

ઋષિઓના યજ્ઞની ત્યાં સમાપ્તિ થઇ હતી તે ધામે જવાથી મનુષ્યને સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે.(128)

અધ્યાય-૮૨-સમાપ્ત