Dec 9, 2023

Mahabharat-Gujarati-As It Is-મહાભારત ગુજરાતી-મૂળરૂપે-361

 

અધ્યાય-૭૪-નળ ને દાસી કેશિનીનો સંવાદ 


II दमयन्ती उवाच II गच्छ केशिनि जानीहि क एय रथवाहक I उपविष्टो रथोपस्ये विकृतो ह्रस्वबाहुकः II १ II

દમયંતી બોલી-'હે કેશીની,તું જા અને રથ પર જે ટૂંકા હાથવાળો ને બેડોળ સારથી બેઠો છે તેની ભાળ કાઢ.

તું તેની પાસે સ્વસ્થતાપૂર્વક જઈને તેના કુશળ સમાચાર પૂછજે.મારા મનમાં જે સંતોષ ને હૃદયમાં જે સુખ થાય છે તેથી મને શંકા પડે છે કે તે પુરુષ નળરાજા હશે.હે દાસી,વાતચીત થઇ રહ્યા પછી તું પર્ણાદને કહેલાં મારા વચનો તેને સંભળાવજે ને ત્યારે તે જે ઉત્તર આપે તે તું બરોબર ધ્યાનમાં રાખીને મને આવીને કહેજે.'

પછી દાસી સાવધાનતાપૂર્વક બાહુક પાસે જઈને તેની સાથે વાત કરવા લાગી,ને કહેવા લાગી કે-

'હે માનવેન્દ્ર,તમારું સ્વાગત છે,હું તમારું ક્ષેમકુશળ પૂછું છું.તમે અહીં શા માટે આવ્યા છો તે સત્ય કહો 

કેમ કે વૈદર્ભી તે જાણવા ઈચ્છે છે' બાહુક બોલ્યો-'કોશલરાજ ઋતુપર્ણ રાજાએ એક બ્રાહ્મણ પાસેથી સાંભળ્યું છે કે આવતી કાલે દમયંતીનો બીજીવાર સ્વયંવર થવાનો છે,કે જે સાંભળીને અમે ઉત્તમ અશ્વો જોડીને અહીં આવવા નીકળ્યા હતા.ઋતુપર્ણ રાજાનો હું સારથી છું.મારી સાથે આવેલો ત્રીજો પુરુષ એ નળરાજાનો વાર્ષ્ણેય નામનો સારથી છે,કે જે નળરાજાના નાસી જવાથી ઋતુપર્ણ રાજાની સેવામાં રહ્યો છે.હું પણ અશ્વવિધાયમાં કુશળ છું આથી ઋતુપર્ણ રાજાએ મને સારથિના કામમાં ને ભોજનના કામમાં પસંદ કર્યો છે'


દાસી બોલી-;તે વાર્ષ્ણેય,એ જાણે છે ખરો કે તે નળરાજા ક્યાં ગયા છે?તેણે તમને કશું કહ્યું છે?'

બાહુક બોલ્યો-'એ વાર્ષ્ણેય,નળના પુત્રોને અહીં જ મૂકીને અહીંથી સ્વેચ્છાએ ચાલ્યો ગયો હતો,તે નળ વિશે વધુ જાણતો નથી.વળી,કોઈ પણ બીજો મનુષ્ય પણ નળને જાણતો નથી કેમ કે રૂપને ખોઈ બેઠેલો તે મહીપતિ,આ જગતમાં ગુપ્ત રીતે વિચરે છે.એટલે એ નળ,પોતે જ પોતાને ઓળખે છે અથવા તો તેનાથી અવિભક્ત  આત્મા જેવી તેની સ્ત્રી તેને ઓળખે છે કેમ કે નળ,પોતે ક્યારે પોતાના ચિહ્નો કોઈને કહેતો નથી'


ત્યાર બાદ,દાસીએ અગાઉ પર્ણાદને કહેલાં દમયંતીના વચનો,કે જેને પર્ણાદે ઋતુપર્ણની સભામાં કહ્યાં હતાં,

તે કહી સંભળાવ્યાં ને કહ્યું કે 'અગાઉ તમે તેનો જે ઉત્તર આપ્યો હતો તે વૈદર્ભી તમારી પાસેથી સાંભળવા ઈચ્છે છે'

ત્યારે,બાહુકે પર્ણાદને કહેલો ઉત્તર ફરીથી કહી સંભળાવ્યો ને મનમાં અતિશય દુઃખી થઈને તે આંસુઓને રોકી શક્યો નહિ,ને મોટેથી રડવા લાગ્યો.પછી,કેશીની ત્યાંથી દમયંતી પાસે જઈને સર્વ વાત જણાવી (31)

અધ્યાય-૭૪-સમાપ્ત