અધ્યાય-૭૯-બૃહદશ્વનું ગમન
II बृहदश्च उवाच II प्रशांते ते पुरे हृष्टे संप्रवृत्ते महोत्सवे I महत्या सेनया राजा दमयन्तीमुपानयत II १ II
બૃહદશ્વ બોલ્યા-જયારે નગરમાં શાંતિ અને આનંદ ફેલાયાં,ત્યારે નળરાજે દમયંતીને તેડાવી.ભીમરાજાએ,પોતાની
પુત્રીને પ્રેમપૂર્વક વિદાઈ આપી.દમયંતી બાળકો સાથે આવી પહોંચી એટલે નળરાજા આનંદમાં વિહરવા લાગ્યો,
ને તેણે વિધિપૂર્વક દક્ષિણાવાળા વિવિધ યજ્ઞો કર્યા ને અભ્યુદયને પામ્યો.
હે યુધિષ્ઠિર,આમ,એકલા પડેલા એ નળને મહાન દુઃખ પડ્યું હતું,છતાં તે પાછો રાજ્યસંપતિને પામ્યો હતો,
તો તમે તો અહીં સાથવાળા ભાઈઓ ને કૃષ્ણા સાથે ધર્મનું ચિંતન કરતા રહીને આનંદથી રહો છો.(8)
વેદપારંગત બ્રાહ્મણો સદા તમારી પાસે બેસે છે,તો તમે શોક શા માટે કરો છો? ઋતુપર્ણ રાજા પાસેથી નળે અક્ષરહસ્ય મેળવ્યું,ત્યારે કલિએ તેને જે જોઈએ તે આપ્યું,કલિનો આ ઇતિહાસ સાંભળનારને,તેનો પાઠ કરનારને કલિનો ભય રહેતો નથી.તમે પણ આ ઇતિહાસથી આશ્વાસન લઇ શકો છો.'પુરુષાર્થ નિત્ય અસ્થિર છે' એમ વિચારીને,તેના ઉદય કે અસ્તની તમારે ચિંતા કરવી જોઈએ નહિ.તમે ધીરજ રાખો.સંકટના સમયે વિવાદ કરવો જોઈએ નહિ.દૈવ વિપરીત થતાં ને પુરુષાર્થ અફળ જતાં,ધૈર્યનો આશરો કરનારા,મનમાં ખેદ પામતા નથી.
'તે દુર્યોધન મને ફરીથી જુગટાનું તેડું કરશે' એવા ભયથી તમે જે ત્રાસી રહ્યા છો,તે તમારો ભય,અક્ષવેત્તા એવો હું દૂર કરીશ.હું અક્ષરહસ્યને પૂર્ણતાથી જાણું છું ને પ્રસન્ન થઈને તમને કહું છું તે તમે સ્વીકારો'
વૈશંપાયન બોલ્યા-'આમ,યુધિષ્ઠિરને અક્ષરહસ્ય આપીને તે મહાતપસ્વી અશ્વશિર તીર્થમાં સ્નાન કરવા માટે ગયા.
તેમના ગયા પછી,યુધિષ્ઠિરે આમતેમથી તીર્થોમાંથી આવતા તપસ્વીઓ પાસેથી સાંભળ્યું કે-અર્જુન,માત્ર વાયુભક્ષણ
કરીને ઉગ્ર તપ કરી રહ્યો છે.કે જે સાંભળીને તેઓ શોક કરવા લાગ્યા.(30)
અધ્યાય-૭૯-સમાપ્ત
નલોપાખ્યાન પર્વ સમાપ્ત