હે રાજન,જેમ,દેવોમાં મધુસુદન પ્રથમ કહેવાય છે તેમ,તીર્થોમાં પુષ્કર પ્રથમ કહેવાય છે,પવિત્ર ને નિયમપરાયણ થઈને જે બાર વર્ષ સુધી આ પુષ્કર તીર્થમાં વસે છે તે બ્રહ્મલોકમાં જાય છે,કોઈ મનુષ્ય સો વર્ષ સુધી અગ્નિહોત્રની ઉપાસના કરે અથવા કાર્તિકી પૂર્ણિમાએ પુષ્કરમાં વાસ કરે,તો બંનેને સરખું ફળ મળે છે.
બ્રહ્મ પુષ્કર,વિષ્ણુ પુષ્કર ને રુદ્ર પુષ્કર એવા ત્રણ પુષ્કર તીર્થો આદિસિદ્ધ છે અને તેમના તીર્થપણા વિશેના કારણો અમે જાણતા નથી પણ,આ પુષ્કર તીર્થમાં જવું અતિ કઠિન છે,તેમાં તપ કરવું દુષ્કર છે,દાન આપવું કઠિન છે ને ત્યાં વસવું તો અતિ દુષ્કર છે.મનુષ્યે ત્યાં નિયમપરાયણ રહી,બાર રાત્રિ રહેવું અને ત્યાંથી દક્ષિણ તરફ જઈને જંબૂમાર્ગ નામના તીર્થમાં પ્રવેશ કરવો,દેવો,ઋષિઓ ને પિતૃઓથી સેવાયેલા આ જંબૂમાર્ગમાં પાંચ રાત્રિ રહેવાથી મનુષ્યનું મન પવિત્ર થાય છે,મનોરથો પૂર્ણ થાય છે ,તેને દુર્ગતિ મળતી નથી અને ઉત્તમ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.(42)
જંબૂમાર્ગથી પાછા વળી,તંદુલિકાશ્રમમાં જવું,ત્યાં જવાથી તે દુર્ગતિ પામતો નથી ને બ્રહ્મલોકમાં જાય છે.
ત્યાંથી આગસ્ત્યસર નામના તીર્થમાં જય ત્રણ રાત્રિ અપવાસ કરે છે તે અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે.
ને જે મનુષ્ય શાક ને ફળથી નિર્વાહ કરે છે તે કાર્તિકકુમારનું પદ પામે છે.
ત્યાંથી,કણ્વાશ્રમમાં જવું.તે આદ્ય ને પુણ્ય ધર્મારણ્ય છે,એમાં પ્રવેશતાં જ સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે.
આ તીર્થની પ્રદિક્ષણા કરી યયાતિપતન નામના તીર્થમાં જવું,ત્યાં જનારને અશ્વમેઘ યજ્ઞનું ફળ સાંપડે છે.
ત્યાંથી મહાકાળ નામના તીર્થમાં જવું,ત્યાં કોટિતીર્થમાં સ્નાન કરવાથી અશ્વમેઘ યજ્ઞફળ મળે છે.
પછી,ભદ્રવટ નામના,ઉમાપતિ શિવના તીર્થમાં જવું,ત્યાં શંકરના દર્શનથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે.
ને મહાદેવની કૃપાથી સમૃદ્ધ,શત્રુરહિત અને લક્ષ્મીયુંકર ગણપતિના પદને પામે છે.
ત્યાંથી,નર્મદાનદીએ જઈ જે દેવો ને પિતૃઓને તર્પણ અર્પે છે,તે અગ્નિષ્ટોમા યજ્ઞનું ફળ મેળવે છે.
પછી ચર્મણ્વતી તીર્થમાં જવાથી,નિયમપરાયણ ને મિતાહારી મનુષ્ય રંતિદેવની આજ્ઞા પ્રમાણેનું અગ્નિષ્ટોમ યજ્ઞનું ફળ પામે છે.ત્યાંથી હિમાચલ પુત્ર અર્બુદ (આબુ) પર્વતે જવું.પૂર્વે જ્યાં પૃથ્વીમાં જવાનું છિદ્ર હતું,ત્યાં આજે વશિષ્ટનો વિખ્યાત આશ્રમ છે,ત્યાં એક રાત રહેવાથી સહસ્ત્ર ગોદાનનું ફળ મળે છે.
ત્યાંથી ઉત્તમ પ્રભાસતીર્થમાં જવું,હુતદ્રવ્યોનું ભોજન કરનારા અગ્નિ પોતે ત્યાં જ નિવાસ કરે છે.જે મનુષ્ય,પવિત્ર રહી અને મનોનિગ્રહ રાખી તે તીર્થમાં સ્નાન કરે છે તેને અગ્નિષ્ટોમ ને અતિરાત્ર યજ્ઞોનું ફળ પામે છે.
ત્યાંથી,સરસ્વતી ને સાગરનો જ્યાં સંગમ થાય છે ત્યાં જે જાય છે તે સહસ્ત્ર ગોદાનનું ફળ મેળવે છે.ને સ્વર્ગલોકને પ્રાપ્ત કરે છે.ત્યાં જે સ્નાન કરે ને શુદ્ધ થઇ પિતૃઓ ને દેવોનું તર્પણ કરે તે ચંદ્રની જેવી પ્રભાવાળો થાય છે.
ત્યાંથી વરદાન નામના તીર્થમાં જવું.અહીં દુર્વાસાએ વિષ્ણુને વરદાન દીધું હતું,અહીં સ્નાન કરનારને સહસ્ત્ર ગોદાનનું ફળ સાંપડે છે.ત્યાંથી દ્વારવતી (દ્વારકા) તીર્થમાં જવું.ત્યાં પિંડારક તીર્થમાં જે સનં કરે છે તે અઢળક સુવર્ણને પ્રાપ્ત કરે છે,ત્યાં આજે પણ પદ્મના ચિહ્નથી લક્ષિત થતી મુદ્રાઓ જોવામાં આવે છે તે આશ્ચર્ય છે
ત્યાં ત્રિશુલનું છાપવાળાં કમળો દેખાય છે.ત્યાં મહાદેવ સમીપમાં રહે છે.(65)
ત્યાંથી સિંધુ ને સાગરના સંગમે જઈ સલિલરાજના તીર્થમાં સ્નાન કરી,તર્પણ કરે તે વરણના લોકને પામે છે.
ત્યાં શંકુકર્ણેશ્વર દેવનું પૂજન કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરતાં દશ ગણું ફળ મળે છે એમ વિદ્વાનો કહે છે (70)
ત્યાંથી દમી નામના તીર્થમાં જવું,ત્યાં બ્રહ્માદિ સર્વ દેવો મહેશ્વરને ઉપાસે છે.અહીં સ્નાન કરીને દેવગણોથી
વીંટળાયેલા રુદ્રનું જે પૂજન કરે તો જન્મથી માંડીને જે પાપ કર્યા હોય તે સઘળાં નાશ પામે છે.
પૂર્વે દાનવો ને દૈત્યોને હણીને,વિષ્ણુએ આ સ્થાને પોતાની શુદ્ધિ કરી હતી.(75)
ત્યાંથી વસોધારા તીર્થમાં જવું,ત્યાં જતાં જ અશમેઘ યજ્ઞનું ફળ મલે છે,આ તીર્થમાં વસુઓનું પુણ્યસરોવર છે,
અહીં સ્નાન ને તર્પણ કરનાર વિષ્ણુલોકમાં મહિમા પામે છે.ને વસુઓનો પ્રિય થાય છે.
ત્યાંથી આગળ સિંધુત્તમ તીર્થ છે,તેમાં સ્નાન કરવાથી મનુષ્યને પુષ્કળ સુવર્ણ સાંપડે છે.
આગળ ભદ્રતુંગમાં જઈ જે પવિત્ર અને શીલવાન રહે છે તે બ્રહ્મલોકને પામે છે ને પરમ ગતિ પ્રાપ્ત કરે છે.